શરદ પૂનમના ગરબામાં PAAS નેતા અલ્પેશ હાજર રહેતા AAP નેતા ઈટાલિયા નીકળી ગયા

PC: bhaskar.com

નવરાત્રી બાદ સુરતમાં ઠેર-ઠેર શરદપૂનમના ગરબાનું આયોજન થાય છે. શેરી ગરબામાં ઘણી વખત સમાજના કોઈ આગેવાનોના હસ્તા આરતી-પૂજા કરાવવામાં આવે છે. સુરત શહેરના મોટા વરાછાની તુલસી દર્શન સોસાયટી, જ્યાં AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનું નિવાસ સ્થાન છે. આ સોસાયટીમાં પણ શરદ પૂનમના ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાને ખાસ આમંત્રણ અપાયું હતું. અલ્પેશ કથિરીયા અને એમના સાથીદાર પહોંચ્યા એ પહેલા જ ગોપાલ ઈટાલિયા પોતાની સોસાયટીનો કાર્યક્રમ છોડી ચાલ્યા ગયા.

આ અંગે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, મને બીજી જગ્યાએથી પણ આમંત્રણ હતું એટલે ત્યાં જાવું એ વધારે યોગ્ય માન્યું છે. શરદપૂનમની રાત્રે સુદામા ચોક, તુલસી રેસિડેન્સી મોટાવરાછા ખાતે પાસ કન્વીનર અલ્પેશભાઈ કથિરીયાનું જોરશોરથી સ્વાગત કરાયું હતું. કથિરીયા સહિતના પાસના નેતાઓ અને કાર્યકર્તાઓને બોલાવી સોસાયટીના લોકોએ એમના હસ્તે આરતી કરાવી હતી. એ પછી એમનું સન્માન કરાયું હતું. પાસના નેતાનું સ્વાગત ગોપાલ ઇટાલિયાની સોસાયટીમાં થતાં રાજકીય દ્રષ્ટિએ પણ આ કાર્યક્રમનું મોટું મહત્ત્વ હોય એ રીતે જોવામાં આવે છે. આમ આદમી પાર્ટી ભલે ન સ્વીકારે પરંતુ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પાસના મોટા સમર્થનને કારણે જ મજબુત છે અને બેઠક મળી છે. ગોપાલ ઇટાલિયાની પોતાની સોસાયટીમાં પાસના નેતાઓને સ્થાનિક લોકોએ આરતી પૂજા કરાવી હોવાની ચર્ચા આસપાસની સોસાયટીમાં થઈ રહી છે. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા હાજર ન હતા. આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને જોઈએ તો પાસના નેતાનું સ્વાગત આમ આદમી પાર્ટીના નેતાની સોસાયટીમાં થવું એ ઘણી રીતે રાજકીય અસર ઊભી કરે છે..

જ્યારે આ મામલે ગોપાલ ઇટાલિયાને પૂછવામાં આવ્યું ત્યારે ઈટાલિયાએ જણાવ્યું કે મારી સોસાયટીમાં કાર્યક્રમ અંગેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ મારા કાર્યક્રમનું અન્ય જગ્યા પર આયોજન થયું હોવાથી હું આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યો નથી. પોતાના ઘરનો કાર્યક્રમ છે ત્યાં હાજર રહું એના કરતાં અન્ય લોકોના કાર્યક્રમમાં હાજર રહેવું એ મને વધારે યોગ્ય લાગે છે તમે સમજી શકો છો. આ કારણે હું મારી સોસાયટી મૂકી ત્યાં અન્ય કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયો. મને મેસેજથી આમંત્રણ મળ્યું હતું. અલ્પેશ કથિરીયાએ કહ્યું કે, નવરાત્રી, દશેરા અને શરદપૂનમ દરમિયાન હું શહેરની અલગ અલગ 50 જેટલી સોસાયટીમાં ગયો હતો. આ સોસાયટીના પ્રમુખનો એવો ખાસ આગ્રહ હતો કે હું અહીં એમને ત્યાં ગરબામાં આરતી કરૂ. મને એવી કોઈ માહિતી ન હતી કે, ગોપાલ ઈટાલિયા અહીં આવવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp