બીગબુલ હર્ષદ મહેતાના ખરાબ અંતનું એક મોટું કારણ આ પણ હતું

PC: economictimes.indiatimes.com

માત્ર 30 વર્ષની ઉંમરમાં ગુજરાતી જૈન પરિવારના યુવાને શેરબજારને રમાડયું, ઉછાળ્યું અને ગબડાવ્યું અને કરોડો રૂપિયાનું એવું કૌભાંડ કરી નાંખ્યું જે મુંબઇ શેરબજારના ઇતિહાસમાં સૌથી મોટા સ્કેમ તરીકે અંકિત થઇ ગયું.કૌભાંડ કોણે કર્યું હતું તે તમે જાણી જ ગયા હશો.જી, હા અમે ધ બીગુબુલ હર્ષદ મહેતાની વાત કરી રહ્યા છીએ,હર્ષદ મહેતાનો વિષય અમે એટલા માટે છેડી રહ્યા છીએ, કારણ કે ગુજરાતી ફિલ્મનો અને મૂળ સુરતના કલાકાર પ્રતિક ગાંધીએ સોની લીવ પર હિંદી ભાષામાં શરૂ થયેલી સ્કેમ-1992 ધ હર્ષદ મહેતા સ્ટોરીમાં લીડ રોલ ભજવ્યો છે.ગુજરાતી ફિલ્મોમાં તો પ્રતિકેં જબરદસ્ત સફળતા મેળવી છે, પણ તેની હિંદી ભાષામાં પ્રથમ સિરિઝે પણ ખાસ્સી ચર્ચા જગાવી છે.લોકોનું કહેવું છે કે પ્રતિક ગાંધીએ પાત્રને ખાસ્સો ન્યાય આપ્યો છે.1992માં  હર્ષહ મહેતા શેરબજારના કિંગ હતા, તેમના કારણે શેરબજારમાં લાખો લોકો અઢળક રૂપિયા કમાયા પણ તેની સામે અસંખ્ય લોકો બરબાદ પણ થઇ ગયા અનેક લોકોએ હર્ષદના વાયે ચાલીને પોતાના ઘર વખરી વેચવાનો વારો આવ્યો હતો.1992નું વર્ષ શેરબજારના ઇતિહાસનું ખતરનાક વર્ષ હતું. લોકો તેને સ્ટોક માર્કેટનો અમિતાભ બચ્ચન પણ કહેતા.

ઓ કે, તો અમે તમને રીઅલ હર્ષદ મહેતાની સ્ટોરી કહેવા માંગીએ છીએ. રાજકોટમાં પનોલી મોટી ગામમાં રહેતા શાંતિલાલ મહેતા અને રસિલાબેન મહેતાને 4 પુત્રો હતા. હર્ષદ, સુધીર, અશ્વીન અને હિતેષ. આમ તો શરૂઆતમાં શાંતિલાલ મુબઇના કાંદિવલીમાં નાના ઘરમાં રહેતા હતા.તેમનો નાનકડો ટેકસટાઇલનો બિઝનેસ હતો.તે પછી તેઓ છત્તીસગઢના રાયપુરમાં રહેવા ગયા અને તેમના પુત્રો ત્યાંની સ્કુલમાં જ ભણ્યા.1973માં સાંતિલાલ ફરી મુંબઇ આવ્યા અને હર્ષદ મહેતાએ કોલેજનો અભ્યાસ મુંબઇંમાં કર્યો.કોલેજ પત્યા પછી હર્ષદ મહેતાએ નોકરીની સરૂઆત કરી.સીમન્ટ કોન્ટ્રાકટર તરીકે કામ કર્યું, હોઝિયરી પણ વેચી, ડાયમંડમાં કામ કર્યુ, ઇન્શ્યોરન્સ કંપનીમાં કલાર્ક તરીકે કામ કર્યું. આવી તો અનેક નોકરી અને નાના બિઝનેસ હર્ષદે કર્યા પણ તેના સપના, તેના અરમાનો ઘણાં ઉંચા હતા.આમ કયાં સુધી ચાલશે, કઇંક મોટું તો કરવું જ પડશે એવું તેના મગજમાં હમેંશા ચાલ્યા કરતું. એક દિવસ નોકરી છોડીને શેરબજારમાં કામ શરૂ કર્યું. તે વર્ષ હતું. 1981.હર્ષદ મહેતાની સાથે તેનો ભાઇ અશ્વીન પણ જોડાયો હતો.

માત્ર 3 વર્ષમાં જ હર્ષદ મહેતાએ બોમ્બે સ્ટોક એકસ્ચેન્જ (બીએસઇ)નો મેમ્બરશીપ કાર્ડ મેળવી લીધો અને ગ્રો મોર રીસર્ચ એન્ડ એસ્સેટ મેનેજમેન્ટ કંપની શરૂ કરી.હર્ષદના ઉંચા સોપાનો સર કરવાનું એ પહેલું પગલું હતું. પછી તો ધીમે ધીમે હર્ષદભાઇનું નામ શેરબજારમાં  જામવા માંડયું.હર્ષદ જે શેરની ખરીદી કરે તેના ભાવ સતત વધતા હતા. એ વાત લોકોના ધ્યાન પર આવવા માંડી.પણ લોકોને એ ખબર નહોતી કે ભાવ વધારવા માટે હર્ષદ કેવા ખેલ કરતા હતા.કંપનીઓના યુનિયનના નેતા કે મેનેજમેન્ટના માણસોને ફોડીને હર્ષદ મહેતા કંપનીની ઇનસાઇડ ઇર્ન્ફોમશન મેળવી લેતા અને એ માહિતી જાહેર થાય તે પહેલાં શેરબજારમાંથી શેરોની ખરીદી શરૂ કરી દેતા.પછી કંપનીના માહિતી જાહેર થાય એટલે સામાન્ય ઇન્વેસ્ટરોની ખરીદી નિકળે એટલે હર્ષદ માલ વેચીને તગડો નફો કરી લેતા.

હર્ષદ મહેતાએ એવા એવા ખેલ કર્યા કે જ વર્ષોથી શેરબજારમાં કામ કરતા હતા તેમના મગજમાં પણ નહોતા આવતા.હર્ષદ મહેતા ઇનસાઇડ ઇન્ફોર્મેશનથી શેરના ભાવને ઉંચો કરી દેતા અને બાકીનું કામ પછી લોકો કરતા.હર્ષદ મહેતાનો જયારે જમાનો હતો, ત્યારે સીમેન્ટ કંપની એસીસીનો ભાવ 900થી વધીને 9000 સુધી પહોંચી ગયો હતો.બજારના લોકો વિચારતા કે એસીસીમાં એવું તે શું આવી ગયું કે આટલી ઉંચાઇએ ભાવ પહોંચ્યો. કંપનીએ કોઇ અસાધારણ નફો તો નોંધાવ્યો નથી.પણ એ બધો હર્ષદનો ખેલ હતો.એસીસી ઉપરાંત એપોલો ટાયર્સ, રિલાયન્સ, ટાટા સ્ટીલ,બીપીએલ, વિડીયોકોન, સિપ્લા જેવા અનેક કંપનીઓના શેરોના ભાવ આસમાને પહોંચાડી દીધા હતા.એ પછી તો એવું થયું કે બીજી કંપનીઓના શેરોના ભાવ પણ ભડકે બળવા માંડયા હતા. શેરબજારના લોકો કહેતા કે  આ તો ઘોડા ભેગા ગધેડા પણ ચાલવા માંડયા.તે વખતે શેરબજારમાં બસ તેજી સિવાય કોઇ વાત જ નહીં.

હર્ષદ મહેતાએ શેરબજારમાં જે માહોલ ઉભો કર્યો તેને કારણે પછી એવું થવા માંડયું કે લોકોને ઝડપથી કમાઇ લેવાની લાલસા જાગી. ખાસ કરીને યુવાન વર્ગ, કે જેમને શેરબજારનો ક્કકો પણ ખબર નહોતો, તેઓ શેરબજારના એકસ્પર્ટ હોય તેવી રીતે વાત કરવા માંડયા હતા.અરે, કેટલાંકતો શેરબજારના નિષ્ણાતને સલાહ આપતા કે ફલાણાં ઢીકણાં શેર લઇ લો ચોકકસ કમાશો. હર્ષદભાઇ પાસેથી અંદરથી માહિતી મળી છે, એવું કહેતા.અરે, તે વખતે સાપ્તાહિક અને મેગેઝીનનો રાફડો ફાટયો હતો.લોકો બુક સ્ટોલ પર શેરબજારને લગતા મેગેઝીન ખરીદવા લાઇન લગાવતા. મેગેઝીનમાં ટીપ્સ આવતી અને લોકો આંખ મીંચીને શેર ખરીદી લેતા.શેરદલાલોની ઓફીસોમાં પણ ભીડ જામતી, હર્ષદના નામે અનેક લોકોએ ચરી ખાધું, કમાયા પણ ખરા, પણ કેટલાંક લોભિયા, અને નાસમજ લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા.

હર્ષદ મહેતાને ખબર પડી ગઇ કે લોકો સુધી માહિતિ પહોંચતી કરો તો શેરબજારને જેમ ચલાવવું હોય તેમ ચલાવી શકાય.પણ તેના માટે મોટા ફંડની જરૂર હતી. જેના માટે હર્ષદે એલઆઇસી, યુટીઆઇ જેવા ઇન્સ્ટીટયુશનલ ઇન્વેસ્ટરને પટાવી લીધા અને સંસ્થાના રૂપિયા પર શેરબજારમાં ધૂમ ખરીદીઓ કરવા માંડી. હર્ષદની જયારે એન્ટ્રી હતી ત્યારે શેરબજારનો ઇન્ડેક્સ 1000 પોઇન્ટની આજુબાજુ હતો અને તે પછી તેણે શેરબજારના ઇન્ડેક્સને 4500 સુધી પહોંચાડી દીધો હતો.કઇ કેટલાંયે શેરોના ભાવ આસમાને પહોંચાડયા, ગ્લોબલ ટેલી, સત્યમ કમ્પુયટર, સિપ્લાના શેરનો ભાવ તો શેર દીઠ 40,000 સુધી પહોંચી ગયો હતો.જે લોકો શેરબજાર તરફ નજર પણ નહોતા નાંખતા તેવા લોકોએ કબાટો ફંફોસવા માંડયા હતા કે બાપા કોઇ જુના શેર મુકી તો નથી ગયા ને. અને કેટલાંક લોકોનું એમાં નસીબ ફળ્યું પણ હતું.કબાટમાંથી બાપા જે શેરો મુકી ગયા હતા તેમાંથી એ લોકો કરોડપતિ બની ગયા હતા.

હર્ષદને એક પછી એક સફળતા મળતી ગઇ એટલે એણે બેંકોના છીંડા શોધી કાઢયા અને બેંક અધિકારીઓને ફોડીને બેંકોના કરોડો રૂપિયા પોતાના નામે શેરબજારમાં નાંખ્યા અને હર્ષદ બીગબુલ બની ગયા. કેટલાંક મોટા સરકારી અધિકારીઓને હર્ષદ ટીપ્સ આપી દેતો અને અધિકારીઓ કમાઇને રાજીના રેડ થઇ જતા.

હર્ષદની સામે ગુનો નોંધાયો અને તેમને જેલ ભેગા કરાયા. ત્યારે હર્ષદનો કેસ દેશના જાણીતા વકીલ રામ જેઠમલાની લડતા હતા. ત્રણ મહિનામાં તો હર્ષદ જામીન પર છુટીને બહાર આવ્યા અને તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને તે વખતના વડાપ્રધાન નરસિંહરાવને  રૂપિયા 1 કરોડની લાંચ હોવાની વાત કરીને ઉહાપોહ મચાવી દીધો હતો. પણ તે પહેલાં આરબીઆઇએ હર્ષદ મહેતાના કૌભાંડોની તપાસ કરવા જાનકીરામન કમિટીને તપાસ સોંપી હતી તો તેમાં હર્ષદનું 4025 કરોડનું કૌભાંડ બહાર આવ્યું. 1999માં હર્ષદ મહેતાને 5 વર્ષની જેલની સજા થઇ અને 2001માં તેમનું હાર્ટએટેકને કારણે અવસાન થયું.

હર્ષદની પત્નીનું નામ જયોતિ છે અને તેમનો એક પુત્ર છે જેનું નામ છે અતુર મહેતા.

સોની લીવ પર ચાલતી સિરિઝ 1992 સ્કેમમાં મનુ મુંદ્રાનું પાત્ર સતીષ કૌશિક ભજવે છે. શેરબજારમાં રીઅલમાં જે મનુભાઇ હતા તેમનું નમ હતું મનુ માણેક અને શેરબજારના લોકો તેમને મનુ મંદી તરીકે ઓળખતા.હર્ષદ પહેલાં શેરબજાર પર મનુ મંદીનું રાજ હતું. એકદમ લો પ્રોફાઇલમાં મંદીનો ધંધો કરતા પણ શેરબજાર પર તેમનું જ રાજ હતું. પણ હર્ષદે આવીને મનુ મંદીને પછાડયો અને શેરબજારમાં હોહા મચાવી નાંખી.

હર્ષદ મહેતાનું હજી પણ શેરબજાર પર રાજ હતે, પણ તે સફળતા પચાવી ન શકયા,તેમની પબ્લીસિટીની ભુખને કારણે ઉંચાઇએથી નીચે પટકાયા.છાપાઓમાં, મેગેઝીનીમાં,ટી વી પર હર્ષદ ઇન્ટરવ્યુ આપવા માંડયા એટલે વધારે લોકોની નજરમાં આવ્યા અને જાણકારોના કહેવા મુજબ એ જ વસ્તુ તેમના પતનનું કારણ બની.1984 થી 1992 સુધી હર્ષદ મહેતા નામનો સુરજ શેરબજારમાં આસમાને હતો.8 વર્ષમાં હર્ષદે શેરબજારને હચમચાવી નાંખ્યું હતું. પણ  ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની પત્રકાર સુચેતા દલાલ પાસે હર્ષદના કૌભાંડની માહિતી આવી અને સુચેતાએ ઇન્વેસ્ટીગેશન શરૂ કરીને હર્ષદનું 500 કરોડ રૂપિયાનું કૌભાંડ શોધી કાઢી નાંખ્યું અને બસ પછી તો શેરબજાર એવું ઉંધા માથે પટકાયું કે લાખો રોકાણકારોના રૂપિયા ડુબી ગયા. તે વખતે શેરબજાર તુટી જતું ત્યારે બ્લડબાથ એવો શબ્દ વપરાતો.એવી હાલત હતી કે રોકાણકારોને શેર વેચવા હતા પણ વેચી નહોતા શકાતા, કારણ કે મોટાબાગના બધા શેરોમાં નીચી સર્કીટ લાગી એટલે શેર વેચી જ નહોતા શકતા.હર્ષદનું કોભાંડ બહાર આવ્યું ત્યારે એવું કહેવાતુ કે શેરબજારના પગથિયા પર હજારો લોકોની લાશ પડી છે. મતલબ કે હજારો લોકો બરબાદ થઇ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp