ગિરનાર રોપ-વે આ સમયે થશે શરૂ

PC: youtube.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં ગિરનાર પર્વત પરની અંબાજી ટૂક ઉપર યાત્રાળુ સુવિધાઓ વધારવાના હેતુસર જંગલ વિભાગ હસ્તકની જમીન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડને ઉપયોગ માટે આપવાનો સૈધ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની આ અંગેની દરખાસ્ત હવે નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડમાં મોકલવાની દિશામાં ગતિ લાવવા પણ મુખ્યમંત્રીએ સૂચનો કર્યા હતા.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગિરનાર રોપ-વે ની હાલ ચાલી રહેલી કામગીરી આગામી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થતાં રોપ-વે યાત્રિકો માટે શરૂ થઇ જશે. આના પરિણામે અંબાજી ટૂક ઉપર યાત્રિકોનો ઘસારો વધશે અને તેમની સુવિધા માટે પીવાના પાણીની, શૌચાલયની અને સુરક્ષા માટે ફેન્સીંગ તથા વિશ્રામ માટે ચોકની સગવડોની જરૂરિયાત ઊભી થવાની છે.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ માટે કુલ રૂ. 7 કરોડનો પ્રોજેકટ હાથ ધરાવાનો છે તે પૈકી પ્રારંભિક તબક્કે રૂ. 4 કરોડ જેવી રકમના યાત્રાળુ સુવિધા કામો માટે 0.ર78પ હેકટર ફોરેસ્ટ લેન્ડનો ઉપયોગ કરવાનો થાય છે. આ ફોરેસ્ટ લેન્ડ સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની અનૂમતિથી યાત્રાળુ સુવિધા હેતુ માટે ફાળવવાની દરખાસ્ત સેન્ટ્રલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફને મોકલવામાં આવશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે અંબાજી ટૂક ઉપર આ યાત્રાળુ સુવિધા વધારવાના પ્રોજેકટ માટે જે ફોરેસ્ટ લેન્ડ આપવાની થાય છે તેમાં કોઇ વૃક્ષ-ઝાડ કાપવાના થતા નથી. આ બેઠકમાં એવી પણ જાણકારી આપવામાં આવી હતી કે કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથેના પ્રવાસન આકર્ષણમાં જંગલ સફારીની 80 ટકા કામગીરી વન વિભાગે પૂર્ણ કરી દીધી છે.

આજે મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની આ બેઠકમાં વન પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, પોલીસ મહાનિદેશક શિવાનંદ જ્હા, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ડી. કે. શર્મા, વન્ય પ્રાણીના અગ્ર મુખ્ય વનસંરક્ષક ટીકાદર તેમજ વન વિભાગના અધિકારીઓ, વાઇલ્ડ લાઇફ બોર્ડના બિનસરકારી સભ્યો વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp