ટેક્સટાઇલ માર્કેટનું નવું સૂત્ર- કોરોના સે નહીં ક્વોરેન્ટાઇન સે ડર લગતા હૈ સાહબ

PC: i10.dainikbhaskar.com

(રાજા શેખ) લોકડાઉન-4 બાદ અનલોક-1 અંતર્ગત રાજ્ય સરકારે અનેક છૂટછાટો આપતા ફરીથી ધંધા રોજગારની ગાડી પાટે ચઢી રહી છે પરંતુ સૌથી મોટો અવરોધ હાલ શ્રમિકો-કર્મચારીઓની અછતનો છે. ખાસ કરીને સુરતની ધંધાકીય રગ કહેવાતા ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગમાં સ્ટાફની ખેચ વર્તાય રહી છે. જોકે, સોશ્યલ ડીસ્ટન્સિંગ અને એકી-બેકી નિયમોના આધિન આ વ્યવસાયો શરૂ તો થઈ ગયા છે પરંતુ ત્રણ દિવસમાં જોઈએ તેવી હલચલ જોવા મળી નથી. વ્યાપારીઓ માર્કેટમાં જઈ રહ્યા છે પરંતુ માત્ર આળસ દૂર કરવા અને મુવમેન્ટનું પ્લાનિંગ કરવા.

  • શ્રમિકો પૂછે છે કે 14 દિવસ ક્વોરેન્ટાઈનનું શું?

72 દિવસના વિરામ બાદ 189 કપડા માર્કેટના 65 હજારથી વધુ હોલસેલ વેપારીઓએ સોમવાર 1 જૂનથી હલચલ તો શરૂ કરી છે અને તેઓ બેથી છ કલાક સુધી દુકાને બેસીની આગળ-પાછળના  હિસાબો ચકાસવાનું શરૂ કર્યું છે અને માલ કેવી રીતે વેચવો તથા બીજા વ્યવહારો કેવી રીતે કરવા તેની યોજનાઓ બનાવવાનું શરૂ કર્યું છે. જોકે કામદારો નથી. વેપારીઓ કહેણ મોકલતા અને સોશ્યલ મીડીયા પર પણ જાહેરાત કરી હતી પરંતુ તેમાં એક જ પ્રશ્નોનો મારો ચાલ્યો કે પરત તો ફરવા માંગીએ છીએ પરંતુ અન્ય પ્રદેશ અને શહેરથી પરત ફરવા પર ફરજિયાત 14 દિવસ હોમ ક્વોરેન્ટાઈન (ઘર બંધ) કરવાનો નિયમ છે તેનું શું?

શું તમે તેમાંથી મુક્તિ અપાવી શકો છો? કામદારોને રોજગારી તો જોઈએ છે પણ તેમને ક્વોરેન્ટાઈનનો ડર સતાવી રહ્યો છે. કેટલાકે તો 14 દિવસ ઘરબંધ રહેવાની તૈયારી પણ દેખાડી પરંતુ તેમની શરત એટલી છે કે આ 14 દિવસ દરમિયાન પગાર સહિત ખાવા-પીવા સહિતની તમામ વ્યવસ્થા વેપારીઓ કરે. પહેલા જ આવી વ્યવસ્થા કરવાથી ચુકી ગયેલા વેપારીઓ હવે સરકાર અને સ્થાનિક નેતાઓ પાસે મદદ માંગ રહ્યા છે.

  • ફોસ્ટાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિયેશને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સ્થાનિક નેતાગીરીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં લખ્યું છે કે 14 વ્યાપારીઓ- શ્રમિકો ને 14 દિવસ હોમ ક્વોરેન્ટાઈન પર ફરી ચિંતન-મનન કરવાની અપીલ કરી છે. ફોસ્ટાનું કહેવું છે કે બે દિવસ માર્કેટની સમીક્ષા કરતા માલૂમ પડ્યું કે, 30 ટકા જ દુકાનો ખુલી છે.

લેબર નહીં હોવાથી 3-4 કલાક જ સાફ સફાઈ કરીને બેસીને ઘરે પરત ફર્યા. જેથી, લેબર, વ્યાપારી, ખરીદદાર અને સ્ટાફ અગર આવે તો તેનું સ્વાસ્થય પરીક્ષણ કરાય અને તે યોગ્ય હોય તો તેને કામ કરવાની છુટ આપવામાં આવે. તો જ તમામ હલચલ શરૂ થશે. અગર આમ નહીં થાય તો કપડા બજાર શરૂ નહી થશે અને પાવરલુમ ઈન્ડસ્ટ્રીઝ, પ્રોસેસ, મિલ, એમ્બ્રોઈડરીની મશીને પણ શરૂ નહીં થાય. ઘરેલુ મહિલા, ટેમ્પો-રિક્ષા ચાલક પણ પ્રભાવિત થશે. જેથી 14 દિવસના ફરજિયાત હોમ ક્વોરેન્ટાઈનના નિયમ પર વિચાર કરવામાં આવે.

  • નગર સેવકે બફાટ કરતા વિવાદ થયો હતો.

ઉલ્લેખનીય છે કે કાપડ માર્કેટ શરૂ થવાનું હોવાની વાત સામે આવતા જ નગર સેવક વિજય ચોમાલે સાંસદ સીઆર પાટીલના હવાલાથી એવી જાહેરાત કરતો વીડીયો વાઈરલ કર્યો હતો કે, રાજસ્થાન ગયેલા તમામ શ્રમિકો, વેપારીઓ પરત ફરે તો તેઓને 14 દિવસ હોમ ક્વોરેન્ટાઈન થવું નહીં પડે. જોકે, આ મામલે કોંગ્રેસે હલ્લાબોલ કરી પગલા લેવાની માંગ કરતા ફેરવી તોળ્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp