હમાસનો ઈઝરાયલ પર મોટો હુમલોઃ 130 રોકેટ છોડતા ભારતીય મહિલાનું મોત

PC: timesnownews.com

જેરૂશલમ સ્થિત અસ-અક્સા મસ્જિદમાં પેલેસ્તાનિઓ અને ઈઝરાયલી સુરક્ષા દળો વચ્ચે સોમવારે ઝડપ થતાં તેણે હિંસક રૂપ ધારણ કર્યું છે. તે ઘટના બાદ ફરી પેલેસ્ટાઇન અને ઈઝરાયલની વચ્ચે જંગ જોવા મળી રહી છે. બંને બાજુથી રોકેટ છોડવામાં આવી રહ્યા છે અને જેમાં ઘણાં લોકોના મોત થયા છે. હવે ખબર સામે આવી છે કે હમાસના રોકેટ હુમલામાં એક ભારતીય મહિલાનું મોત થયું છે. મહિલાનું નામ સૌમ્યા સંતોષ છે જે પાછલા 7 વર્ષથી ઈઝરાયલમાં રહેતી હતી.

ઈઝરાયલ વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે હમાસે રહેણાક વિસ્તારમાં લગભગ 130 રોકેટ છોડ્યા છે અને જેરૂસલેમમાં ભારે હિંસા ફેલાવી. આવા જ એક હુમલામાં ભારતીય મહિલા સૌમ્યા સંતોષનું પણ મોત થયું છે. ભારતમાં ઈઝરાયલના રાજદૂત ડૉ રૉન મલકાએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે અને તેમણે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. એક 9 વર્ષના બાળકે આ ક્રૂર આતંકી હુમલામાં પોતાની માતાને ગુમાવી છે.

જે સમયે આ હુમલો થયો, સૌમ્યા 80 વર્ષીય વૃદ્ધ મહિલા સાથે ઘરે હતી. સૌમ્યા એ મહિલાની કેયર ટેકર હતી અને તેનું લાંબા સમયથી ધ્યાન રાખી રહી હતી. પણ હમાસ રોકેટ હુમલામાં સૌમ્યાનું નિધન થયું. કહેવામાં આવી રહ્યું છે કે 80 વર્ષીય વૃદ્ધ મહિલા બચી ગઇ છે અને તેમને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જે સમયે આ હુમલો થયો ત્યારે સૌમ્યા વીડિયો કોલ દ્વારા પોતાના પતિ સાથે વાત કરી રહી હતી. પણ અચાનક જ આ હુમલો થયો અને વીડિયો કોલ બંધ થઇ ગયો.

ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ દ્વારા કહેવામાં આવ્યું કે હમાસે તમામ સીમાઓને પાર કરી દીધી છે અને હવે તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નિવેદન બાદ ગાઝા પટ્ટી પર ઈઝરાયલ દ્વારા પણ વળતો જવાબ આપવામાં આવ્યો હતો. હુમલામાં ઘણાં લોકોના મોત થયા હતા. ઈઝરાયલની સેનાએ દાવો કર્યો હતો કે તેમણે આ હુમલા દ્વારા ઘણાં આતંકવાદીઓને માર્યા હતા.

આ હિંસા થવા પાછળનું કારણ એ છે કે, સોમવારે જેરૂશલમ સ્થિત અલ અક્સા મસ્જિદમાં પેલેસ્ટાઇન અને ઈઝરાયલ સુરક્ષા દળ વચ્ચે ઝડપ થઇ હતી. જેમાં પેલેસ્ટાઇન પ્રદર્શનકારીઓના પથ્થરમારાના જવાબમાં ઈઝરાયલ સુરક્ષા દળોએ રબર બુલેટનો ઉપયોગ કર્યો જેમાં ડઝનો પ્રદર્શનકારીઓ ઈજાગ્રસ્ત થઇ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp