પેટાચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી ભંગાણ, આ પૂર્વ ધારાસભ્યએ કરી ઘરવાપસી

PC: Abpasmita

પેટાચૂંટણીનું એલાન થયું ત્યારથી રાજ્યમાં પક્ષ પલટાની મૌસમમાં જાણે વસંત ઋતુ બેઠી હોય એવો માહોલ જોવા મળે છે. ચૂંટણી પહેલા ફરી એકવખત કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. ધંધૂકાના પૂર્વ ધારાસભ્ય લાલજી મેરે પેટાચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં ઘરવાપસી કરી છે. અગાઉ તેઓ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં તેમણે ભાજપનો ખેસ પહેરીને કોંગ્રેસ કાર્યકર્તા તથા આગેવાનોને ચોંકાવી દીધા હતા.

રાજ્યમાં પેટાચૂંટણીને લઈને દિવસે દિવસે પક્ષ તથા નેતાઓના જુદા જુદા વલણ જોવા મળી રહ્યા છે. પેટાચૂંટણી નજીક આવતા પૂર્વ ધારાસભ્ય લાલજી મેરે ભાજપની ટીમમાં ઘરવાપસી કરી છે. સૌરાષ્ટ્રમાં લાલજી મેરની છાપ એક દિગ્ગજ નેતા તરીકેની રહી છે. ભાજપ અને કોંગ્રેસ તરફથી કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતા લિંબડીમાં પણ અન્ય સમાજના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે કિરિટસિંહ રાણાને મેદાને ઊતાર્યા છે. જોકે, ધંધૂકાથી લઈને છેક ભાવનગર શહેરી વિસ્તાર સુધી કોળી સમાજનો એક મોટો વર્ગ છે. લિંબડીમાં પણ જાતિવાદી સમીકરણને અગાઉ ધ્યાને લેવામાં આવ્યું હતું. એવામાં લાલજી મેરની ઘર વાપસી થતા અનેક પાસાએ રાજકીય સમીકરણની ચર્ચા થઈ રહી છે. માત્ર લાલજી મેર જ નહીં પણ સમાજના બીજા 20 આગેવાનોએ ભાજપ પ્રવેશ કરતા કોંગ્રેસમાં અંદરખાને રહેલી તિરાડ વધુ પહોંળી થઈ છે. કોંગ્રેસે ચેતન ખાચરને ટિકિટ આપી છે. પૂરજોશમાં ચાલી રહેલા પ્રચારના માહોલમાં આ વણાંક આવતા બંને પક્ષમાં ચર્ચાઓ શરૂ થઈ છે.

જોકે, કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ ફરી એકવખત જોવા મળી છે. સોમવારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ખાસ હાજરીમાં લિંબડીમાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજના મોટા કહેવાતા આગેવાનો એ ભાગ લીધો હતો. આ તમામ 20 આગેવાનોએ પ્રદેશ પ્રમુખના હાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ પ્રસંગે સી.આર. પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ બેઠક પર ભાજપનો વિજય નિશ્ચિત છે. પણ સૌરાષ્ટ્રમાંથી રાજકીય નિષ્ણાંતોના અગાઉના જણાવ્યા અનુસાર આ બેઠક પર ફરી કોઈ જાતિવાદી સમીકરણ સ્પર્શ કરે છે. સંમેલનમાં ભાજપના જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમજ ચુડા, લીંબડી, સાયલા, તાલુકા પંચાયતના સભ્યો ખાસ હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના થયેલા કામની વાત લોકો સુધી પહોંચાડીને ભાજપના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp