આ ભારતીય ઓલરાઉન્ડરને આદર્શ માને છે એશ્ટન એગર, કહ્યું- તે ખરા અર્થમાં રોકસ્ટાર છે

PC: newsapi.com

ઓસ્ટ્રેલિયા હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની સીરિઝ રમાઈ રહી છે. આ સીરિઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ધમાકેદાર જીત મેળવી છે અને સાઉથ આફ્રિકાએ પોતાના T20 ઈતિહાસની સૌથી ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે. આ જીતનો હીરો ઓસ્ટ્રેલિયાનો એશ્ટન એગર રહ્યો, જેણે હેટ્રિકની સાથે જ 5 વિકેટ લીધી હતી. મેચ બાદ એગરે પોતાના મનપસંદ ખેલાડીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

એગરે મેચ બાદ કહ્યું કે, તેનો મનપસંદ ખેલાડી ભારતનો એક ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા છે. તેણે કહ્યું કે, રોકસ્ટાર રવિન્દ્ર જાડેજા પાસેથી તેને ઘણું બધું શીખવા મળ્યું છે. એગરે જણાવ્યું હતું કે, ગત મહિને ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે હતી, ત્યારે જાડેજા પાસેથી મળેલી સલાહ તેને ખૂબ જ કામ આવી.

તેણે કહ્યું હતું કે, ભારત વિરુદ્ધ શ્રેણી બાદ મેં રવિન્દ્ર જાડેજા સાથે વાત કરી હતી. સ્પિન બોલિંગ વિશે તેની સાથે વાતચીત દ્વારા મને ખૂબ જ પ્રેરણા મળી. તેણે કહ્યું કે, તે દુનિયાભરમાં મારો સૌથી ફેવરિટ ક્રિકેટર છે. હું તેની જેમ રમવા માગુ છું. તે ખરા અર્થમાં રોકસ્ટાર છે. તેને રમતો જોઈને જ મારી અંદર આત્મવિશ્વાસ આવી જાય છે. બેટિંગમાં તેનું વલણ ખૂબ જ સકારાત્મક રહે છે અને તે મેદાન પર પણ એ જ સકારાત્મકતા સાથે ઉતરે છે.

આ મેચની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા સ્મિથ અને ફિંચની શાનદાર ઈનિંગને પગલે 197 રનોનો લક્ષ્ય સાઉથ આફ્રિકાની સામે મુક્યો હતો. તેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 89 રનના સ્કોર પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. એગરે 4 ઓવરમાં 24 રન આપીને હેટ્રિક સહિત કુલ 5 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp