સુરત પાલિકાના એન્જિનિયરે 15 હજારની લાંચ લેવામાં રૂ. 1 લાખનો પગાર ગુમાવવો પડ્યો

PC: Khabarchhe.com

સુરત મહાનગરપાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને જાણે કે કોઇનો ડર જ ન હોય તેમ બિન્દાસ્ત પોતાની ચેમ્બરમાં જ લાંચની રકમ સ્વીકારે છે. આવો જ એક કિસ્સો રાંદેર ઝોનમાં બન્યો. રૂ. 1 લાખનો પગારદાર આસિસ્ટન્ટ ઇજનેરે પોતાની ઓફિસમાં જ રૂ. 15 હજારની લાંચ લીધી અને એન્ટિ કરરપ્શનની ટીમે તેને દબોચી લીધો હતો.

જહાંગીરપુરા વિસ્તારમાં નવા બનતા એક બિલ્ડિંગમાં પ્લમ્બિંગનું કામ કરનારી વ્યક્તિએ 120 ફ્લેની ડ્રેનેજ લાઈન માટે મનપાના રાંદેર ઝોનમાં અરજી કરી હતી. જે અરજી ગ્રાહ્ય રાખવાના બદલામાં રાંદેર ઝોનના ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ નટવરલાલ મોદીએ એક ફ્લેટ દીઠ રૂ. 150 લેખે રૂ. 18,000ની લાંચ માગી હતી. રકઝકના અંતે આ રકમ રૂ. 15 હજાર નક્કી કરવામાં આવી હતી.

બીજી બાજુ લાંચની રકમ આપવાની ઇચ્છા ન ધરાવનારી વ્યક્તિએ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર અંજનાબા ચૌહાણનો સંપર્ક કર્યો હતો. જેના કારણે એસીબીની ટીમે મદદનીશ નિયામક નિરવસિંહ ગોહીલના માર્ગદર્શન તળે છટકાનું આયોજન કર્યું હતું. જેમાં જિગ્નેશ લાંચની રકમ સ્વીકારતા પકડાઈ ગયો હતો.

લાંચની રકમ સ્વીકારતા પકડાઈ ગયા બાદ હવે આ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરે સસ્પેન્ડ થવું પડશે. પરિણામે મહિને એક લાખ જેવી માતબર રકમનો પગાર માત્ર 15 હજાર રૂપરડીમાં ગુમાવવાનો વખત આવ્યો હતો અને તેના ઘરે સર્ચ કરે તેમાંથી જે વાંધાજનક સાહિત્ય મળે તે નફામાં.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સુરત મહાનગરપાલિકામાં 3 જેટલા કોર્પોરેટર પણ લાંચ લેતા ઝડપાઇ ચૂક્યા છે. એક કર્મચારી તો પાલિકાની કચેરીમાં જ પકડાઇ ગયો હતો. કોરોનાકાળમાં જ્યાં લોકોને માંડમાંડ નોકરી રોજગાર મળે છે ત્યાં લાંયિયા લોકોની લાલચ રોકાતી નથી. છડેચોક લાંચ લઇ રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp