જયરાજસિંહ જીવે છે ત્યાં સુધી પરિવાર સિવાય કોઈને ટિકિટ નથી મળવાની, યાદ રાખી લેજો

PC: twitter.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ગોંડલ વિધાનસભાને લઈ અનેક સવાલો અને અસમંજસતા સામે આવી રહી હતી. અસમંજસતાઓ હતી કે ટિકિટ કયા પક્ષને મળશે કારણ કે, ગોંડલમાં બે બળિયાઓ વચ્ચે યુદ્ધ જેવો માહોલ જામ્યો હતો. જેમાનું એક જૂથ હતું જયરાજસિંહ જાડેજા કે જેઓ પૂર્વ ધારાસભ્ય છે અને તેમના પત્ની ગીતાબા જાડેજા કે જેઓ BJPના ગોંડલ બેઠક પરથી ધારાસભ્ય છે. બીજી તરફ જે જૂથ છે અનિરુદ્ધસિંહ જાડેજાનું જૂથ કે જે અનિરુદ્ધસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ રીબડાવાળાથી ઓળખાતું હતું. આ ગ્રુપની અંદર કેટલાક લોકો એવા પણ જોડાયા કે જે જયરાજસિંહ જાડેજા સાથે પણ જોડાયેલા હતા. આ જૂથે અનિરુદ્ધસિંહ જાડેજા સાથે હાથ મિલાવ્યા, પત્રકાર પરિષદ પણ કરી અને કેટલાક આક્ષેપ પણ કર્યા. પણ આખરે ટિકિટ તો જયરાજસિંહ જાડેજા જૂથને ફાળે જ ગઈ. ત્યારે જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓને જાહેરમાં ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે...

તમારા ગામનો છોકરો સહદેવ એને ઉપાડીને હું જિલ્લા પંચાયતમાં લઈ ગયો એને મેં કારોબારીનો ચેરમેન બનાવ્યો. જ્યારથી પંચાયત રાજ આવ્યું છે ત્યારથી ઘરાસિયાનો દીકરો જિલ્લા પંચાયતનો ચેરમેન પહેલીવાર બન્યો છે. એ બધુ ભૂલાઈ ગયુ? પહેલાના વડીલોને મારો થપકો છે કે જ્યારે તમારા ગામમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયુ ત્યારે તમે વડીલો તરીકે ભૂમિકા શું ભજવી? શું તમે એને થપકો દીધો? એને મેં ઉપાડીને જિલ્લામાં મુક્યો. મુખ્ય પોસ્ટ ઉપર મુક્યો. એવી રીતે સિદ્ધરથને મેં ઉપાડીને તાલુકાનો ચેરમેન બનાવ્યો. જયરાજસિંહ જાડેજા સામે ટિકિટ માંગવા નીકળ્યા તમે? તમારી હેસિયત શું છે? જયરાજસિંહ જાડેજા જીવે છે ત્યાં સુધી પરિવાર સિવાય કોઈને ટિકિટ નથી મળવાની, યાદ રાખી લેજો.

જયરાજસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીમાં ઘરડો થઈ ગયો છે હવે અને આ લોકોએ પણ મારામાં વિશ્વાસ રાખ્યો છે.  વડીલ તરીકેની ભૂમિકા જ્યારે ભજવવાની હોય જ્યારે ચૂકી જવાની હોયને એ બંને વસ્તુની નોંધ છે. ગામના ક્ષત્રિય આગેવાનો ઉઠીને મારી પાસે તમારા છોકરાઓની ભૂલ છે. કેમ ત્યાં કોઈ બોલ્યા નહીં, કેમ છાનામાના બેઠા બધા. બીજી રહી વાત કે કોઈને કાંઈ એવી હવા કે વહેમ હોય કે આ ગામનું હું આમ કરી નાંખુ ને હું તેમ કરી નાંખુ તો એ ભૂલી જાય. આ જયરાજસિંહ જાડેજા 98ની સાલમાં હતોને એનો એ જ છે. એમા જરાય શંકા કોઈ રાખતા નહીં.

ભલા માણસ ઘરાસિયા તરીકે મારો ભરોસો કોનો કરવો તમે વિચાર તો કરો. હું આભાર માનુ છું લેઉવા પટેલ સમાજનો. એક લાખની વસ્તીનો આ લેઉવા પટેલ સમાજનો મતદાર અને એક લાખ માંથી એક લેઉવા પટેલ યુવાને મારી સામે ટિકિટ ના માંગી તમે વિચાર તો કરો. મારે કોની ખાનદાનીને બિરદાવવી. વિચાર કરો. એક લાખની વસ્તીનો લેઉવા પટેલ સમાજ છે. એમા ભારતીય જનતા પાર્ટીએ ખાનગીમાં પૂછાવ્યું હતું કે જયરાજસિંહ જાડેજા સામે લેઉવા પટેલમાંથી કોઈને ટિકિટ જોઈએ છે? એક લાખે એક અવાજે કીધુ હતું કે અમારે ટિકિટ નથી જોઈતી જયરાજસિંહ જાડેજાને આપો, મારા માટે ભગવાન કોણ?

આ ઘરાસિયા હાંડિયાના ડિંડોળાની જેમ આમથી તેમ આંટા મારે છે અને મારી સામે ટિકિટ માંગી? હમારી બિલ્લી હમકો મ્યાઉં. તમને ઘોડાવાળા પાદરની બહાર રસ્તો મેં બતાવ્યો છે. બેહો મારી હામે. જિલ્લા પંચાયતનો મેં ચેરમેન બનાવ્યો એને લઈ આવો મારી હામે. એની તાકાત ઉપર એ ટિકિટ લઈ આવ્યો હોય તો એને લઈ આવો મારી હામે. સિદ્ધરાજને મેં કારોબારીનો ચેરમેન બનાવ્યો એને લઈ આવો મારી હામે. અને અમારી હામે આ? તમે ઓછાં છો એ તો આભાર માનો ભગવાનનો, આ બાજુ ઝાઝા છે એનો આભાર માનો. દરબાર તરીકે, ક્ષત્રિય તરીકે બોયલા પછીને ઋણ એહસાન થાવુ ભલા માણસ. શું મારે આટલા બધા બૈરા બેઠા છે ને બોલવું? ઘરાસિયાનો દીકરો કાંટો કાઢવાનો ઋણ ના ભૂલે એની જગ્યાએ તમે ગદ્દારી કોઈની સાથે નઈં ને મારી સાથે કરી? તમને ગદ્દારીનું ફળ જરૂર આપીશ આ ગામના ચોકમાં કહું છું.

તમારા સરનામા મેં બનાવ્યા ને. એ સરનામા જો વીંખી નો નાંખુ ને તો હું જયરાજસિંહ જાડેજા નઈં કહી દેજો. શરમ થાવી જોઈએ. મારે ટિકિટ જોતી છે. હવે કાલ તૂટેલા બૂટ પહેરીને આંટા મારતો હતો, ભૂલી ગયા? હું વ્યક્તિગત વાત કરું છું હો ભાઈ તમે કોઈ મારો થપકો માથે ના લઈ લેતા. હું બે નામજોગ વ્યક્તિ સાથે વાત કરું છું. ભૂલાઈ ગયુ? હાથા બની ગયા છો. કોના બન્યા છો એ નિરાંતે વિચાર કરજો. એક નંબર છે જયંતિ ઢોલ અને બીજો છે અનિરુદ્ધ.

આના હાથા બન્યા ને એ હાથા કે કુહાડાને બધુ ભેગુ થઈને તમારા પગ તમે કાપ્યા છે. વિચારજો. જયરાજસિંહ જાડેજાને નુકસાન કરવાની તમારી હેસિયત નથી. તમે જેને મારી વિરુદ્ધમાં લાવ્યા હતાને આ લેઉવા પટેલ સમાજને હું સલામ કરું છું. કે જે દિવસે મહિપતસિંહનો દશકો હતોને દશકો તે દિવસે આ ગામે મને લીડ કાઢીને દીધી, એનો ફરીથી આભાર માનુ છું. તે દિવસે તમારાથી નથી બન્યા, આ ચોકમાં જ મારી સભા હતી અને તમે શું કાંઈ બીજી રીતે સમજો છો મને હજી.

મારા બેટાઓ તમે ક્યાં જઈને બેઠા, ક્યાં જઈને ઊભા રહ્યા, તમારી હેસિયત શું છે? મને એટલી બધી ખિજ ચડી છે. ગામના વડીલો પર પણ મને ખિજ ચડી છે. એને તમારે વડીલોએ કહેવુ જોઈએ. આમા 60 વર્ષ બહારના તો લગભગ હું જોઉં છું, કે આ તમે શું કરવા નીકળ્યા છો? પહેલી ફરજ ક્ષત્રિય સમાજના આગેવાનોની છે. પટેલ સમાજે તોય મને સમજાવવાની કોશિશ કરી છે બાપ ભાઈ અને ધીરુએ. બાપભાઈ સોરઠિયાએ. તો ઘરાસિયા ક્યાં ગયા હતા? કે તમે આ કરો છો કોની સામે? આ તમને મોટા કોણે કર્યા? આ તમને ઘરબાર, ગોંડલ અને રાજકોટનો રસ્તો, જિલ્લા પંચાયત કોણે બતાવ્યા. કેમ મુંગા બેઠા બધા.

આગેવાન તરીકે ક્ષત્રિય સમાજના વડીલ તરીકે જયરાજસિંહ જાડેજા ખોટું બોલતો હોય ને તો મને પણ કહેવુ જોઈએ કે તમે આ ખોટું કરો છો. મુંગા બેઠા બધા. પહેલા એવુ કઈ જયરાજસિંહ જાડેજાના સિદ્ધરાજ અને સહદેવ હાથ-પગ હતા? જયરાજસિંહ જાડેજાને ઈશ્વરે શક્તિ આપી છે. આ તો કાંઈ નથી, જે દિ.. મારે નઈં બોલાય બૈયરાઓ છે એટલે. કે દીવા બળતા તાને દીવા તે દી મેં દીવા ઓલવી નાંખ્યા છે અને એ કટોકટીની અંદર મને લેઉવા પટેલે જે સહકાર આપ્યો છે હું જેટલો આ લેઉવા પટેલ સમાજનો આભાર માનું એટલો ઓછો છે. ક્યાંક મારાથી ઝાઝુ બોલાઈ જાશે પણ મગજમાંથી રાઇ ને વહેમ બહાર કાઢી નાંખે કહી દેજો.

રેકોર્ડિંગ કરીને સંભળાવજો. પેલી દેડકા જેવી આંખો. કાલે પેલું સહદેવ ઉઘાડા પગે આંટા મારતું હતું. મોરબીના ધંધે મેં બેહાયડો છે. પૂછજો. કાકા કેહતા હતા, બાપુજી એમ કેહતા હતા. મેં સહકાર આપ્યો છે. બે પગે મેં ચાલતો કર્યો છે. અને જયરાજસિંહ સામે? તમારી જે કાંઈ હેસિયત છે તમારી પૂરતી રાખજો. મતદાનના દિવસની જો વાત કરું તો મેં સોગંધ ખાઈને કીધુ છે કે મારે એક મત નથી જોઈતો, ગામના ચોકમાં કહું છું. અને ટેકો નથી જોઇતો મારે એનો. પણ મતદાનમાં જો ક્યાંય આડા આવશે હારાવટ ના રહેવા દઉં તો મારો બાપ ના કહેવાય. મારા બાપમાં ફેર હોય જો મતદાનના દિવસે બધા મથક ઉપર ચકલુંય જો મુક્યુ તો.

મતદાનના દિવસે હું આ વિસ્તારમાં રહેવાનો છું. રીબડા સહિત અને મને જો એમા કંઈ ચુક દેખાઈ અને ઓછો ઉતરું તો 1998 પછી એમ માનતા નઈં કે મારે 25 વરસની વય વધી ગઈ છે. એટલી ઘટી ગઈ છે અને યુવાન થઈને આવ્યો છું. મને વિક્રમ કાકાને બધા અહીં બેઠા છે તો એમણે બેઠા-બેઠા કર્યું શું મને એમ થાય છે. કે આતું કોની સામે આ, આટલું બોલવાની તમારી હેસિયત નથી? આટલું બોલવાની તમારી ત્રેવડ નથી? હાં ત્યારે એ કંઈ દેખી ગ્યા તા મને ખબર છે. ત્યારે વાળ્યા વળે એમ નહોતા એ પણ મને ખબર છે. ત્યારે તો પૂર ઘોડે હતા એ પણ મને ખબર છે. ટાઢા થઈ જવાના છે એ મને અગાઉથી ખબર હતી.

તારું આયુષ્ય કેટલું છેને એ મને ખબર હતી. મતદાન મથક પર કોઈ જાતનો કાંકળીચારો નઈં થાય એની હું તમને ખાતરી આપુ છું. તમે જે રીતે મને વારંવાર મતદાન કરો છો અને છઠ્ઠીવાર તમે મને બહુમતિ આપવાના છો એ સંપૂર્ણ વિશ્વાસ સાથે હું તમારો આભાર માનુ છું. કાળી રાત્રે જયરાજસિંહ જાડેજાનું કામ હોય તો હંમેશાં તમારી સાથે છું, આભાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp