સુરતમાં ભાજપના નેતાના ભત્રીજાએ જાહેરમાં બર્થ-ડે પાર્ટી કરી, શું કાર્યવાહી થશે?

PC: news18.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા 36 શહેરોમાં કેટલાક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. આજે આ પ્રતિબંધનો છેલ્લો દિવસ હતો પરંતુ હજુ પણ રાજ્ય સરકારે કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે આ પ્રતિબંધોને એક સપ્તાહ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. એટલે હજુ એક સપ્તાહ સુધી રાજ્યના 36 જેટલા શહેરોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મળતી દુકાનો સિવાય અન્ય દુકાનો ખોલવાની છૂટ મળશે નહીં. કોરોનાની મહામારી વચ્ચે લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે હજુ પણ ઘણા લોકો નિયમોનો ભંગ કરી રહ્યા છે અને આવો જ કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.

સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા લોકોને અને યુવાનોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે પરંતુ રાજકીય નેતાઓના સગાંસંબંધીઓ અને નેતાઓને નિયમો લાગુ ન પડતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સુરતમાં શહેર ભાજપ સંગઠનના મંત્રી પ્રદીપસિંહ રાજપુતના ભત્રીજાએ રાજકીય પાર્ટીના આગેવાનો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. ભાજપ અગ્રણીના ભત્રીજાએ સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોતાના ઘર નજીક મિત્રો સાથે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી.

સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવા છતાં પણ લોકો અવાર નવાર આ નિયમોનો ભંગ કરી રહ્યા છે. પ્રદીપસિંહ રાજપુતના ભત્રીજા એ જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમાં લોકોએ કોરોનાની ગાઇડલાઇનનો પણ ભંગ કર્યો હતો એટલે મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા અને સાથે સામાજિક અંતરનો પણ ભંગ થયો હતો.

જોકે આ જન્મદિવસની ઉજવણીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, પોલીસ દ્વારા ભાજપના અગ્રણીના ભત્રીજા સામે કોઇ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં. મહત્ત્વની વાત છે કે, જન્મદિવસની ઉજવણીમાં નાના બાળકો પણ જોવા મળ્યા હતા. કોરોનાનું સંક્રમણ બાળકોમાં વધુ ઝડપથી ફેલાય છે અને આ જ કારણે સુરત મહાનગરપાલિકા કમિશનરે બાળકોને ઘરની બહાર કામ વગર નહીં નીકળવા દેવાની અપીલ વાલીઓને કરી હતી. છતાં પણ લોકો આ પ્રકારની બેદરકારી રાખીને બાળકો અને અન્ય લોકોના જીવનને જોખમમાં મુકી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp