પાકિસ્તાન વર્લ્ડ કપ 2023ની મેચો ભારતમાં નહીં રમે, ICC લેવાની છે મોટો નિર્ણય

PC: twitter.com

ભારત અને પાકિસ્તાન વચ્ચે બગડેલા રાજનૈતિક માહોલનો માર ક્રિકેટ ઝીલી રહી છે. એશિયા કપને લઈને પહેલા જ બંને દેશો વચ્ચે ખેચતાણ ચાલી રહી છે અને હવે વન-ડે (50 ઓવરના) વર્લ્ડ કપને લઈને પણ જે સમાચાર મળી રહ્યા છે તે ક્રિકેટ ફેન્સને નિરાશ કરી દેશે. ESPN ક્રિકઇન્ફોના રિપોર્ટ મુજબ, પાકિસ્તાનની ટીમ આ વર્ષના અંતમાં થનારા વન-ડે વર્લ્ડ કપ 2023ની મેચ રમવા માટે ભારત નહીં આવે. બંને દેશો વચ્ચે થનારી મેચોની મેજબની ભારતની જગ્યાએ બાંગ્લાદેશ કરશે. માત્ર એટલું જ નહીં, જો ભારત અને પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહે છે તો ફાઇનલ મેચ પણ ભારતમાં નહીં રમાય.

રિપોર્ટ્સ મુજબ, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ પ્લાન પર અત્યારે વિચાર કરી રહી છે. જો આ પ્લાન પર સહમતી બને છે તો વર્લ્ડ કપ 2023 સાથે સાથે એશિયા કપનું આયોજન પણ આ પ્રકારે કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે સ્પષ્ટ કરી દીધું હતું કે ભારતીય ટીમ એશિયા કપ 2023માં હિસ્સો લેવા માટે પાકિસ્તાન નહીં જાય. જય શાહનું આ નિવેદન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને પસંદ આવ્યું નહોતું અને તેણે કહ્યું હતું કે જો ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો તે પણ વન-ડે વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં આવે. પાકિસ્તાને એશિયા કપ 2023ની મેજબાની કરવાની છે. જેનું આયોજન વર્લ્ડ કપથી બરાબર પહેલા થવાનું છે. રિપોર્ટ્સ મુજબ, ભારતીય ટીમ પણ એશિયા કપની પોતાની મેચો પાકિસ્તાન બહાર જ રમી શકે છે.

ભારતે એશિયા કપમાં ન્યૂટ્રલ વેન્યુ પર રમવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ PCB પણ વન-ડે વર્લ્ડ કપ મેચ કોઈ ન્યૂટ્રલ વેન્યૂ પર રમવા પર વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, PCBએ ભારતમાં થનારા વન-ડે વર્લ્ડ કપ માટે એક નવો ફોર્મ્યૂલા તૈયાર કર્યો છે, જે હેઠળ પાકિસ્તાન પોતાની મેચ ભારતની જગ્યાએ કોઈ ન્યૂટ્રલ વેન્યુ પર રમશે. આ સંબંધમાં PCBએ ICC અને ACCને પોતાના નિર્ણયથી અવગત કરાવી દીધી છે. જેને પાકિસ્તાનની મેજબાનીમાં 2025માં થનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ લાગૂ કરી શકાય છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજનૈતિક સંબંધ ખરાબ થવાના કારણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષિય સીરિઝ રમાઈ રહી નથી. છેલ્લા એક દશકથી બંને દેશો માત્ર ICC અને ACC ટૂર્નામેન્ટમાં જ એક-બીજા વિરુદ્ધ રમી રહ્યા છે. પાકિસ્તાનમાં વર્ષ 2009માં ક્રિકેટ ટીમ પર હુમલો થયા બાદ બધા દેશોએ ત્યાંનો પ્રવાસ રદ્દ કર્યો હતો. જો કે, સમય સાથે બાકી ટીમોએ ત્યાં રમવાની શરૂઆત કરી અને હવે લગભગ દરેક મોટી ટીમ ત્યાંનો પ્રવાસ કરી ચૂકી છે. જો કે, BCCI અત્યારે પણ ખેલાડીઓને પાકિસ્તાનમાં રમવાની મંજૂરી આપી રહી નથી કેમ કે ત્યાં તેમની સુરક્ષાને જોખમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp