RILના રાઇટ્સ ઇશ્યૂનું ઓવરસબસ્ક્રિપ્શન થયું, બંધ થવા પહેલા 1.1 ગણો વધુ ભરાયો

PC: livemint.com

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના રાઇટ ઇશ્યૂને સોમવારે 1.1 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. રાઇટ્સ ઇશ્યૂ 3 જૂનને બુધવારે બંધ થવાના બે દિવસ અગાઉ જ આ ઇશ્યૂને શેરધારકોને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને છલકાઈ ગયો છે. ભારતની અત્યાર સુધીની ફંડ ઊભું કરવાની સૌથી મોટી પહેલ RILના રાઇટ્સ ઇશ્યૂમાં રૂ. 53,124 કરોડનું ભંડોળ ઊભું થશે. કોવિડ-19 રોગચાળાને કારણે રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન લાગુ હોવા છતાં રાઇટ્સ ઇશ્યૂને એના તમામ શેરધારકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.

શેરબજારો પર ઇશ્યૂ સબસ્ક્રિપ્શનના આંકડા દર્શાવે છે કે, સોમવારે સાંજે 5 વાગે RILના રાઇટ્સ ઇશ્યૂને પ્રાપ્ત થયેલી બિડ 46.04 કરોડ હતી, જે ઓફર થયેલા 42.26 કરોડ શેર કરતાં 8.9 ટકા વધારે હતી. જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ને 44.85 કરોડ રાઇટ્સ શેર માટે અરજી મળી છે, ત્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)ને 0.57 કરોડ અરજીઓ મળી છે. નોન-એએસબીએ બિડની સંખ્યા 0.62 કરોડ રાઇટ્સ શેરની છે (જે ‘R-WAP’ દ્વારા રજિસ્ટ્રારને મળી છે).

ઓવરસબસ્ક્રિપ્શનના આંકડા સંકેત આપે છે કે, શેરધારકો પાસે જેટલા અધિકારો છે એના કરતાં ઘણા વધારે શેરો માટે અરજી કરી રહ્યાં છે. હજુ ઇશ્યૂમાં બે દિવસ ભરણું થશે અને સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે, સુનિશ્ચિત ફાળવણી ધરાવતા આ પ્રકારનાં ઇશ્યૂઓમાં સંસ્થાગત રોકાણકારો છેલ્લાં થોડા દિવસોમાં જ રોકાણ કરે છે. એનો અર્થ એ થયો કે, રાઇટ્સ ઇશ્યૂ હજુ અનેકગણો ભરાશે. RIL મોટી સંખ્યામાં શેરધારકો ધરાવે છે. એના શેરધારકોની સંખ્યા 25.4 લાખ રિટેલ શેરધારકોથી વધારે છે તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરનાં 1700થી વધારે સંસ્થાગત રોકાણકારો કંપનીમાં રોકાણ ધરાવે છે.

સબસ્ક્રિપ્શનના ઊંચા આંકડા દર્શાવે છે કે, કંપનીના ભવિષ્યમાં દરેક કેટેગરીના શેરધારકોને વિશ્વાસ છે અને કોવિડ-19ના સમયમાં પણ પ્રમોટર તેમના માટે મૂલ્યનું સર્જન કરવા કટિબદ્ધ છે એવો ભરોસો છે. તાજેતરમાં અન્ય ઇશ્યૂઓના સરખામણીમાં RILના રાઇટ્સ ઇશ્યૂના ઓવરસબસ્ક્રિપ્શનનનો આંકડો ઘણો ઊંચો છે. એપ્રિલ-મે, 2019માં ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાના રાઇટ્સ ઇશ્યૂ 5થી 8 ટકા ઓવરસબસ્ક્રાઇબ થયો હતો. વળી આ દરેક રાઇટ્સ ઇશ્યૂની સાઇઝ RILના રાઇટ્સ ઇશ્યૂથી અડધાથી ઓછી હતી.

અગાઉ RILએ રાઇટ એન્ટાઇટલમેન્ટ (આરઇ) સ્વરૂપે સંપૂર્ણપણે નવું ટ્રેડિંગ માધ્યમ ઊભું કર્યું છે, જે પ્રીમિયમ મૂલ્યાંકન, લિક્વિડિટી અને ગુણવત્તાયુક્કત રોકાણ સાથે જોડાણ ધરાવતું હતું. રેન્યુનસિએશન ગાળા દરમયાન આરઇનું ટ્રેડિંગ ક્યારેય એનાં આંતરિક મૂલ્યથી ઓછું થયું નથી, જે ભારતીય મૂડીબજારમાં સીમાચિહ્નરૂપ સફળતા છે. એવું જોવામાં આવ્યું છે કે, તાજેતરમાં આ જ પ્રકારનાં ઇશ્યૂમાં આરઇનું ટ્રેડિંગ સરેરાશ 43 ટકા ડિસ્કાઉન્ટે થયું હતું.

જ્યારે 9 મે, શુક્રવારે RIL-આરઇનું ઓનલાઇન ટ્રેડિંગ પૂર્ણ થયું હતું, ત્યારે એના શેરધારકો માટે રૂ. 9,500 કરોડના મૂલ્યનું સર્જન થયું હતું. ત્રણ દાયકામાં RILનો પ્રથમ રાઇટ્સ ઇશ્યૂ 03 જૂન, 2020ના રોજ બંધ થશે.

કંપનીએ એના વધતા કન્ઝ્યુમર / ટેકનોલોજી વ્યવસાયોમાં સહભાગી થવા શેરધારકોને સક્ષમ બનાવવા 1:15ના રેશિયોમાં રાઇટ્સ ઇશ્યૂ રજૂ કર્યો છે. આ વ્યવસાયોમાં નવા વ્યૂહાત્મક રોકાણકારો સામેલ થયા છે. ઇશ્યૂને રોકાણકારોને સૌથી વધુ અનુકૂળ જાળવવા રૂ. 1257ની કિંમતનો રાઇટ ઇશ્યૂ ત્રણ હપ્તામાં 18 મહિનાના ગાળામાં ચુકવાશે – જેમાં 03 જૂન, 2020ના રોજ 25 ટકા, મે, 2021માં 25 ટકા અને નવેમ્બર, 2021માં 50 ટકા ચુકવણી સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp