ઈરાકના મંત્રીના નિવેદનથી વધુ મોંઘુ થશે પેટ્રોલ!

PC: theweek.in

પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવથી લોકો ત્રસ્ત છે. લોકો સરકાર પાસે આશા રાખીને બેઠા છે. પરંતુ આ આશા પૂરી થવાની શક્યતા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. કારણ કે, તેલ ઉત્પાદક દેશ OPECએ એવા સંકેત આપી દીધા છે, જેને કારણે આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આગ લાગી શકે છે. હાલ, ભારતમાં પેટ્રોલ 118.59 રૂપિયે લીટર પર પહોંચી ચુક્યુ છે. રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલ આ ભાવે 21 ઓક્ટોબરે વેચાઈ રહ્યું છે. જ્યારે દિલ્હીમાં પેટ્રોલ 106.54 રૂપિયે પ્રતિ લીટર અને મુંબઈમાં 112.44 રૂપિયે લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં ડીઝલ 103.26 રૂપિયે પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે દિલ્હીમાં ડીઝલનો ભાવ 95.27 રૂપિયા પ્રતિ લીટર છે.

હાલ ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલ (બ્રેંટ) 86 ડૉલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયો છે. ઈરાકના તેલ મંત્રી એહસાન અબ્દુલ જબ્બારીએ કહ્યું કે, બ્રેંટના ભાવ 100 ડૉલર પ્રતિ બેરલને પાર જઈ શકે છે. બ્રેન્ટના ભાવ ગત એક વર્ષમાં બે ગણા થઈ ચુક્યા છે. ઈરાકના તેલ મંત્રીના નિવેદન બાદ ક્રૂડની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ OPECએ કહ્યું કે, ઉત્પાદન વધારવા પર વિચાર નથી. એટલું જ નહીં, ઠંડી વધવાની સાથે જ ક્રૂડની માંગમાં વધારો થશે. પરંતુ OPEC દેશ ડિસેમ્બર સુધી તેલનું ઉત્પાદન વધારવાના પક્ષમાં નથી. હાલ 7 વર્ષની ઊંચાઈ પર ક્રૂડના ભાવ દેખાઈ રહ્યા છે.

બીજી તરફ ક્રૂડના વધતા ભાવ પર ઓઈલ એન્ડ ગેસ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચા કરી. ક્રૂડ ઓઈલના વધતા ભાવને પગલે માત્ર પેટ્રોલ-ડીઝલ જ નહીં, પરંતુ અન્ય ઘણી બધી વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, દુનિયાના ત્રીજા સૌથી મોટા તેલ આયાતકાર ભારત પોતાની જરૂરિયાતના આશરે 85 ટકા ક્રૂડ ઓઈલ મધ્ય પૂર્વ અને ખાડી દેશો પાસેથી ખરીદે છે. હાલના દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાથી ભારતનું તેલ આયાત બિલ અનેક ગણુ વધી ગયુ છે. તેને કારણે કોરોના સંકટની વચ્ચે સરકારની મુશ્કેલી વધી છે.

ભારત પોતાની જરૂરિયાતનું ક્રૂડ ઓઈલ ઈરાક, અમેરિકા અને સાઉદી અરબ પાસેથી આયાત કરે છે. સાઉદી અરબ જ્યાં ભારત માટે પારંપરિક તેલ નિર્યાતક દેશ રહ્યો છે. હાલ સાઉદી અરબ, રશિયા અને અમેરિકા દુનિયાના સૌથી મોટા તેલ સપ્લાયર્સ છે.

થોડાં દિવસ પહેલા પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે, ઓઈલની માગ અને ઓપેક પ્લસ જેવા ઉત્પાદકો તરફથી થનારી આપૂર્તિમાં અંતર છે. એવામાં ઉત્પાદન વધારવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2020માં ડિમાન્ડ ઘટવાથી ક્રૂડ ઓઈલના ભાવ 19 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા હતા. ત્યારે તેલ નિર્યાત કરતા દેશોના સંગઠન (OPEC) તેમજ રશિયા સહિત અન્ય સહયોગી દેશોએ ઉત્પાદન ઘટાડી દીધુ હતું. હવે દુનિયાભરમાં ઈંધણની માગ ઝડપથી વધી રહી છે. તેમ છતા OPEC તેમજ સહયોગી દેશો ઉત્પાદન નથી વધારી રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp