સાયલેન્સર ચોરી કરી તેમાંથી આ વસ્તુ કાઢી લેતા અને વેચી દેતા, 4 પકડાયા

PC: twitter.com

વાપીના ડુંગરા પોલીસ હદ વિસ્તારમાં આવેલ છીરી સાંઇ રેસીડેન્સીમાં રહેતા મુસીર અહેમદ ઇમરાન શેખએ શુક્રવારે ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગુરૂવારે રાત્રે તેઓ પોતાની ઇકો કાર ઘર બહાર પાર્ક કર્યા બાદ સુઇ ગયા હતા. સવારે કાર ચાલુ કરતા જતા કારનું સાયલેન્સર ન હોવાનું જાણવા મળ્યું હતું. તે જ સમયે છરવાડાના હાર્દિક પ્રકાશ દલવી, છીરીના ઇમરાજ જાકીર ખાન, છીરીમાં રહેતા રૂપાલીબેન હરિશચંદ્ર પાટીલ અને છીરીના અબ્દુલ કાદરી અબ્દુલ અજીજ મલીકની કારમાંથી પણ સાયલેન્સર ચોરાયા હોવાની જાણ થઇ હતી.

એક સાથે 5 કારના સાયલેન્સર ચોરતા જિલ્લા પોલીસવડાએ આરોપીઓને ઝડપવાના આદેશ કર્યા હતાં. જેથી વિનંતી નાકા ત્રણ રસ્તા ઉપર વાહન ચેકિંગમાં રહેલ પોલીસ ટીમને ડુંગરી ફળિયા તરફથી અર્ટીગા કાર નં.HR-4-A-4774 આવતા જોઇ તેને અટકાવી કારમાં ચકાસણી કરતા કેથલીક કન્વર્ટર (સાયલેન્સર) નંગ-5 કિં.રૂ.1,25,000 તથા ગ્રે કલરનો ટુકડા વાળો પદાર્થ કિં.રૂ.60,000 અને ડીશમીશ, બોક્ષ પાના, ટી કનેક્શન પાના તેમજ 5 ફોન તથા રોકડા રૂ.10,100 મળી કુલ રૂ.3.50 લાખનો મુદ્દામાલ કબજે લઇ 4 આરોપીઓની ધરપકડ કરાઇ હતી.

પોલીસ પૂછપરછમાં તેમણે કબૂલાત કરી હતી કે, આ સાયલેન્સરની ચોરી તેમણે રાત્રિ દરમિયાન છીરી વિસ્તારથી કરી હતી. તેમજ આ ઉપરાંત પુના તથા મહારાષ્ટ્ર ખાતેથી પણ પાંચ સાયલેન્સરની ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી નફીસ ઝફરૂ મોમઢન, મહમદ ઇર્શાદ ફકરૂદ્દિન દગંણ, ઇરશાદ અલી મોહમદ, ઇર્શાદ રહીશ ખાન પકડી તપાસ ડુંગરા પોલીસને સોંપી છે. આ સાયલેન્સરમાં કૈટેલિટિક કન્વર્ટર લગાવેલ હોય છે. જે પ્લેટિનમ ગ્રુપ ઓફ મેટલ્સ (પીજીએમ) દ્વારા બનાવેલ હોય છે. પ્લેટિનમ, પૈલેડિયમ અને રોડિયમને સંયુક્ત રીતે પીજીએમ કહેવાય છે. જેની કિંમત સોના કરતા વધુ હોય છે.

સાયલેન્સરની ચોરી બાદ આ મેટલ ડસ્ટને સુરત અને અમદાવાદ જેવી જગ્યાએ હેવી ઇંડસ્ટ્રીને વેચી દેવાય છે. 10 ગ્રામ મેટલ ડસ્ટની કિંમત 3 હજારથી લઇ 6 હજાર સુધીની હોય છે. એટલે વધુ કમાણીની લાલચમાં આ ચારેય ઈસમો કારના સાયલેન્સરની ચોરી કરતા હતા. આરોપીઓ અર્ટીકા કાર લઇને હરિયાણાથી નીકળી રાત્રીના સમયે વાપી જેવા શહેરી વિસ્તારમાંથી ઇક્કો ગાડીના સાયલેન્સર પાના વડે ખોલી કારમાં લઇ રસ્તામાં સાયલેન્સરમાંથી પાવડર કાઢી લઇ તેને રસ્તામાં ગમે તે જગ્યાએ ફેંકી દેતા હતા. અંદરથી કાઢેલા પાવડર હરિયાણા ખાતે વેંચી દેતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp