કચરો વીણનારા પાસે મોંઘી બાઇક અને મોબાઈલ મળી આવ્યો, પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો

PC: https://www.forbes.com/

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે આપવામાં આવેલા અનલોકમાં લોકોના ધંધા-ઉદ્યોગો ખુલ્યા છે. જેના કારણે લોકોને આર્થિક સંકડામણમાં થોડીક રાહત મળી છે પરંતુ લોકડાઉનમાં આર્થિક સંકડામણમાં આવેલા કેટલાક લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ તરફ વળ્યાં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, આર્થિક સંકડામણમાંથી બહાર નીકળવા કેટલાક લોકોએ ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે અને ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો હતો. જેમાં રસ્તા પર કચરો વીણતા એક વ્યક્તિ પાસે અચાનક 90 હજારની બાઈક અને 20 હજાર રૂપિયાનો મોબાઇલ આવી ગયો હતો. પોલીસે જ્યારે આ શખ્સની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા લાખો રૂપિયાની ચોરીનો ખુલાસો થયો હતો.

રિપોર્ટ અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રેમ નગરમાં સુનીલ બારીયા નામનો વ્યક્તિ કચરો વીણીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સુનિલને લોકડાઉનના સમયમાં પણ કોઈ કામ મળ્યુ ન હતું અને તે બેરોજગાર હતો પરંતુ એકાએક સપ્ટેમ્બર મહિનામાં કચરો વીણીને ને પરીવારનું ગુજરાન ચલાવતા સુનિલ પાસે 90 હજાર રૂપિયાની બાઈક અને 20 હજાર રૂપિયાનો મોબાઇલ આવી ગયો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસકર્મીઓને આ બાબતે કચરો વીણતાં સુનિલ બારીયા પર શંકા જણાઈ હતી અને તેમને સુનિલની ધરપકડ કરી હતી.

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાના આધારે સુનિલની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં તેને મિત્ર સાથે એક કારખાનમાંથી ચોરી કરી હતી અને તેના ભાગે અઢી લાખ રૂપિયા આવ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન વધુ જાણવા મળ્યું હતું કે, 19 વર્ષના સુનિલ બારીયાએ 30 ઓગસ્ટના રોજ પોતાના મિત્ર સાથે મળીને ઉધના-મગદલ્લા રોડ ઉપર આવેલા શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝના એક કારખાનામાં ગ્રીલ તોડીને તેમાંથી ભંગારના બદલે સાડા આઠ લાખ રૂપિયા રોકડાની ચોરી કરી હતી. આ ચોરી કરવા મામલે સુનિલના ભાગે અઢી લાખ રૂપિયા આવ્યા હતા. આ અઢી લાખ રૂપિયામાંથી તેને 90 હજારનું બાઈક અને 20 હજારનો મોબાઈલ લીધો હતો. પોલીસે સુનિલ પાસેથી 50 હજાર રૂપિયા રોકડા, 90 હજારનું બાઇક અને 20 હજારનો મોબાઈલ કબજે કર્યો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે સુનિલની સાથે ચોરી કરનાર અન્ય વ્યક્તિની પણ શોધખોળ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp