ધારી અને સાવરકુંડલામાં પડ્યો વરસાદ, આગામી 5 દિવસ આ જગ્યાએ વરસાદ પડવાની આગાહી

PC: bhaskarassets.com

કોરોનાની મહામારી વચ્ચે સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે પણ વરસાદ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રના અમરેલી, ધારી અને સાવરકુંડલા પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે એકા-એક વરસાદનું ઝાપટું પડયું હતું. અમરેલી, ધારી અને સાવરકુંડલા પંથકમાં થોડીવારમાં જ એકથી દોઢ ઇંચ વરસાદ વરસી જતા રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. તો બીજી તરફ લોકોને વરસાદના કારણે કાળઝાળ ગરમીમાંથી પણ રાહત મળી હતી અને વરસાદ થતા માટીની ભીની સુગંધ અને ઠંડક વાતાવરણમાં પ્રસરી ગઇ હતી.

રિપોર્ટ અનુસાર અમરેલીના ધારી પંથકના સરસિયા, અમૃતપુર અને સાવરકુંડલાના શેઢાવદર અને જુનાસાવર સહિતના આસપાસના ગામડાઓમાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે લોકોની હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જે લોકો કામ ધંધે જવા ઘરેથી છત્રી કે, રેઇનકોટ લીધા વગર નીકળ્યા હતા તેઓને પણ વરસાદ પડતા આસપાસની દુકાનો અથવા તો વૃક્ષની નીચે સહારો લેવો પડ્યો હતો.

તો બીજી તરફ આજે પુનમ હોવાના કારણે દ્વારકાના દરિયામાં ભરતી જોવા મળી હતી અને જેના કારણે દ્વારકાના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળતા પણ જોવા મળ્યા હતા. દ્વારકાના ગોમતીઘાટ પર 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા.

સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં પડેલો વરસાદ પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે થયો હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આ પ્રકારનો માહોલ આગામી પાંચ દિવસ સુધી રહી શકે છે અને પાંચ દિવસ દરમિયાન રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડી શકે છે.

પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ અને કચ્છમાં પણ વરસાદ વરસી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp