સુરતના બેગમપુરા વિસ્તારની બે બિલ્ડીંગમાં ભીષણ આગ, 3 કરોડથી વધુનું નુકશાન

PC: dainikbhaskar.com

સુરતમાં મોડી રાત્રે બેગમપુરા વિસ્તારમાં આવેલા દ્વારકા હાઉસમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. દ્વારકા હાઉસની સાથે-સાથે તેમની બાજુમાં આવેલા કાબરા હાઉસ પણ આગની ઝપેટમાં આવી ગયું હતું. દ્વારકા હાઉસમાં લાગેલી આગ ગણતરીના સમયમાં જ કાબરા હાઉસના પહેલા અને બીજા માળે પહોંચી ગઈ હતી. આગની ઘટનામાં દ્વારકા હાઉસ અને કાબરા હાઉસ બળીને ખાખ થઇ ગયા હતા. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને કરતા ફાયરનો કાફલો ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને 17 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચીને 5 કલાક ભારે જહેમત બાદ બિલ્ડિંગમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. આગની ઘટનામાં બિલ્ડિંગના સ્ટ્રક્ચરને ખૂબ જ નુકસાન થયું હતું. આગની ઘટનામાં દ્વારકા હાઉસમાં રહેલી તૈયાર સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. અંદાજે આગમાં 3 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ બાબતે પૂઠાના વેપારી દિપક નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, રાત્રી સમયે મારો માલ આવ્યો હતો એટલા માટે હું ડીલેવરી લેવા માટે અહીં આવ્યો હતો પરંતુ અચાનક મને જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો એટલે મેં દોડીને જોયું ત્યારે દ્વારકા હાઉસમાંથી આગની જવાળાઓ બહાર આવી રહી હતી એટલે તાત્કાલિક વીજ કંપની અને ફાયર વિભાગના બાબતે માહિતી આપી હતી. જોતજોતામાં ગણતરીના સમયમાં જ દ્વારકા હાઉસમાં પાર્ક કરવામાં આવેલા સાડી ભરેલા બે ટેમ્પો પણ મારી નજર સામે બળીને ખાખ થઇ ગયા હતા. ફાયર આવે તે પહેલાં દ્વારકા હાઉસમાં લાગેલી આગે કાબરા હાઉસને પણ ઝપેટમાં લઇ લીધુ હતું. ગણતરીના સમયમાં જ ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હોવાના કારણે મોટી જાનહાની થઈ ન હતી.

આ ઘટનાને પગલે ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે, દ્વારકા હાઉસને 10 ફેબ્રુઆરીના રોજ ફાયર સિસ્ટમ લગાવવા માટે ફાયર વિભાગ દ્વારા એક નોટિસ આપવામાં આવી હતી. બિલ્ડીંગની અંદર તપાસ કરતા સામે આવ્યું હતું કે, એક પણ બિલ્ડીંગમાં કોઈ પણ પ્રકારની ફાયર સિસ્ટમ ન હોવાનું જાણવા મળ્યું હતું અને દાદરા પર પણ સાડીનો જથ્થો મૂકીને આ બંને બિલ્ડિંગોને ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હતી. આ બિલ્ડિંગમાં તપાસ કરીને બંને બિલ્ડિંગોને સીલ કરવામાં આવી છે.

મહત્ત્વની વાત કહી શકાય કે, સુરતમાં અવાર નવાર આ પ્રકારની આગની ઘટનાઓ સામે આવે છે. જ્યારે પણ આ પ્રકારની ઘટના સામે આવે છે ત્યારે ઘટના પછી સુરત ફાયર વિભાગ એક્શનમાં આવે છે. જે જગ્યા પર ફાયરના સાધનોની સુવિધા ન હોય તે સ્થળોને નોટિસ આપવામાં આવે છે. તક્ષશિલા અગ્નિકાંડ સર્જાયો હતો ત્યારબાદ પણ સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ હરકતમાં આવ્યો હતો અને જે જગ્યા પર ફાયરની સિસ્ટમ ન હોય તેને નોટિસ આપવામાં આવી હતી પરંતુ અવાર નવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતા ફાયર વિભાગની કામગીરી પર પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.

આ ઘટના પછી સવાલ એ ઉભો થાય છે કે, 10 ફેબ્રુઆરીના રોજ બિલ્ડીંગને ફાયરની સુવિધા બાબતે નોટીસ આપવામાં આવી હતી પરંતુ ફાયર વિભાગ દ્વારા હજુ સુધી એક પણ વખત બિલ્ડિંગની અંદર 10 ફેબ્રુઆરી પછી ક્યારે તપાસ કરવામાં આવી જ નહીં હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp