અમેરિકાથી વતન આવેલા વૃદ્ધ દંપતીને બંધક બનાવી 50 તોલા સોનુ, ડૉલરની લૂંટ ચલાવાઈ

PC: youtube.com

ગુજરાતમાં લૂંટની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. લૂંટારાઓને જાણે કાયદાનો ડર જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વલસાડમાં વધુ એક લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. લૂંટારૂઓ ઘરમાં રહેતા અમેરિકાના વૃદ્ધ દંપતીને બંધક બનાવીને ઘરમાંથી સોના અને ડૉલરની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે ગુનો દાખલ કરીને લૂંટારૂઓને પકડવાની તજવીજ શરૂ કરી હતી.

રિપોર્ટ અનુસાર, વલસાડના બુધલાઈ ગામમાં આવેલા ગંગા ફાર્મ હાઉસમાં અમેરિકન વૃદ્ધ દંપતી તેમના પુત્રની સાથે રહે છે. ગત રાત્રિના 2.30 વાગ્યાના સમયે મોઢા પર રૂમાલ બાંધી, હાફ પેન્ટ અને શર્ટ પહેરીને 10થી 15 જેટલા લૂંટારૂઓએ ગંગા ફાર્મ હાઉસમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ફાર્મ હાઉસમાં હાજર વૃદ્ધ દંપતી અને મજૂરોને બંધક બનાવ્યા હતા અને ત્યારબાદ ફાર્મ હાઉસમાં રહેલું 50 તોલા સોનું, ડૉલર અને રોકડા પાંચ લાખની લૂંટ ચલાવી તમામ ઇસમો ફરાર થઇ ગયા હતા. મહત્ત્વની વાત એ છે કે, ફાર્મ હાઉસમાં રહેતું વૃદ્ધ દંપતી નવ મહિના પહેલા જ ખેતી કરવા માટે અમેરિકાથી તેમના વતન પરત આવ્યું હતું. લૂંટારૂઓ ફરાર થઇ ગયા પછી મજૂરો અને દંપતીએ પોલીસને માહિતી આપતા પોલીસ ફાર્મ હાઉસ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

આ બાબતે વૃદ્ધા રૂક્ષમણીબેન પટેલે જણાવ્યું હતું કે, તેમને ત્રણ સંતાન છે જેમાંથી બે દીકરા અમેરિકામાં રહે છે અને એક દીકરો તેમની સાથે ફાર્મ હાઉસમાં રહે છે. તેઓ અમેરિકાની સીટીઝનશીપ ધરાવે છે અને છેલ્લા નવ મહિનાથી ખેતી કામ કરવા વતન પરત આવ્યા છે. ગત રાત્રિના રોજ એક વાગ્યા પછી 10થી 15 લોકો ઘરમાં ઘૂસી આવ્યા હતા અને મજૂરોને માર મારીને બંધક બનાવી લીધા હતા. ત્યારબાદ જ્યારે અમે દરવાજો ખોલ્યો ત્યારે અમારા બંનેના હાથ ખેંચીને જમીન પર પટક્યા હતા અને બૂમાબૂમ કરતા અમારા મોઢા પર હાથ મુકીને ધમકી પણ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp