રાજકોટ-મોરબી હાઈવે પર બાઈક સ્ટંટ, હૃદયના ધબકારા થંભાવી દે તેવો વીડિયો

PC: bhaskar.com

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાણે કાગળ પર હોય એવું ચિત્ર સામે આવ્યું છે. રોમિયોગીરીએ હદ વટાવી હોય એવો વીડિયો સામે આવ્યો છે. મોડી રાત્રે આવા રોમિયો કોઈ પ્રકારના ડર વગર રેસ લગાવી રહ્યા છે. આ ઉપરાંત હાઈવે પર સ્ટંટ કરે છે. આવો એક વીડિયો રાજકોટ-મોરબીના સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. રાજકોટ શહેરના મોરબી હાઈવે પર મોડીરાત્રે ત્રણ અલગ અલગ રોમિયો બાઈક પર સૂતા સૂતા બાઈક ચલાવે છે. બાઈક ખૂબ જ સ્પીડમાં છે અને રોમિયો સ્ટંટ કરી રહ્યા છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે. થોડા સમય માટે તો દિલના ધબકારા ચૂકી જાય એવો આ સીન છે. વીડિયોમાં જોવા મળતી વિગત અનુસાર રાત્રિના 11થી 11.30 વાગ્યાની આસપાસ રોમિયો સ્ટંટ કરતા કરતા રેસ લગાવતા હતા. આ વીડિયો કારમાં જઈ રહેલા કોઈ જાગૃત નાગરીકે શૂટ કર્યો હતો. પ્રશ્ન એ છે કે, હાઈવે પર પેટ્રોલિંગના દાવા કરતી પોલીસને આવા રોમિયો નજરે નહીં ચડતા હોય? રાત્રિના સમયે હાઇવે પર આવા સ્ટંટ અને બાઈક રેસ કરતા રોમિયો સામે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ? જોકે, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા અનેક લોકો એવું કહે છે કે, આવા લોકો પર કડક સજા થવી જોઈએ.

હાઇવે પર આવા સ્ટંટ કરતા રોમિયોને કારણે અન્ય વાહનચાલકો હેરાનપરેશાન થાય છે. પોલીસ આવા રોમિયો સામે કાયદેસરની કાર્યવાહી કરે એવી માગ ઊઠી છે. વાઇરલ વીડિયો રાજકોટ-મોરબી હાઇવે પરનો હોવાનું અને ગઈકાલે રાત્રિના 11થી 11.30 વચ્ચેનો હોવાનું મનાય રહ્યું છે. આ વીડિયો સામે રાજકોટ પોલીસે કોઈ પ્રકારના પગલાં લીધા નથી. વિગત એવી પણ જાણવા મળી છે કે, રેસ પુરી કરીને ત્રણેય રોમિયો રતનપર નજીક હાઈવે પર આવેલા HPના પંપ પર પેટ્રોલ ભરાવવા માટે ઊભા રહ્યા હતા.

 

સવાલ એ છે કે, રાજકોટ પોલીસ વિભાગ સુધી આ વીડિયો પહોંચ્યો હશે? અને પહોંચ્યો હશે તો પણ એની સામે કોઈ પગલાં લેવાશે કેમ? આ પહેલા પણ રાજકોટ-જામનગર હાઈવે પર આવા બાઈટ સ્ટંટ જોવા મળ્યા હતા. જેમાં બે વ્યક્તિનું મોત નીપજ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી હાઈવે પર બાઈકર્સ રાઈડ કરતા હોય છે પણ તેઓ પુરતી સુરક્ષા અને સેફ્ટિ સાથે બાઈક ચલાવે છે. પણ તેઓ ક્યારેય સ્ટંટ કરતા નથી. અમદાવાદ સહિત રાજકોટમાં પણ મોડી રાત્રે આવા રોમિયો બેફામ થઈને રખડવા નીકળે છે ત્યારે હાઈવે પર વાહન લઈને જતા અન્ય લોકોના જીવ સામે પણ મોટું જોખમ ઊભું થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp