આ ભારતીય બિઝનેસમેનની સંપત્તિમાં એક જ દિવસમાં થયો 9333 કરોડ રૂપિયાનો ઘટાડો

PC: ANI

શેરબજારમાં નિફ્ટી અને સેન્સેક્સમાં દરરોજ ઉતાર-ચઢાવ થતો રહેતો હોય છે. સોમવારે ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવના કારણે ભારતીય શેરબજારમાં મંદી જેવો માહોલ બની ગયો હતો અને તેના કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેંસેક્સમાં 788 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. જેથી સામાન્ય રોકાણકારોને તો નુકસાન થયું જ સાથે પ્રસિદ્વ ઉદ્યોગપતિ અને રિલાઇન્સ ઇન્ડસ્ટ્રી (RIL)ના ચેરમેન મુકેશ અંબાણીને એક દિવસમાં જ 9333 કરોડ રૂપિયાનો મોટો ફટકો પડ્યો છે. મુકેશ અંબાણી સિવાય શેરબજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાને પણ માત્ર એક જ દિવસમાં 136 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે.

આશ્ચર્યનજક વાત છે કે, પશ્વિમ એશિયાના સંકટની અસર સોમવારે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી હતી. બધા સેક્ટરો લાલ નિશાનમાં રહ્યા હતાં. સોમવારે વ્યવસાય દરમિયાન બોમ્બે એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ નીચે ઉતરીને ચાર મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી 12 હજારથી નીચે પહોંચી ગયું હતું. દિવસના અંતમાં સેન્સેક્સ 787.98 અંક એટલે કે 1.90 ટકા નીચે ઉતરીને 40,676.63 પર બંધ થયો હતો. તેના કારણે ભારતના કેટલાક દિગ્ગજ ઉદ્યયોગપતિ અને કારોબારીઓની પર્સનલ વેલ્થમાં પણ જબરદસ્ત ઘટાડો આવ્યો હતો. ફોર્બ્સ રિયલ ટાઇમ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર RILના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં 2.2 ટકા એટલે કે 1.3 કરોડ ડૉલરનો ઘટાડો જોવા મળ્યો હતો. તેમની કુલ સંપત્તિ ઘટીને 57.6 ડૉલર જ રહી ગઇ હતી. આ જ રીતે દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની ખાનગી સંપત્તિમાં 0.75 ટકા એટલે કે 1.9 કરોડ ડૉલરનો ઘટાડો નોંધાયો હતો.

શુક્રવારે અમેરિકા દ્વારા બગદાદ એરપોર્ટ પર થયેલા હુમલામાં ઇરાનની સેનાના ટોચના અધિકારી જનરલ કાસિમ સુલેમાની માર્યો ગયો હતો. ત્યારબાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધી ગયો હતો. તેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો વધી ગઇ છે અને સોનું રેકોર્ડ બ્રેક સ્તર પર પહોંચી ગયું છે.

સોમવારે શેરબજારમાં ઘટાડો આવતા રોકાણકારોને કુલ 2.97 લાખ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે. BSEની યાદીવાળી કંપનીઓની પૂંજીમાં 153.90 કરોડ રૂપિયા રહી ગયા છે. જ્યારે પહેલા એ 156.87 લાખ કરોડ રૂપિયા હતી. સોમવારે મોટાભાગના બધા જ એશિયાઇ બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટોકિયોના નેક્કેઇ અને S&P ASX200માં પણ ઘટાડો આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp