ગિરનાર રોપ-વે: 2.3 કિમીનું અંતર 7.5 મિનિટમાં કપાશે, જાણી લો ટિકિટની કિંમત

PC: twitter.com/GujaratTourism

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગિરનાર ખાતે નવનિર્મિત રોપ-વેનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગિરનાર પર્વત પર મા અંબાનું પવિત્ર સ્થાનક છે. ત્યાં ગોરખનાથ શિખર છે, ગુરુ દત્તાત્રેય શિખર છે અને જૈન મંદિરો પણ આવેલા છે. તેમણે કહ્યું હતું કે, વિશ્વ સ્તરીય રોપ-વેનું અહીં ઉદ્ઘાટન થવાથી વધુને વધુ ભક્તો તેમજ પર્યટકો અહીં આવવા માટે આકર્ષાશે. તેમણે ઉમેર્યું હતું કે, બનાસકાંઠા, પાવાગઢ અને સાપુતારા ઉપરાંત ગુજરાતમાં આ ચોથો રોપ-વે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ રોપ-વેના કારણે હવે નવી નોકરીની તકોનું સર્જન થશે અને લોકોની આર્થિક સદ્ધરતાની તકો પણ પ્રાપ્ત થશે. લોકોને ખૂબ જ સુવિધા પૂરી પાડતી આ પ્રણાલી લાંબા સમય સુધી વિલંબમાં પડી રહી તેનાથી લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેના પર પણ તેમણે પ્રકાશ પાડ્યો હતો.

24 ઓક્ટોબર 2020ના રોજ ગિરનાર ખાતે રોપ-વેના ઉદ્ઘાટન સાથે ગુજરાત ફરી એક વખત વૈશ્વિક પર્યટનના નકશા પર ઉપસી આવશે. પ્રારંભિક તબક્કે, અહીં 25-30 કેબિન ઇન્સ્ટોલ કરવામાં આવશે જેમાં પ્રત્યેક કેબિનની ક્ષમતા 8 વ્યક્તિની રહેશે. 2.3 કિમીનું અંતર હવે માત્ર 7.5 મિનિટમાં જ આ રોપ-વેની મદદથી કાપી શકાશે. આ ઉપરાંત, રોપ-વેની મદદથી ગિરનારની પર્વતમાળા પર મનોરમ્ય હરિયાળીનો અદભૂત નજારો પણ માણી શકાશે.

આ રોપ-વે બનાવવામાં 130 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આની ટિકિટની વાત કરીએ તો રોપ-વેમાં જવા આવવાનું ભાડું મળીને 700 રૂપિયા લેવામાં આવશે. એક તરફનું ભાડું 400 રૂપિયા લેવામાં આવશે. જ્યારે 5થી 10 વર્ષના બાળક માટે જવા આવવાનું ભાડું 350 રૂપિયા લેવામાં આવશે અને પાંચ વર્ષથી નીચેની વયના બાળકોનું ભાડું લેવામાં નહીં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp