- World
- 20 વીઘા જમીન વેચીને દીકરાને MBBS કરવા રશિયા મોકલ્યો હતો! હવે કોફીનમાં ઘરે આવશે
20 વીઘા જમીન વેચીને દીકરાને MBBS કરવા રશિયા મોકલ્યો હતો! હવે કોફીનમાં ઘરે આવશે
રશિયામાં MBBSનો અભ્યાસ કરી રહેલા એક ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ નદીમાં મળી આવ્યો છે. તે છેલ્લા 19 દિવસથી ગુમ હતો. તેના પરિવારને ગુરુવાર 6 નવેમ્બરના રોજ તેના મૃત્યુની જાણકારી મળી. એવું કહેવાય છે કે પરિવારે ખૂબ જ મુશ્કેલીથી પૈસા બચાવીને તેને સારા ભવિષ્ય માટે રશિયા મોકલ્યો હતો. તેના મૃત્યુના સમાચારથી પરિવારની આશાઓ પણ તૂટી ગઈ છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા જીતેન્દ્ર સિંહે વિદ્યાર્થીના મૃત્યુની જાણકારી આપતા કહ્યું કે તેનું નામ અજીત સિંહ ચૌધરી છે. તે રાજસ્થાનના અલવર જિલ્લાના લક્ષ્મણગઢના કફનવાડા ગામનો રહેવાસી હતો. તે રશિયાના ઉફામાં બશ્કિર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં MBBSનો ત્રીજા વર્ષનો વિદ્યાર્થી હતો. જીતેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, તે દિવાળીના દિવસથી ગુમ હતો.
https://twitter.com/JitendraSAlwar/status/1986420129497030734
તેમણે X પર પોસ્ટ કરતા કહ્યું કે, અજીતના પરિવારે તેને ખૂબ જ આશા અને મહેનત સાથે પૈસા એકત્ર કરીને MBBSનો અભ્યાસ કરવા માટે રશિયા મોકલ્યો હતો. અજીતના કપડાં, મોબાઇલ ફોન અને શૂઝ લગભગ 19 દિવસ અગાઉ નદી કિનારે મળી આવ્યા હતા. તેના ગુમ થવાના સમાચાર સાંભળીને પરિવાર ખૂબ જ દુઃખી થઇ ગયો હતો અને તેના સારો અને સ્વસ્થ હોય તેના માટે પ્રાર્થના કરી રહ્યો હતો. અજીતના કાકા અને પરિવારના અન્ય સભ્યોએ મારી સાથે મુલાકાત કરી હતી. અમે રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારના માધ્યમથી બશ્કિર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી અને સ્થાનિક પોલીસનો સંપર્ક કરીને ફિડબેક મેળવ્યું હતું. આજે નદીમાં અજીતનો મૃતદેહ મળી આવ્યો હોવાના સમાચાર ખૂબ જ પરેશાન કરનારા છે. આ પરિવાર માટે ખૂબ જ દુઃખની ક્ષણ છે. આપણે શંકાસ્પદ સંજોગોમાં એક આશાસ્પદ યુવાનને ગુમાવી દીધો છે.

કોંગ્રેસ નેતાએ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરને અજીતના મૃતદેહને ભારત પરત લાવવા અપીલ કરી. તેમણે આ મામલાની તપાસની પણ માગ કરી અને કહ્યું કે તેઓ ઇચ્છે છે કે વિદ્યાર્થીના પરિવારને વિદેશ મંત્રાલયની ઓફિસોમાં દોડાદોડ ન કરવું પડે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, અજીતના પરિવારે તેને રશિયા મોકલવા માટે પૈસા એકઠા કરવા માટે 20 વીઘા જમીન વેચી દીધી હતી, પરંતુ તેના મૃત્યુના સમાચારથી પરિવારમાં ભારે તૂટી ગયો છે. અહેવાલમાં અધિકારીઓના સંદર્ભે કહેવામાં આવ્યું છે કે રશિયામાં મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પ્રક્રિયામાં 2 દિવસ લાગવાની ધારણા છે. ત્યારબાદ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ભારત પરત મોકલવામાં આવશે.

