તક્ષશિલા અગ્નિકાંડમાં 14 બાળકોને બચાવનાર જતીન અને તેનો પરિવાર આર્થિક મુશ્કેલીમાં

PC: Dainikbhaskar.com

તક્ષશિલા અગ્નિકાંડને ત્રણ વર્ષનો સમય થયો છે છતાં પણ 22 માસૂમોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. તક્ષશિલા અગ્નિકાંડ ઘટના સમયે એક બે નહીં પરંતુ 14 જેટલા બાળકોને મોતના મુખમાંથી બચાવનાર જતીન નામનો યુવક અને તેનો પરિવાર મુશ્કેલીમાં છે. ઘટના સમયે જતીને ચોથા માળેથી કૂદકો મારતા તેને માથાના ભાગે ઈજા થઈ હતી અને તે કોમામાં સરી પડ્યો હતો. આ ઘટનાના ત્રણ વર્ષ બાદ પણ હજુ સુધી તે સાજો થઈ શકયો નથી અને તે અને તેનો પરિવાર હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. 

જતીન નાકરાણી તેના માતા-પિતાનો એકનો એક દીકરો છે. હાલ જતીન કોઈ કામકાજ કરી શકતો નથી અને તેના પગલે જતીનના નિવૃત પિતા દીકરાની સેવા કરી રહ્યા છે અને તેઓ પુત્રની સારવારની સાથે સાથે પરિવારની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. જતીનની સારવાર માટે અત્યાર સુધીમાં 40 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે અને હજી મગજનું એક ઓપરેશન બાકી છે. તો બીજી તરફ જતીને પોતાના ધંધા માટે લોન લીધી હતી પરંતુ, આ પરિસ્થિતિમાં લોનના હપ્તા ન ભરી શકવાના કારણે હવે તેના પરિવારના માથેથી ઘરની છત પણ છીનવાઈ જવાનો ભય છે. આગની ઘટના સમયે બાળકોને બચાવનારો સુપર હીરો જતીન અને તેનો પરિવાર હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. આર્થિક કટોકટીના સમયમાં પણ તેમના પરિવારની મદદે કોઈ આવ્યું નથી. તેથી જ તેમના પિતાએ સરકાર અને સમાજના દાનવીરો પાસે મદદની અપીલ કરી છે. 

મહત્ત્વની વાત છે કે જતીને તક્ષશિલા આર્કેડમાં બીજા માળે ફેશન ડિઝાઇનનો ન્યુ બિઝનેસ શરૂ કરવા માટે ઘર મોર્ગેઝ પર રાખીને 35 લાખ રૂપિયાની લોન લીધી હતી અને તેના જ કારણે હાલ તેનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. તક્ષશિલાની ઘટના બાદ જ તે પથારીવશ થઈ ગયો અને તે લોનના હપ્તા પણ ભરી શક્યો નથી. તો બીજી તરફ જતીનનું ઘર પણ બેંક દ્વારા સીલ કરવામાં આવ્યું હતું પરંતુ, કેટલાક નેતાઓએ મધ્યસ્થી કરતા બેંકે રિકવરી પ્રોમિસ લખાવી મકાનનું સીલ ખોલી નાંખ્યું હતું.

જતીનના પિતા ભરત નાકરાણીએ લોકોને અપીલ કરી હતી કે, તેમનો એકનો એક દીકરો અગ્નિકાંડની ઘટના બાદ પથારીવશ થઇ ગયો છે. જોકે હજુ તેનું મગજનું ઓપરેશન બાકી છે અને અત્યાર સુધીની સારવારમાં તેમનું સર્વ ખર્ચાઈ ગયું છે. હાલ તેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી અને નિવૃતિની ઉંમરમાં પણ તેમણે પરિવારનું ગુજરાન ચલાવવા માટે કામ કરવું પડી રહ્યું છે અને જતીને લીધેલી લોનમાંથી કોઈ તેમને મુક્તિ અપાવે તેવી અપીલ પરિવારના સભ્યો સમાજના લોકોને કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp