- World
- વિદ્યાર્થીઓમાં વધતા ગુસ્સાથી ચિંતિત આ દેશની સરકારે કરી સોશિયલ મીડિયા-સ્માર્ટફોન વાપરવા પર પ્રતિબંધ મ...
વિદ્યાર્થીઓમાં વધતા ગુસ્સાથી ચિંતિત આ દેશની સરકારે કરી સોશિયલ મીડિયા-સ્માર્ટફોન વાપરવા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી
મલેશિયાની સરકાર સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના ઉપયોગ અંગે ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ માટે સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે. શાળાઓમાં હિંસક ગુનાઓ અને ગુંડાગીરીના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને મલેશિયાની સરકાર આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.
PM અનવર ઇબ્રાહિમે જણાવ્યું હતું કે, શાળાની સુરક્ષા વધારે સુરક્ષિત થઇ શકે તે માટે કેબિનેટે ત્રણ તાત્કાલિક પગલાં લેવાનો પ્રસ્તાવ આપ્યો છે. આમાંથી એક સ્માર્ટફોન પર પ્રતિબંધ છે. સરકાર સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવા તરફ આગળ વધી રહી છે.
તેમણે કહ્યું, 'અમે જોયું છે કે સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમ્સ લોકોના વર્તનને પ્રભાવિત કરી શકે છે. ક્યારેક તેઓ ગુનાહિત કૃત્યોને પણ ઉશ્કેરી શકે છે. તેથી, અમે 16 વર્ષ કે તેથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ માટે સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા તરફ આગળ વધી રહ્યા છીએ.'
'આ દરખાસ્ત પર હજુ પણ વિચારણા ચાલી રહી છે, પરંતુ ઘણા દેશો એવા છે કે જેઓ પહેલાથી જ આવા નિયમો લાગુ કરી દીધા છે.' મલેશિયામાં યુવાનોમાં ઓનલાઈન હિંસા, સાયબર ધમકી અને નકારાત્મક સોશિયલ મીડિયા પ્રભાવમાં વધારો થવાની ચિંતા વધી રહી છે. આને ધ્યાનમાં રાખીને, સરકારે આ પગલાં લેવાનું નક્કી કર્યું છે.
મલેશિયાની સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ પર eKYC પણ લાગુ કરવા માંગે છે. આનાથી સગીરવયના બાળકોને ઓળખી શકાશે અને તેમને સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવાથી રોકી શકાશે. સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના કારણે બાળકોના વર્તન પર પડી રહેલી અસર મલેશિયામાં એક મુખ્ય મુદ્દો છે.
મીડિયા સૂત્રોના અહેવાલો સૂચવે છે કે, મોટી સંખ્યામાં મલેશિયનો બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગને પ્રતિબંધિત કરવા માંગે છે. જોકે, સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવા અંગે લોકોના મંતવ્યો અલગ અલગ આવ્યા છે. ઇપ્સોસ મલેશિયા એજ્યુકેશન મોનિટર 2025 સર્વે અનુસાર, 10 માંથી 7 મલેશિયનો 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગને પ્રતિબંધિત કરવાનું સમર્થન કરે છે.
સર્વે મુજબ, વૈશ્વિક ઉત્તરદાતાઓમાંથી 71 ટકા અને મલેશિયનોના 72 ટકા લોકો સંમત થયા હતા કે, સોશિયલ મીડિયાની અસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે અને તેના પર અંકુશ લગાવવો જરૂરી છે.

