સુરતમાં યુવતીએ લોકડાઉનમાં મિત્રો સાથે મળી 26000 શ્વાનોની ભૂખ સંતોષી

PC: facebook.com

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. લોકડાઉનના બે તબક્કા દરમિયાન લોકોના ધંધા રોજગાર બંધ થતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, કેટલાક લોકોને ભૂખ્યા રહેવાનો પણ વારો આવ્યો ત્યારે ગરીબ લોકોની વ્હારે શહેરની સામાજિક સંસ્થા અને તંત્ર આવ્યું હતું અને તેઓએ ભૂખ્યા લોકોને ફૂડ પેકેટ અને કીટનું વિતરણ કરીને લોકોનું પેટ ભર્યું હતું.

લોકડાઉનના કારણે રસ્તા પર રહેતા પશુઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને ત્યારે સુરતની એક યુવતીએ મિત્રો સાથે મળીને 65 દિવસના લોકડાઉન દરમિયાન 26 હજારથી વધુ રસ્તા પર રખડતા શ્વાનોને ભોજન કરાવ્યું છે.

જીવ પ્રત્યે દયા રાખનાર યુવતીનું નામ આરતી ઓમકારસિંહ બસરન છે અને તે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહે છે. આરતી હાલ LLBના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે અને આરતીના પિતા અને ભાઈ સુરતમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આરતી સુરતની ઘણી જીવદયા સંસ્થાઓ સાથે કામ કરીને અત્યાર સુધીમાં ઘણા પશુ-પક્ષીઓની હોસ્પિટલમાં સારવાર પણ કરાવી ચૂકી છે.

લોકડાઉનના સમયમાં રસ્તા પર રહેતા શ્વાનોને ભોજન નહીં મળતું હોવાથી આરતીએ સુરતના પાંડેસરા, બમરોલી, અલથાણ સહિતના અન્ય વિસ્તારોમાં રસ્તા પર રહેતા શ્વાનોને ભોજન આપવાનું શરૂ કર્યું. આરતીએ સૌપ્રથમ શ્વાનોને બિસ્કિટ ખવડાવવાથી આ સેવા કાર્યની શરૂઆત કરી હતી. ત્યારબાદ આરતીની બહેનો અને મિત્રોએ સાથે મળીને રસ્તા પર અલગ-અલગ વિસ્તારમાં શ્વાનોને ભોજન કરાવવાનું કામ ઉપાડી લીધુ.

આરતી અને તેના મિત્રો પ્રતિદિન 400થી 500 જેટલા શ્વાનનોને ડોગ ફૂડ, રાઇસ અને ડ્રાયફ્રૂટ પણ ખવડાવી રહ્યા છે. દરેક શ્વાનને 300 ગ્રામ જેટલુ ભોજન અપાઈ રહ્યું છે.

આરતી અને તેના મિત્રો મેપેડ પર અલગ-અલગ જગ્યા ઉપર શ્વાનોને ભોજન કરાવવા માટે જાય છે. આ બાબતે આરતીએ જણાવ્યું હતું કે, જીવ સૃષ્ટિ પર શ્વાન સમજદાર છે. તેઓનું બીમારી અને ભૂખથી મૃત્યુ ન થાય તે આપણી જવાબદારી છે. આવી મહામારીમાં અબોલ પશુ-પક્ષીઓનું કોઈ ધ્યાન નથી રાખતું ત્યારે લોકડાઉનના 65 દિવસ દરમિયાન 26 હજારથી વધુ શ્વાનોને બે ટાઈમ ભોજન આપીને અમે તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp