સુરતના મોટા વરાછામાં પોલીસ રેડમાં કપલ બોક્સમાં એકાંત માણતા 10 કપલ ઝડપાયા

PC: youtube.com

ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. તો કેટલાક દર્દીઓના તો સારવારના અભાવે મોત થયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે રાજ્યના પોલીસકર્મીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો અને રાજકીય નેતાઓ પણ કોરોના સંક્રમણને દૂર કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે પરંતુ, સુરતના યુવાનોને જાણે કોરોનાનો ડર ન હોય તે રીતે તેઓ મોજમસ્તી કરતા નજરે ચઢી રહ્યા છે. સુરતમાં સામાજિક સંસ્થાના આગેવાનો અને સ્થાનિક લોકોએ સાથે મળીને એક kપલ બોક્સ પર રેડ કરી હતી.

આ રેડ દરમિયાન કાફેના કપલ બોક્સમાંથી સગીર વયના યુવક-યુવતીઓ પણ પકડાયા હતા. ત્યારબાદ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કોફી શોપમાં બનાવવામાં આવેલા કપલ બોક્સમાંથી 10 કરતા વધારે કપલની અટકાયત કરવામાં આવી હતી.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક કોફી શોપની આડમાં કપલ બોક્સ ચાલી રહ્યુ હોવાની માહિતી સામાજિક સંસ્થાના આગેવાનો અને સ્થાનિક લોકોને મળી હતી. તેથી સ્થાનિક લોકોએ મોટા વરાછા ખાતે આવેલા એટલાન્ટા શોપિંગ સેન્ટરમાં કોફી બિન કાફેમાં જનતા રેડ કરી હતી. રેડ દરમિયાન કાફેના સંચાલકોએ સ્થાનિક લોકો સાથે ખરાબ વર્તન કર્યુ હતું અને કહ્યું હતું કે, પોલીસ પણ અમારું કંઈ કરી શકશે નહીં. કાફેના સંચાલકોએ લોકોને કાફેની અંદર પ્રવેશવા દીધા ન હતા.

તો સામાજિક સંસ્થાના આગેવાનોએ તાત્કાલિક અમરોલી પોલીસ સ્ટેશનમાં આ બાબતે માહિતી આપી હતી તેથી પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે 10 કરતાં વધારે કપલને એકાંત મણતા ઝડપી પાડ્યા હતા. આ કપલ બોક્સમાંથી 14થી 18 વર્ષની સાત જેટલી છોકરીઓ પણ પોલીસના હાથે પકડાઈ હતી. આ તમામ યુવાનો અને યુવતીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. તો બીજી તરફ પોલીસ દ્વારા કાફેના માલિક સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે પણ હજુ પણ સ્પા મસાજની આડમાં સુરતમાં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. તો કેટલીક જગ્યાઓ પર કોફી શોપમાં કપલ બોક્સ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, પોલીસ દ્વારા કોફી શોપની આડમાં ચાલતા કપલ બોક્સના ગોરખધંધાને બંધ કરવા બાબતે શું કાર્યવાહી કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp