પહેલા આપી પરમિશન પછી, સુરત કલેક્ટરે પોતે 2 દિવસ માર્કેટ ખોલવાની પરમિશન કરી રદ્દ

PC: Dainikbhaskar.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા 36 જેટલા શહેરોમાં કેટલાક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. આ શહેરોમાં માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વેચતી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ છેલ્લાં 5-6 દિવસથી સુરતમાં કોરોના પોઝિટિવ કેસો સતત ઘટી રહ્યા છે. આ જ કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા BRTS બસના બે રૂટ શરૂ કરવામાં આવ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણ ઘટતા ટેક્સટાઇલ માર્કેટ ખોલવા બાબતે ટેક્સટાઇલ માર્કેટના અલગ-અલગ સંગઠનો દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ સામે માગણી કરવામાં આવી હતી. ચેમ્બર ઓફ કોમર્સે આ બાબતે જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરી હતી. આ જ કારણે જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલે તારીખ 10 અને 11ના રોજ સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી ટેક્સટાઇલ માર્કેટ શરુ રાખવાની મંજૂરી આપી હતી. મંજૂરી આપ્યા બાદ એકાએક જ આ નિર્ણય રદ્દ કરવામાં આવ્યો હતો.

મહત્ત્વની વાત છે કે, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી કે, સોમવાર અને મંગળવારના રોજ સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી સુરતની તમામ ટેક્સટાઇલ માર્કેટને ટ્રેડ રિલેટેડ કામકાજ હોવાના કારણે ખુલ્લી રાખવા મંજૂરી આપવામાં આવે. આ પત્રની એક નકલ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને પણ મોકલવામાં આવી હતી. પહેલા જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને ત્યારબાદ કોઈ કારણોસર પરવાનગી રદ્દ કરવામાં આવી હતી.

એવી પણ માહિતી મળી રહી છે કે, જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલ અને સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આવા સમયની અંદર ખરેખર ટેક્સટાઇલ માર્કેટ ખોલવી જોઇએ કે નહીં તે બાબતે ચર્ચા કરી હતી. ડૉક્ટર ધવલ પટેલે જણાવ્યું હતું કે, ટ્રેડર્સ અગ્રણીઓ અને ટ્રેડર્સની વિવિધ સંસ્થાઓ સાથે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તે 7 મે, 2021ના રોજ કરવામાં આવી હતી. 10 મે, 2021ના રોજ લેખિત પરવાનગી મળી હતી પરંતુ, ટેક્સટાઇલના જ વિવિધ સંગઠનો જેવા કે ટ્રેડર્સ એસોસિએશન, યાર્ન મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, યાર્ન ડીલર એસોસિએશન, વિવિંગ એસોસિએશન અને પ્રોસેસિંગ એસોસિએશને કરેલી માગણી સંદર્ભમાં આ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ, વહીવટી કારણોસર આ લેખિત પરવાનગી રદ્દ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp