સૌરાષ્ટ્રના હીરા દલાલનું ઉઠમણું થયાની ચર્ચા, અનેક વેપારીઓના કરોડો રૂપિયા ફસાયા

PC: ET retails.com

સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એકવખત ચિંતાના વાદળો ઘેરાયા છે. હીરા ઉદ્યોગ સાથે જોડાયેલો એક સૌરાષ્ટ્રનો વતની અને મુંબઈમાં હીરાના દલાલીનું કામ કરતો વ્યક્તિ રૂ.12 કરોડનું ફુલેકું ફેરવી ગયો હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે. જેના કારણે વેપારીઓની ચિંતા એકાએક વધી ગઈ છે. સુરતના કેટલાય વેપારીઓએ આ વ્યક્તિને હીરા આપ્યા હોવાને કારણે અનેક વેપારીઓના કરોડો રૂપિયા ફસાયા છે.

છેલ્લા કેટલાક સમયથી સુરતના હીરા ઉદ્યોગમાં છેત્તરપિંડીની ઘટનાથી વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. મૂળ સૌરાષ્ટ્રના બોટાદનો અને બીડીબી સાથે જોડાયેલો આ દલાલ રૂ.12 કરોડની ચૂકવણી કર્યા વગર ગાયબ થઈ ગયો હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે. આ કારણે વેપારીઓએ એનું નામ ફરતું કર્યું હતું. કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનની માઠી અસર આ ઉદ્યોગ પર પડી છે. મોટી રકમ ફસાઈ જતા નાના-મોટા વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત મોટી રકમના વેપારીઓ પાસેથી ચૂકવણી કર્યા વગર ગાયબ થઈ જતા શખ્સોની અનેક ઘટના બની છે. છેત્તરપિંડી કરતા વેપારીઓ થોડા સમય બાદ આવીને રકમના અમુક ટકા ચૂકવી વેપાર કરવા લાગ્યા હોય એવા પણ ઘણા કિસ્સાઓ બનેલા છે. જેના કારણે વેપારીઓને ખોટ ખાવાનો વારો આવે છે. આવું થાય ત્યારે રાતા પાણીએ રડવાનો વારો આવે છે. એક લાંબા સમય બાદ મુંબઈના એક દલાલનું ઉઠમણું થયાની ચર્ચાએ સુરતના હીરા ઉદ્યોગમાં ચર્ચાને વેગ આપ્યો છે. ગત વર્ષે દિવાળી પહેલા જ એક વેપારીનું કુલ 40 કરોડ રૂપિયામાં ઉઠમણું થયાની ઘટના સામે આવી હતી.

જેના કારણે સુરતના હીરા બજારમાં હોબાળો મચી ગયો હતો. આ વ્યક્તિના ઉઠમણાને કારણે કુલ 25 થી વધારે વેપારીઓના પૈસા અટવાઈ ગયા હોવાની વાત સામે આવી રહી છે. સુરતની હીરા માર્કેટમાં સૌરાષ્ટ્રના હીરા વેપારી પોલીશ્ડ ડાયમંડ મેન્યુફેક્ચરમાં કામ કરી રહ્યા હતા. જોકે, તેઓ આર્થિક ભીંસમાં આવી જતા રૂ.40 કરોડમાં ખોટ ખાઈ ગયા હોવાની વાત પણ સામે આવી છે. સમયસર પેમેન્ટ આપનાર આ વેપારીએ છેલ્લા એક મહિનાથી વેપારને મર્યાદિત કરી દીધો હતો. લોકડાઉનનો માર ખાઈને બેઠેલા ઉદ્યોગ ફરી ધીમે ધીમે બેઠા થઈ રહ્યા છે ત્યારે આ પ્રકારની ઘટનાથી મોટું નુકસાન વેઠવું પડે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp