ગુજરાતમાં BJPના બે નેતાની હત્યાના ષડયંત્ર મામલે જાણો પ્રદીપસિંહે શું કહ્યું

PC: dnaindia.com

ગુજરાતમાં ભાજપના બે નેતાની હત્યા કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. અમદાવાદની હોટલમાંથી ATS દ્વારા પકડવામાં આવેલા આરોપીની પૂછપરછમાં આ ખુલાસો થયો હતો. પકડાયેલો આરોપી છોટા શકીલનો ગેંગનો સાગરિત હોવાનું પણ પોલીસની પૂછપરછમાં સામે આવ્યુ છે. જો કે, આ સમગ્ર મામલે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આરોપીના મોબાઈલમાંથી રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાનું નામ જાણવા મળ્યું છે અને આગળની તપાસ ચાલુ છે.

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમારા એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડના અધિકારીઓએ બાતમી મળી હતી કે, છોટા શકીલ ગેંગ 2 શાર્પ શૂટર ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ પર હુમલો કરવા માટે આવી રહ્યા છે. આવી માહિતી મળતા અમદાવાદ રીલીફ રોડની હોટલ વિનસ હોટેલમાં અમારા ATSના DIG, SSP અને DySP દ્વારા તે જગ્યા પર ઘેરાબંધી કરીને મોડી રાત્રે તપાસ કરતા બે શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યા હતા. આ વ્યક્તિઓ પાસે કમરના ભાગમાં એક લોડેડ રિવૉલ્વર તેમની પાસે હતી. એક ઈસમોને પકડવા જતાં તેમને પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અધિકારીઓએ પ્રતિકાર કરતામાં બંદૂકનું નિશાન ચૂકી ગયું હતું અને ગોળી છતના ભાગે વાગી હતી. ત્યારબાદ પોલીસ અધિકારીએ એક ઈસમની ધરપકડ કરી હતી અને પછી તેની વિશેષ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે છોટા શકીલની ગેંગ સાથે સંકડાયેલો છે અને તે બંને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર હુમલો કરવા માટે જ અહીં આવ્યા હતા. હાલ પોલીસે સમગ્ર મામલે એક વ્યક્તિની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી કરી છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજકીય નેતાઓ પર હુમલા કરવા બાબતે વખતો વખત આપણને માહિતી મળતી હોય છે. આ માહિતીના આધારે ATS, ક્રાઇમ બ્રાન્ચ અને SOG સંયુક્ત કામગીરી કરતા હોય છે. ગુજરાત પોલીસની સતર્કતાને કારણે આપણે આ ષડયંત્રને નિષ્ફળ કરવામાં સફળ રહ્યા છે. આરોપી પાસેથી મળેલા મોબાઈલની ટેકનિકલ માહિતીના આધારે ગોરધન ઝડફિયા પર હુમલો થવાનો હતો. અન્ય વિગતો મળી છે તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે. હાલ આરોપીના મોબાઈલમાંથી અમને ભાજપના નેતા ગોરધન ઝડફિયાનું નામ જ મળ્યું છે.

આરોપીની ATS દ્વારા પૂછપરછ કર્યા પછી અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવાની બાકી છે. તે વ્યક્તિ પકડાયા પછી જાણવા મળશે કે, બંનેના મનસૂબા શુ હતા. આ સમગ્ર મામલે તપાસના અંતે જવાબ આપી શકાશે. ગોરધન ઝડફિયા રાજ્યના પૂર્વ ગૃહમંત્રી રહ્યા છે. તેઓ આજે સવારે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સાથે સોમનાથમાં કાર્યક્રમ હતા. આ બાબતે મારે ગોરધન ઝડફિયા સાથે વાત થઇ છે અને રાજ્યના DGPને તેમની સુરક્ષામાં વધારો કરવા બાબતની પણ સૂચના આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp