બેરૂત બ્લાસ્ટમાં બરબાદ થયા અનાજના ગોડાઉન, નથી બચ્યું એક મહિનાનું પણ અનાજ

PC: timesofisrael.com

લેબનાનની રાજધાની બેરૂતમાં મંગળવારે થયેલા ભયાનક ધડાકા બાદ વધુ એક મોટી ત્રાસદી આવતી દેખાઈ રહી છે. બેરૂતના બંદરગાહ વિસ્તારમાં થયેલા ધડાકામાં 100 કરતા વધુ લોકોના મોત થઈ ચુક્યા છે અને હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે. બેરૂતથી બહારના વિસ્તારોમાં પણ હચમચાવી નાંખતા આ ધડાકા બાદ ચારેબાજુએ તબાહીનો નજારો જોવા મળી રહ્યો છે. પહેલાથી જ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા લેબનાન પર ચારેબાજુએથી મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે. ધડાકાના કારણે બંદરગાહમાં બનાવવામાં આવેલો એક વિશાળ અન્નાગાર પણ નષ્ટ થઈ ગયો છે. આ ખાદ્ય ભંડાર સમગ્ર લેબનાનનો સૌથી મોટો ભંડાર હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, હવે લેબનાનની પાસે એક મહિના કરતા પણ ઓછો સમય ચાલે એટલું જ અનાજ બચ્યું છે. બેરૂત ધડાકાની આના કરતા વધુ ખરાબ ટાઈમિંગ ના હોઈ શકે. લેબનાનના તમામ લોકો પહેલાથી જ આર્થિક સંકટને કારણે ભૂખ્યા પેટે સુવા માટે મજબૂર છે.

બેરૂતના અન્ન ભંડાર નષ્ટ થવાથી લેબનાનમાં મોટું ખાધાન્ન સંકટ ઊભું થઈ શકે છે. વિશ્લેષકોનું કહેવું છે કે, લેબનાનનું 85 ટકા અનાજ આ ભંડારમાં રાખવામાં આવ્યું હતું, એટલે કે આવનારા સમયમાં આ ધડાકાની તબાહી બેરૂતની બહાર પણ અનુભવાશે. વર્લ્ડ વિઝન NGOના ડાયરેક્ટર હાંસ બેડરસ્કીએ કહ્યું હતું કે, બંદરગાહ નષ્ટ થઈ ચુક્યુ છે અને તે બંદરગાહ આયાતના રસ્તે આવતા અનાજનું મુખ્ય માધ્યમ હતું. હવે તે ઘણા અઠવાડિયાઓ સુધી કે પછી મહિનાઓ સુધી બંધ રહેશે. તેને કારણે માત્ર બેરૂત જ નહીં પરંતુ લેબનાનના અન્ય હિસ્સાઓ પર પણ ગંભીર અસર પડશે. લેબનાન પોતાની જરૂરિયાતનું 80 ટકા અનાજ અન્ય દેશોમાંથી આયાત કરે છે, જેમાં ઘઉં સૌથી વધુ ખરીદવામાં આવે છે. ગત મહિને જ, અહીં લોટની કિંમત વધ્યા બાદ વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા.

લેબનાનના નાણા મંત્રીએ કહ્યું કે, તેમના દેશમાં એક મહિના કરતા પણ ઓછો સમય ચાલે એટલું જ અનાજ બચ્યું છે, પરંતુ ખાધાન્ન સંકટ ટાળવા માટે પર્યાપ્ત લોટ છે. નાણા મંત્રી રોલ નેહમે કહ્યું હતું કે, મંગળવારે થયેલા વિનાશકારી ધડાકા બાદ લેબનાને ઓછામાં ઓછાં ત્રણ મહિનાઓ માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂર છે. મંત્રીએ કહ્યું, અહીં ભૂખમરાનું સંકટ પેદા નહીં થશે. ઓક્ટોબર 2019થી જ અહીંના લોકો રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લેબનાનની સરકારના ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થાના કારણે અહીંની મુદ્રાની હાલત નાજુક થઈ ગઈ. એક વર્ષમાં જ માંસથી લઈને બ્રેડ સુધી ખાવા-પીવાની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે.

UN રીલિફ એન્ડ વર્ક એજન્સી ફોર ફિલીસ્તીનના પ્રવક્તા તમારા અલરિફઈએ કહ્યું, અહીં આર્થિક સંકટ છે, રાજકીય સંકટ છે, સ્વાસ્થ્ય સંકટ છે અને હવે આ ભયાનક ધડાકો. લેબનાનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, તે લેબનાનના લોકોની પરીક્ષા લઈ રહ્યું છે. લેબનાનના ગવર્નરે કહ્યું કે, ધડાકાના કારણે આશરે 3 લાખ લોકો બેઘર થઈ ગયા છે. બંદરગાહના જે વિસ્તાર ઊંચી-ઊંચી ઈમારતો અને જહાજોથી ઘેરાયેલી હતી, તે હવે કાટમાળમાં તબ્દીલ થઈ ગઈ છે, રસ્તા તૂટી ગયા છે અને તમામ ઈમારતો ધસી પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp