સુરતમાં યુવાનો મેદાનમાં ભેગા થઈ રમતા હતા ક્રિકેટ, અચાનક આવી પોલીસ અને...

PC: news18.com

રાજ્યમાં કોરોનાનું સંકટ ખૂબ જ વધ્યું છે. પરંતુ કોરોનાની મહામારી વચ્ચે હજુ પણ કેટલાક લોકોને પોતાની અને લોકોની ચિંતા ન હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ હોસ્પિટલોમાં સારવાર લેવા માટે લોકોની લાઈનો જોવા મળી રહી છે. તો બીજી તરફ આવી મહામારીના સમયે પણ યુવાનો મોજ મસ્તી કરવાનું શોધી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે સુરતના મોટા વરાછા ખાતે રવિવારના રોજ એક ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા માટે એકઠા થયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ક્રિકેટ મેદાન પર પહોંચ્યો હોવાના કારણે યુવકો પોતાની બાઇક લઇને પોલીસથી બચવા માટે આમતેમ દોડાદોડી કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાના કેટલાક ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

રિપોર્ટ અનુસાર, સુરતના મોટા વરાછા વિસ્તારમાં રવિવારના રોજ એક ક્રિકેટ ગ્રાઉન્ડ પર કેટલાક યુવાનો ક્રિકેટ રમતા હોવાની પોલીસને માહિતી મળી હતી. જે સમયે પોલીસ તપાસ કરવા માટે ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહોંચી હતી. તે સમયે પોલીસની જીપને જોતા યુવાનો પોલીસ પકડી લેશે તેવા ડરથી પોતાના વાહનો લઇને આમતેમ દોડાદોડી કરતા નજરે ચઢ્યા હતા. તો કોરોનાની મહામારી વચ્ચે યુવકોની આ બેદરકારી તેમના માટે ખૂબ જ ગંભીર સાબિત થઈ શકે છે.

આ અગાઉ પણ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં યુવકોને ક્રિકેટ રમતા પોલીસે ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ યુવકો પાસેથી દંડ લઈને તેમને જવા દેવામાં આવ્યા હતા. સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, લોકોમાં જાગૃતતા આવે એટલા માટે ઠેર-ઠેર બેનરો પણ લગાવવામાં આવ્યા છે અને લોકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. છતા પણ હજુ લોકો તંત્રની વાત ન માની રહ્યા હોય તેવુ આ કિસ્સા પરથી લાગી રહ્યું છે.

થોડા દિવસો પહેલાં સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ લોકોને અપીલ કરી હતી કે, બાળકોને ઘરની બહાર રમવા ન દેવામાં આવે કારણ કે, કોરોનાનું સંક્રમણ બાળકોમાં ફેલાઇ શકે છે. કોરોનાની બીજી લહેર લોકો માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. સુરતમાં પોઝિટિવ કેસની સાથે-સાથે મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે અને બીજી લહેરમાં યુવાનો પણ હવે કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે યુવાનોની આ બેદરકારી લોકો માટે જોખમકારક સાબિત થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp