- World
- આ 3 દેશના પ્રવાસ કરવાનું ટાળવા ભારત સરકારે સલાહ આપી
આ 3 દેશના પ્રવાસ કરવાનું ટાળવા ભારત સરકારે સલાહ આપી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ 17 મેના રોજ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગો (DRC) અને યુગાન્ડામાં ફેલાઈ રહેલા ઈબોલાના પ્રકોપને સત્તાવાર રીતે હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. આ વૈશ્વિક પ્રતિક્રિયાઓ બાદ હવે ભારત સરકારે પણ પોતાના નાગરિકો માટે એક ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે.
ઇબોલા વાયરસના અત્યંત દુર્લભ 'બુંદિબુગ્યો' (Bundibugyo) સ્ટ્રેનને કારણે આ પ્રકોપ ફેલાયો છે, જેના માટે હાલમાં કોઈ માન્ય રસી કે ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી. ડીઆરસીના ત્રણ પ્રાંતોમાં અત્યાર સુધીમાં 867 શંકાસ્પદ કેસોમાંથી 204 લોકોના મોત નોંધાયા છે. વર્ષ 2014 થી 2016 દરમિયાન પશ્ચિમ આફ્રિકામાં ફેલાયેલા ઈબોલાના પ્રકોપ પછીના ઈતિહાસમાં આ બીજા નંબરનો સૌથી મોટો ઈબોલા પ્રકોપ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી અનુસાર, ભારત સરકારે તમામ ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગો (DRC), યુગાન્ડા અને દક્ષિણ સુદાનનો બિન-જરૂરી પ્રવાસ ટાળવાની સલાહ આપી છે. આ દેશોમાં હાલમાં રહેતા અથવા મુસાફરી કરી રહેલા ભારતીય નાગરિકોને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલ જાહેર આરોગ્ય માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરવા અને અત્યંત સાવચેતી રાખવા જણાવાયું છે.
ભારતમાં બુંદિબુગ્યો વાયરસ સ્ટ્રેનને કારણે ઇબોલા રોગનો એકપણ કેસ નોંધાયો નથી. બીજી તરફ, આફ્રિકા સીડીસી (Africa CDC) એ પણ પ્રભાવિત વિસ્તારોમાં સોમવાર સુધીમાં આશરે 20 ટન તબીબી સામગ્રી પહોંચાડવા માટે ભારત સાથે ભાગીદારીની જાહેરાત કરી છે.
શું છે આ બુંદિબુગ્યો સ્ટ્રેન અને તે શા માટે આટલો જોખમી છે?
ઇબોલા રોગ એ ઇબોલા વાયરસના 'બુંદિબુગ્યો સ્ટ્રેન' ના ચેપને કારણે થતો વાયરલ હેમરેજિક ફીવર (લોહી વહેવા વાળો તાવ) છે. તે ઉચ્ચ મૃત્યુદર ધરાવતી એક ગંભીર બીમારી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ ચોક્કસ સ્ટ્રેનને રોકવા કે તેની સારવાર કરવા માટે કોઈ રસી અથવા ચોક્કસ દવાઓ મંજૂર કરવામાં આવી નથી. આથી તેના ફેલાવાને રોકવા માટે આરોગ્ય સત્તાવાળાઓએ સંપૂર્ણપણે જાહેર આરોગ્યના સામાન્ય પગલાંઓ પર જ નિર્ભર રહેવું પડે છે.
આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર-જનરલ જીન કાસેયાએ આ પરિસ્થિતિને ગંભીર શબ્દોમાં વર્ણવતા કહ્યું કે, ‘આ એવું છે જાણે તમે એક સૈનિક છો અને દારૂગોળા વગર લડવા માટે સરહદ પર જાઓ છો. અમારે માત્ર જાહેર આરોગ્યના ઉપાયો પર જ નિર્ભર રહેવું પડશે.’
કાસેયાએ વધુમાં જણાવ્યું હતું કે, અન્ય ઇબોલા સ્ટ્રેન માટે વિકસાવવામાં આવેલી હાલની રસીઓ આ સ્ટ્રેન સામે આંશિક સુરક્ષા પણ આપી શકશે તેવી આશાઓ તાજેતરના અઠવાડિયામાં ધૂંધળી થઈ ગઈ છે.

મૃત્યુઆંક વધીને 204 થયો; દેખરેખના અભાવને 'ચિંતાજનક' ગણાવાયો
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગોના સત્તાવાળાઓએ શુક્રવાર સુધીમાં 91 પુષ્ટિ થયેલા ઇબોલા ચેપ, 867 શંકાસ્પદ કેસ અને 204 સંભવિત મોતોની માહિતી આપી છે. આ પ્રકોપની ગતિ સતત તેજ થઈ રહી છે: શુક્રવારે WHO દ્વારા પ્રકાશિત કરાયેલા અગાઉના આંકડામાં 750 શંકાસ્પદ કેસોમાંથી 177 લોકોના મોત નોંધાયા હતા, પરંતુ આ આંકડો ગણતરીના કલાકોમાં જ 27 જેટલો વધી ગયો હતો.
આરોગ્ય કર્મચારીઓ હાલમાં દેખરેખ હેઠળ રહેલા 1,745 ઓળખાયેલા સંપર્કો (કાન્ટેક્ટ્સ) માંથી માત્ર પાંચમા ભાગના (20%) લોકોનો જ પતો લગાવી શક્યા છે, જેને અધિકારીઓએ ‘ચિંતાજનક’ ગણાવ્યો છે. કોંગોના પરિવહન મંત્રાલયે યુગાન્ડાની સરહદ નજીક ઇતુરી પ્રાંતમાં આવેલા આ પ્રકોપના મુખ્ય કેન્દ્ર એવા બુનિયા (Bunia) તરફની તમામ કોમર્શિયલ, ખાનગી અને સ્પેશિયલ ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે, જો કે માનવતાવાદી અને તબીબી ફ્લાઇટ્સને હજુ પણ વિશેષ મંજૂરી મળી શકે છે.
યુગાન્ડામાં આ પ્રકોપ સાથે જોડાયેલા ઇબોલાના 5 પુષ્ટિ થયેલા કેસો નોંધાયા છે, અને ડીઆરસીમાં રેડ ક્રોસના ત્રણ સ્વયંસેવકોના મોત થયા છે. શનિવારે યુગાન્ડામાં વધુ 3 નવા કેસોની પુષ્ટિ થઈ હતી.
આફ્રિકાના 10 દેશો પર જોખમ: આફ્રિકા સીડીસી
આફ્રિકન યુનિયનની આરોગ્ય એજન્સીએ શનિવારે ચેતવણી આપી હતી કે આ વાયરસ ડીઆરસી અને યુગાન્ડા સિવાય અન્ય ઓછામાં ઓછા દસ દેશો માટે મોટું જોખમ ઊભું કરી શકે છે. કાસેયાએ જણાવ્યું કે, ‘અમારી યાદીમાં 10 દેશો જોખમ હેઠળ છે,’ જેમાં અંગોલા, બુરુન્ડી, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, રિપબ્લિક ઓફ કોંગો, ઇથોપિયા, કેન્યા, રવાન્ડા, દક્ષિણ સુદાન, તાંઝાનિયા અને ઝામ્બિયાનો સમાવેશ થાય છે.
આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા આ પ્રકોપને સત્તાવાર રીતે 'ખંડીય સુરક્ષાની જાહેર આરોગ્ય જાહેર કરવામાં આવી છે.
કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનના આરોગ્ય પ્રધાનોએ આફ્રિકા સીડીસી અને ડબ્લ્યુએચઓ (WHO) ના અધિકારીઓ સાથે કંપાલામાં સરહદ પારના સંકલન માટે બેઠક યોજ્યા બાદ પ્રાદેશિક ચિંતા વધુ ઘેરી બની છે. એક સંયુક્ત નિવેદનમાં, આ દેશોએ ચેતવણી આપી હતી કે નબળી સરહદો, ખાણકામ અને વેપાર કોરિડોર, માનવતાવાદી કટોકટી અને વસ્તીનું વિસ્થાપન પૂર્વ અને મધ્ય આફ્રિકામાં વાયરસના વ્યાપક ફેલાવાનું જોખમ વધારી રહ્યા છે.

