સુરેન્દ્રનગરમાં બીન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પેપરના સીલ તૂટેલા હોવાનો આરોપ

PC: youtube.com

સુરેન્દ્રનગરની M.P. શાહ કોલેજમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપવા માટે ગયેલા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. પરીક્ષા પહેલા પેપરના બંચના સીલ તૂટ્યા હોવાના આક્ષેપો ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઉમેદવારોનો એવો આક્ષેપ હતો કે, પરીક્ષાના સમય પહેલા જ પરીક્ષાર્થીઓને પેપર આપી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા.

એક ઉમેદવારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું ક્લાસમાં બેઠો અને 11:30 વાગ્યે અમને પેપર આપવામાં આવ્યા હતા, તે સમયે પેપરના બંચ ઉપરથી જ ખુલ્લા આવ્યા હતા. ક્લાસમાં કોઈએ પણ બંચ ખોલ્યું નથી અને તેના પર કોઈ વિદ્યાથીએ સહીં પણ નથી કરી. એક પણ ઉમેદવારની સહીં વગર સીલ ખોલવામાં આવેલા છે. જે સમયે અમને પેપર આપવામાં આવ્યા હતા, તે સમયે કોલેજમાં જે જે સ્ટાફ હતો, તે તમામ સ્ટાફ અત્યારે બદલી ગયો છે.

બીજા ઉમેદવારે જણાવ્યું હતું કે, અમે લોકો પરીક્ષા આપવા માટે ગયા હતા, તે સમયે મેડમ કોઈ વિદ્યાર્થીની સહીં લે તે પહેલા જ પેપરના સીલ તૂટેલા હતા એટલા માટે અમે વિધાર્થીઓએ સહીં કરી નથી અને પરીક્ષાના કેન્દ્રમાંથી બહાર નીકળીની વિરોધ કર્યો છે. આ પેપર પહેલાથી લીક થઇ ગયેલું છે કારણ કે, પેપરનાં બંચના સીલ પહેલાથી જ તૂટેલા હતા અને પેપરનો સમય 12 વાગ્યાનો હોવા છતાં પણ પેપર 11:40 મીનીટે શરૂ કરી દેવામાં આવ્યા હતા.

આ સમગ્ર મામલે નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે, વિદ્યાથીઓને સમજાવટના પ્રયત્નો ચાલુ છે. જે વિદ્યાથીઓ સમજવા માટે તૈયાર હોય તેમનો પરીક્ષાનો સમય વધારવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp