દર્દીએ ઇન્જેક્શનની સારવાર લીધી હોય તો પણ વીમા કંપનીએ ક્લેઇમ ચૂકવવો પડે

PC: indianexpress.com

સુરત જિલ્લાની ગ્રાહક અદાલતે વીમા કંપનીને ફટકાર લગાવતો એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. દર્દી ઇન્ડોર પેશન્ટ તરીકે એડમીટ કર્યા બાદ ડોક્ટરે માત્ર ઇન્જેક્શનની સારવાર આપી હોય તો પણ વીમા કંપની ક્લેઇમ ચુકવવાનો ઇન્કાર કરી શકે નહીં.

વિષ્ણુભાઇ બિનવાની અને મધુબેન બિનવાનીએ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપનીનો વિમો ધરાવતાં હતા. વીમો અમલમાં હતો તે દરમિયાન મધુબેનને પગમાં દુખાવો થતાં સુરતની એક ક્લિનિકમાં મલ્ટીપલ સ્કલેરોસિસ હોવાનું નિદાન થયું હતું.જેથી તેમણે ઘોડદોડની એક હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ થયા હતા. ત્યારબાદ બે દિવસના રોકાણ બાદ મધુબેનને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. જેમાં હોસ્પિટલાઇઝેશન, મેડીકલ સારવાર, જુદા-જુદા ટેસ્ટ, દવાઓ અને ઇન્જેક્શન વિગેરેનો ખર્ચ કુલ 48,355 રૂપિયા થયો હતો. ત્યારબાદ તબીબી સલાહનુસાર બીજા દવા અને સારવાર પેટે રૂપિયા 66,229નો ખર્ચ થયો હતો. જેથી વીમા કંપની સમક્ષ ક્લેઇમ કરાયો હતો. 

પરંતુ વીમા કંપનીએ હોસ્પિટલાઇઝેશન જરૂરી ન હોવાનું જણાવી ક્લેઇમ ના મંજૂર કર્યો હતો.જેથી ફરિયાદીએ એડવોકેટ શ્રેયસ દેસાઇ મારફતે જિલ્લા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેથી વીમા કંપનીએ રજૂઆત કરી હતી કે, ફરિયાદીને જે રોગની સારવાર આપવામાં આવી હતી તેમાં માત્ર એક ઇન્જેક્શન આપવાનું જરૂરી જ હોય છે. તેને માટે હોસ્પિટલમાં બે દિવસ ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ થવાનું જરૂરી નથી. જ્યારે ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇ દલીલોમાં જણાવ્યું કે, વીમા પોલિસી હેલ્થ કેર બેનીફીટ માટેની છે. માત્ર સર્જિકલ બેનીફીટ માટેની નથી. દર્દીની બીમારી જોઇને ડોક્ટર માત્ર ઇન્જેક્શન અને દવાઓ આપીને સારવાર કરે તો પણ ક્લેઇમ મળવાપાત્ર છે. વધુમાં હોસ્પિટલાઇઝેશનની જરૂરિયાત માટે ડોક્ટરે આપેલ સર્ટીફિકેટ પણ વીમા કંપનીએ ધ્યાનમાં લીધુ નથી કે પોતાની રીતે કોઇ ઇન્વેસ્ટીગેશન કરવા કે કરાવવા માટેની દરકાર લીધી નથી જે વીમા કંપીનીની બેદરકારી છે.

સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ ન્યાયાધીશ એ.એમ.દવે અને મેઘાબેન જોષીએ આપેલા હુકમમાં ફરિયાદીની ફરિયાદ મંજૂર રાખી ક્લેઇમના રૂપિયા 1,14,564 અને તે પણ 8 ટકાના વ્યાજ સહિત તેમજ બીજા રૂપિયા 5 હજાર ચૂકવવાનો વીમા કંપનીને આદેશ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp