બ્રિજેશ મેરજાનું રાજીનામું, રાજકોટ કોંગ્રેસે ફટાકડા ફોડી, પેંડા વેચી ઉજવણી કરી

PC: Youtube.com

રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસમાંથી ધારાસભ્યોનો રાજીનામાનો દોર પણ શરૂ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રૂબરૂ મુલાકાત કરીને તેમને રાજીનામું આપી ચૂક્યા છે.જે ત્રણ ધારા સભ્યના રાજીનામા પડ્યાં છે તેમાં કરજણ બેઠકના અક્ષય પટેલ, કપરાડા બેઠકના જીતુ ચૌધરી અને મોરબી બેઠકના બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા ભાજપના ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા હોવાના આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે ગરમાયેલા રાજકારણ વચ્ચે કોંગ્રેસનો રાજકોટમાં અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપતા રાજકોટ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રસ્તા પર ફટાકડા ફોડી અને પેંડા વેચીને અનોખી રીતે વિરોધ દર્શાવ્યો આવ્યો હતો. તો બીજી તરફ ધારાસભ્યોના રાજીનામાને લઈને પણ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, બ્રિજેશ મેરજામુ રાજીનામું અમને ઈ-મેઈલથી મળ્યું છે. ગુજરાતમાં સામ, દામ, દંડ અને ભેદની કામગીરી થઇ રહી છે. આંદોલન થાય તો લોકોને દબાવવામાં આવે છે. બ્રિજેશ મિરાજા કોંગ્રેસ પાર્ટીની બેઠકમાં હાજર હતા અને તેઓએ રણનીતિ નક્કી કરી તેમને રાત્રે જ રાજીનામું આપ્યું હતું.

અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકાર વિપક્ષના ધારાસભ્યોના કામ કરતી નથી. આ ઉપરાંત તેઓએ રાજીનામું આપીને પક્ષને છોડીને ગયેલા ધારાસભ્ય બાબતે જણાવ્યું હતું કે, પક્ષના સિમ્બોલના કારણે તમે ચૂંટાઇ આવો છો અને રાજ્યસભાની ચૂંટણી આવે તે સમયે તમારે કેમ રાજીનામું આપવું પડે છે.

ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ હતી ત્યારે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસ દ્વારા રિસોર્ટ પોલિટિક્સ કરવામાં આવ્યુ હતું પરંતુ કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સભાની ચૂંટણી રદ્દ થતાં ફરીથી કોંગ્રેસના ધારાસભ્ય તેમના વિસ્તારમાં આવીને પ્રજાની વચ્ચે રહીને કામ કરવા લાગ્યા હતા. કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસના એક પણ ધારાસભ્યનું રાજીનામું પડ્યુ ન હતું પરંતુ ફરી રાજ્યસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ 24 કલાકમાં જ ત્રણ ધારાસભ્યના રાજીનામા પડ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp