- World
- કર્મચારીથી ભૂલથી તૂટી ગઈ ₹1.24 કરોડની બંગડીઓ, પણ માલિકે એવું કર્યું કે તમે કહેશો વાહ
કર્મચારીથી ભૂલથી તૂટી ગઈ ₹1.24 કરોડની બંગડીઓ, પણ માલિકે એવું કર્યું કે તમે કહેશો વાહ
દુનિયામાં જ્યાં નાની ભૂલ માટે લોકો નોકરી ગુમાવી દે છે અને ભારે દંડ પણ ભોગવે છે, ત્યાં ચીનના એક દુકાનદારે માણસાઈનું અદભૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઝિયાંગ્સૂ પ્રાંતના સૂજોમાં આવેલી એક ઘરેણાની દુકાનમાં બનેલી આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
માહિતી મુજબ, દુકાનમાં કામ કરતો એક કર્મચારી ટેબલ હલાવતાં ભૂલથી ઝેડની બંગડીઓનો ડબ્બો નીચે પાડીને બેઠો. ડબ્બામાં લગભગ 50 બંગડીઓ હતી, જેમાંથી 30 તૂટી ગઈ. આ બંગડીઓ અતિ દુર્લભ અને કિંમતી હોવાથી કુલ નુકસાન દસ લાખ યુઆન — એટલે કે આશરે ₹1.24 કરોડ જેટલું થયું. સૌથી મોટી વાત એ હતી કે બંગડીઓનો કોઈ વીમો પણ નહોતો. દુકાનમાં હાજર સૌને લાગ્યું કે હવે કર્મચારીની નોકરી જશે અને કદાચ તેને ભારે વળતર પણ ચૂકવવું પડશે.
પરંતુ દુકાનના માલિક ચેંગે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. તેમણે ન તો કર્મચારી પર ગુસ્સો કર્યો, ન તો તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. ઉલટું, તેમણે આખી ભૂલની જવાબદારી પોતાની માથે લીધી અને કહ્યું કે, “મેં જ તેને બંગડીઓ રાખવા કહ્યું હતું. યુવાન છે, ઉતાવળમાં આવી ભૂલ થઈ ગઈ હશે.”

ચેંગે કર્મચારીને ધીરજ આપતાં કહ્યું કે આવી ઘટનાઓમાંથી શીખ લેવી જોઈએ. તેમના શબ્દોમાં, “પૈસા પાછા કમાઈ શકાય છે, પરંતુ જો વિશ્વાસ અને માણસાઈ તૂટી જાય, તો તેને પાછું લાવવું અશક્ય છે. દરેક માણસ ભૂલ કરે છે — મહત્વનું એ છે કે આપણે કેવી રીતે પ્રતિભાવ આપીએ.”
ચેંગની આ ઉદારતા અને સહાનુભૂતિ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. હજારો લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આવી ઘટના આજના સમયમાં માણસાઈ પરનો વિશ્વાસ ફરી જીવંત કરે છે.

