રાજકોટમાં પિતાએ દીકરીની હત્યા કરી, એક મહિના પહેલા જ માતાનું નિધન થયું હતું

PC: news18.com

દીકરી પિતાની લાડકવાયી હોય છે. દીકરી પર જો કોઈ આફત આવે તો પિતા ઢાલ બનીને દીકરીની આગળ ઊભા રહી જાય છે અને દીકરી પર આવતી તમામ મુશ્કેલીઓનો સામનો પિતા પોતે કરે છે. ત્યારે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પિતાએ દીકરીને કપડાં ધોવાના ધોકાથી ફટકા મારી હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે પિતા સામે ગુનો દાખલ કરી પિતાની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં પિતાએ કબૂલાત કરી હતી કે, દીકરીને પાડોશમાં રહેતા એક વિધર્મી યુવક સાથે પ્રેમ થઈ ગયો હોવાથી તે વિધર્મી યુવક સાથે લગ્ન કરવાની જીદ કરતી હતી.

રિપોર્ટ અનુસાર રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા શાહનગર સોસાયટીમાં 20 વર્ષની ઇલા નકુમ તેના પરિવારના સભ્યો સાથે રહેતી હતી. ઇલાને તેની બાજુમાં રહેતા એક વિધર્મી યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેથી ઇલાએ આ બાબતે તેના પિતા ગોપાલ નકુમને જાણ કરી હતી અને યુવક સાથે લગ્ન કરવા માટે મંજૂરી માગી હતી પરંતુ વિધર્મી યુવક સાથે દીકરીના લગ્ન થાય તે પિતાને મંજૂર ન હતું. તેથી પિતા ગોપાલ નકુમે દીકરીને યુવક સાથે લગ્ન ન કરવા સમજાવી હતી પરંતુ દીકરી પિતાની વાત માની નહીં અને તેને વિધર્મી યુવક સાથે લગ્ન કરવા હતી. તેથી ગોપાલ નકુમ રોષે ભરાયા હતા અને કપડા ધોવાનો ધોકો લઈને ઇલાને માર માર્યો હતો અને ધોકો માથાના ભાગે લાગતા ઇલાને ગંભીર ઇજા થઇ હતી. તેથી તેને આસપાસના લોકો દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

માથામાં ગંભીર ઈજા થવાના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઇલાનું મોત નીપજ્યું હતું, જ્યારે સમગ્ર મામલો હત્યામાં પરિવર્તિત થઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો હોસ્પિટલ પર દોડી આવ્યો હતો અને પોલીસે ગોપાલ નકુમ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

આ બાબતે રાજકોટ ઝોન-2 DCP મનોહરસિંહ જાડેજાનું કહેવું છે કે, મૃતક ગાંધીગ્રામ વિસ્તારમાં તેના પિતા ગોપાલ નકુમ સાથે રહેતા હતા અને તેને બાજુમાં રહેતા વિધર્મી યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જો કે, આ મેટર પોલીસ પાસે આવી ત્યારે બન્ને સમાજના આગેવાનો પણ પોલીસ પાસે આવ્યા હતા અને સમાજના આગેવાનોની સમજાવટથી બંને પક્ષો સમજ્યા હતા અને વાતચીત થઈ હતી ત્યાર બાદ યુવતીના પિતા તેને ઘરે પરત લઇ ગયા હતા કે, આ બધી ઘટના 29 જુલાઈથી આજ સુધીમાં બની હતી. આજે સવારે ખાવા બાબતે છોકરી સાથે માથાકુટ થઇ હતી તેથી પિતાએ દીકરીને માથાના ભાગે લાકડાના ફટકા માર્યા હતા તથા ઘટનામાં યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી એટલે બપોરે સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજયું હતું. આ સમગ્ર મામલે ફરિયાદ લેવાની શરૂ છે.

ઉલ્લેખનીય છે કે, ઇલાના માતાનું એક મહિના પહેલા હાર્ટએટેકથી મોત થયું હતું અને 4 ઓગસ્ટના રોજ ઇલા અને તેના પરિવારના સભ્યોને બાજુમાં રહેતા વિધર્મી યુવકના પરિવારના સભ્યો સાથે સમજૂતી થઇ હતી. ઇલા રાજકોટની મહિલા કોલેજમાં અભ્યાસ કરતી હતી અને એના પિતા ગોપાલ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, થોડા દિવસો પહેલા પહેલા ઇલા તેનું ઘર છોડી પ્રેમી પાસે રહેવા ચાલી ગઈ હતી. તો પ્રેમીની ઉંમર પુખ્ત વયની હોવાના કારણે પ્રેમીના પરિવારજનો ઇલાને સમજાવી તેને ઘરે મૂકી ગયા હતા, ત્યારે જિલ્લા ઇલાના પિતા ગોપાલ નકુમે દીકરીને સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને ત્યારબાદ સમજાવટથી તેઓ પુત્રીને ઘરે લઇ ગયા હતા અને આ ઘટનાના 24 કલાક બાદ જ પિતાએ પુત્રી પર ખૂની હુમલો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp