સુરતના 75માંથી 10 સેમ્પલમાં કોરોનાનો સ્ટ્રેન બદલાયો, જાણો નવા સ્ટ્રેન વિશે

PC: Dainikbhskar.com

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સુરતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થયો હતો. પરંતુ છેલ્લાં એક અઠવાડિયાથી કોરોના પોઝિટિવ કેસ હવે સુરતમાં ઘટી રહ્યા છે. ત્યારે સુરતમાં કોરોના વાયરસને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે કે, સુરતમાં કોરોના વાયરસના બે નવા મ્યુટેશન મળ્યા છે.

રિપોર્ટ અનુસાર, છેલ્લા દોઢ મહિનામાં સુરત શહેરમાંથી કોરોનાના દર્દીના 75 જેટલા સેમ્પલ પુનાની NIV લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, 10 સેમ્પલના રિપોર્ટમાં ઇન્ડિયન ડબલ મ્યુટેડ વેરિએન્ટ છે. કોરોનાની સેકન્ડ વેવ દરમિયાન વધી ગયેલ મૃત્યુઆંક અને ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો. તેનું કારણ આ ડબલ મ્યુટેશન હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ બાબતે સુરત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉકટર રાગીની વર્માએ જણાવ્યું હતું કે, છેલ્લાં દોઢથી બે મહિનાના સમયમાં અમે દર્દીના 75 સેમ્પલ તપાસ માટે પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયારોલોજી લેબોરેટરીમાં મોકલાવ્યા હતા અને તેમાંથી 10 સેમ્પલના રિપોટમાં વાયરસ ડબલ મ્યુટેડ હોવાનું સામે આવ્યું છે. જોકે આ વાયરસ શરીરમાં પ્રવેશ્યા બાદ દર્દીમાં ખાંસીના લક્ષણો ઓછાં જોવા મળે છે અને પેટની તકલીફમાં વધારો થાય છે. આ નવા સ્ટ્રેનમાં પેટનો દુઃખાવો, ઉલ્ટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.

ગવર્મેન્ટ મેડિકલ કોલેજના PSM વિભાગના વડા ડૉ જે.કે. કોસંબીયાનું કહેવું છે કે, કોરોના વાયરસ એના જેવો જ બીજો વેરિએન્ટ બનાવે છે. એટલે કે બીજું સ્વરૂપ ધારણ કરી લે છે. એટલે કોઈક વખત વધારે ચેપ લગાડી શકે છે, તો કોઈને ગંભીર અસરો પહોંચાડી શકે છે. સૌથી પહેલા ચાઈનાનો સ્ટ્રેન આવ્યો હતો ત્યારબાદ, UKનો, ત્યારબાદ સાઉથ આફ્રિકા, ત્યારબાદ બ્રાઝિલ અને હવે ઇન્ડિયન સ્ટ્રેન સામે આવ્યો છે. સુરતમાં પણ UKના સ્ટ્રેનના પણ કેસ જોવા મળ્યા હતા અને હવે આ વાયરસ ડબલ મ્યુટેડ થયો છે. આ ખુલાસો પરીક્ષણ દરમિયાન થયો છે. તો કેટલાક કિસ્સાઓમાં તો વાયરસ ત્રિપલ મ્યુટેડ થયો હોવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. પરંતુ આ નવા મ્યુટેશન સામે પણ વેક્સીન અસરકારક હોવાનું સામે આવી રહ્યું છે.

કોરોના વાયરસનો નવો મ્યુટેશન સામે આવતા નવા સ્ટ્રેનને શોધવા માટે એક સેલની રચના કરવામાં આવશે અને જેમાં સુરત સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ અને ખાનગી લેબોરેટરી તેમજ યુનિવર્સિટીના એક-એક માઈક્રો બાયોલોજીસ્ટની નિમણૂંક કરાશે અને દર અઠવાડિયે એક મિટિંગમાં કોરોના સ્ટ્રેન બાબતે ચર્ચા કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા કમિશનરનું કહેવું છે કે, આ સેલ એ કેસ પર ધ્યાન આપશે જેમાં વેક્સીનેશન થયા પછી દર્દી ગંભીર થયો હોય. કોરોના પછી ફરી દર્દીને કોરોના થયો હોય અને ગંભીર સ્થિતિ સુધી પહોંચ્યો હોય. તેમજ ટ્રાવેલિંગ બાદ દર્દી કોરોના સંક્રમિત થયા હોય અને ત્યારબાદ તે ગંભીર થયા હોય. આવા કિસ્સાઓમાં દર્દીના સેમ્પલ મેળવીને તેનો સ્ટ્રેન શોધવા તેને લેબમાં મોકલવામાં આવી રહ્યા છે.

અત્યાર સુધીમાં કોરોના વાયરસના UK B.1.1.7, સાઉથ આફ્રિકા ‌- B.1.351, બ્રાઝિલ - P.1 & P.2, કેલિફોર્નિયા - B1.427 & B.1.428, ઇન્ડિયન સ્ટ્રેઈન -B.1.617 & B.1.618 સ્ટ્રેન સામે ચૂક્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp