શપથ બાદ નાની બહેન બોલી ગવર્નરે CM મમતાને યાદ અપાવ્યો રાજધર્મ, CMએ પણ સંભળાવ્યું

PC: indianexpress.com

વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત પછી મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લઇ લીધી છે. ફરી એકવાર બંગાળમાં મમતા બેનર્જીના નેજામાં TMCની સરકાર બની ગઇ છે. કોરોના સંકટ કાળ અને તેની ગાઈડલાઇન્સના કારણે શપથ ગ્રહણ સમારોહ નાનો રાખવામાં આવ્યો. મમતા બેનર્જીએ જ માત્ર શપથ લીધી છે. તેમની સાથે અન્ય કોઇ મંત્રીએ શપથ લીધી નથી.

આ દરમિયાન સ્ટેજ પર મમતા બેનર્જી અને રાજ્યપાલ જગદીપ ધનખડ જ જોવા મળ્યા. બંનેએ એકબીજા સામે હાથ જોડીને અભિવાદન સ્વીકાર્યું. જોકે, ત્યાર બાદ રાજ્યપાલ અને મુખ્યમંત્રીના નિવેદનોમાં ટકરાર જોવા મળી.

શપથ લીધા પછી મમતા બેનર્જીએ કહ્યું કે, તેમની પ્રાથમિકતા કોરોના સામે લડવાની છે. હિંસાને સહન કરવામાં આવશે નહીં અને એવું કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

મમતા બેનર્જી પછી રાજ્યપાલે ચૂંટણી પછી હિંસાનો મુદ્દો ઉઠાવ્યો. મમતા બેનર્જીને પોતાની નાની બહેન ગણાવતા રાજ્યપાલે તેમને કાયદા વ્યવસ્થાના મુદ્દે સલાહ આપી. રાજ્યપાલે કહ્યું કે રાજ્યમાં કાયદા વ્યવસ્થાનું રાજ હોવું જોઇએ. આશા રહેશે કે મમતા બંધારણને અનુસરીને ચાલશે.

રાજ્યપાલની આ ટિપ્પણીનો મમતા બેનર્જીએ પણ જવાબ આપ્યો. મમતા બેનર્જીએ ચૂંટણી પંચને નિશાના પર લીધું અને કહ્યું કે અત્યાર સુધી બધું જ ચૂંટણી પંચને આધીન હતું, પંચે ઘણાં અધિકારીઓને બદલી નાખ્યા હતા. હમણાં જ મેં શપથ લીધી છે. નવેસરથી વ્યવસ્થા કરીશ.

ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે મમતા બેનર્જી અને જગદીપ ધનખડ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હોય. પાછલા કાર્યકાળમાં પણ ઘણી એવી તકો આવી હતી જ્યારે મુખ્યમંત્રી અને રાજ્યપાલ સામ સામે આવ્યા હતા. બંગાળમાં ચૂંટણી પરિણામ પછીથી જ હિંસાનો માહોલ છે અને રાજ્યપાલે મુખ્યમંત્રીને કાયદા-વ્યવસ્થાને લાગૂ કરવાની અપીલ કરી છે.

જણાવી દઇએ કે, 2 મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થયા પછી પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા શરૂ થઇ. બંગાળના જુદા જુદા જિલ્લાઓમાં લૂંટ, તોડફોડની ખબરો સામે આવી, લગભગ 10 લોકોની હત્યા કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બંગાળના રાજ્યપાલ સાથે ફોન પર વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp