ગુજરાતઃ રાઇડ ધારકોનો આક્રોશ: વૈકલ્પિક જગ્યા આપો અથવા દારૂ વેચવાની છૂટ આપો

PC: khabarchhe.com

પોરબંદરમાં નાના ધંધાર્થીઓ સાથે તંત્ર અન્યાય કરી રહ્યું હોવાનો સુર ઉઠી રહ્યો છે. ચોપાટી ગ્રાઉન્ડમાં રાઇડ રાખી અને આજીવીકા રળતા પ0 જેટલા રાઇડ ધારકોને એકાએક તંત્રએ ખસેડતા આ ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આજે બુધવારે આ ધંધાર્થીઓ કલેકટર કચેરી ખાતે રજુઆત કરવા માટે દોડી ગયા હતા અને એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે મહેનત કરી અને આજીવીકા રળીયે છીએ છતાં તંત્ર કોઇ વૈકલ્પિક જગ્યા ફાળવતું નથી. આવી સ્થિતીમાં અમારા પરિવારનો જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બન્યું છે. જો રાઇડ્સ માટે જગ્યા આપી શકતા ન હોય તો દારૂ વેંચવા માટેની છુટ આપો જેથી અમો અમારૂ ગુજરાન ચલાવી શકીએ.

પોરબંદર શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાણી-પીણી અને ફ્રુટના ધંધાર્થીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ સમયે પણ વિવાદ સર્જાયો હતો. હવે રાઇડ્સ ધારકોનો વિવાદ સામે આવ્યો છે. પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં 40થી 50 રાઇડ્સ ધારકો નાની-મોટી રાઇડ્સ રાખી અને પોતાની આજીવીકા રળી રહ્યાં હતા. પરંતુ તંત્રએ તેમને ખસેડવાની કામગીરી શરૂ કરી છે. ચોપાટી ગ્રાઉન્ડમાં રહેલી બે મોટી રાઇડ્સ કલેકટરની સૂચનાથી સીટી સર્વે વિભાગે સીલ કરી દીધી હતી.

જેના પગલે આ રાઇડ્સ ધારકો મુશ્કેલીમાં મુકાયા છે. આજે આ રાઇડ્સ ધારકો પોતાના પરિવાર સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા આ રાઇડ્સ ધારકોએ એવું જણાવ્યું હતું કે અમે ચોપાટી ગ્રાઉન્ડમાં રાઇડ્સ રાખી અને અમારૂ જીવન નિર્વાહ ચલાવીએ છીએ. આ અગાઉ તંત્રએ અમોને નોટીસ આપી હતી આથી વૈકલ્પિક જગ્યા આપવાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ તંત્રએ વૈકલ્પિક જગ્યા નહીં આપતા અમો ત્યાં જ અમારી રોજીરોટી રળતા હતા. પરંતુ એકાએક મંગળવારે સીટી સર્વે વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને બે મોટી રાઇડ્સને સીલ કરી દીધી હતી.

આ મુદ્દે આજે 50 જેટલા રાઇડ્સ ધારકો કલેકટર કચેરી સામે ધરણાનો કાર્યક્રમ યોજશે. તેમજ કલેકટરને આ બાબતે રજુઆત કરશે. આ રાઇડ્સ ધારકોએ એવું જણાવ્યું હતું કે અમે મહેનત કરી અને અમારી આજીવીકા રળીયે છીએ. અમોને વૈકલ્પિક જગ્યા આપવાની માંગણી કરી હતી. કેટલાક રાઇડ ધારકોને ઓશિયેનીક હોટેલ નજીકના ગ્રાઉન્ડમાં જગ્યા આપી છે. ત્યાં પણ હવે બગીચો બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આથી ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં નજીવા દરે રાઇડ ધારકોને જગ્યા ફાળવવાની માંગણી કરી છે તે માંગણી પણ સંતોષવામાં આવી નથી. જો તંત્ર અમને જગ્યા આપી શકતું ન હોય તો અમોને દારૂ વેંચવા માટેની છુટ આપે તેવો પણ આક્રોશ આ રાઇડ્સ ધારકોએ વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp