માતૃભાષા દિવસ અને માતૃભાષા આંદોલન

21 Feb, 2017
12:00 AM

અંકિત દેસાઈ

PC: printrest.com

આજે માતૃભાષા દિવસે માતૃભાષા કે પ્રાદેશિક ભાષાના મહત્ત્વ વિશેની ચર્ચા થવી જ જોઈએ અને ફેસબુકથી લઈ અખબારો સુધી એની ચર્ચા થઈ જ હશે, એટલે આપણે આ બાબતે આપણું મંતવ્ય દર્શાવવું નથી. કે નથી તો એવા કોઇ ઉદાહરણો આપવા કે, જુઓ બંગાળીઓ તો માતૃભાષા બાબતે આવા સજાગ છે કે, રશિયનોને એમની ભાષા પ્રત્યે આવો લગાવ છે. ગુજરાતીઓને પણ એમની માતૃભાષા માટે એટલો જ આદર અને લગાવ છે, જેટલો અન્ય કોઇ પણ પ્રજાને એમની માતૃભાષા બાબતે છે. એટલે જ તો બાણશૈયા પર સૂતેલો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ એકવીસમી સદીના બીજા દાયકામાં ફરી બેઠો થયો અને સરેરાશ દર અઠવાડિયે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. યાદ રહે ફિલ્મની ગુણવત્તા વિશેની ચર્ચા અલગ મુદ્દો છે, એટલે વાંકદેખાઓ હૂપાહૂપ નહીં કરે!

અને ગુજરાતી ફિલ્મો જ શું કામ, અમેરિકા હોય કે લંડન કે પછી વિશ્વનો કોઈ અન્ય દેશ હોય ત્યાં મોરારી બાપુની કથા, માયાભાઈ- કિર્તિદાન ગઢવીના ડાયરા, જય વસાવડા કે કાજલ ઓઝા-વૈદ્ય જેવા આપણા લેખકોના લેકચર્સ, અનિલ ચાવડા, તુષાર શુક્લ, અંકિત ત્રિવેદી જેવા કવિઓના મુશાયરા, સંચાલન અને પાર્થિવ ગોહિલ, પ્રહર વોરા કે ગાર્ગી વોરાના ગુજરાતી સુગમ સંગીતના છાશવારે થતા રહેતા અને હંમેશાં હાઉસફૂલ રહેતા કાર્યક્રમો ગુજરાતીઓના માતૃભાષા પ્રેમનું ઉદાહરણ નથી તો શું છે?

અલબત્ત, કેટલાક લોકોને એવી ફરિયાદ હોવાની કે, ગુજરાતીઓ ઝાઝું વાંચતા નથી અને એ વાત સાચી જ છે. પણ એની પાછળ બે કારણ જવાબદાર છે. પહેલું કારણ એ કે દુનિયાભરમાં ખૂબ ફરતા અને ઉત્તમ ફિલ્મો જોતા ગુજરાતીઓએ જે વાંચવું છે એ આપણે આપી શકતા નથી. અચંબામાં પાડી દે એવું સાયન્સ કે ક્રાઈમ ફિક્શન તો ઠીક સામાજિક નવલકથાઓને નામે લખાતી નવલકથાઓમાં પણ એકલ-દોકલને બાદ કરતા સમાજના મૂળભૂત પ્રશ્નોની સદંતર ગેરહાજરી જણાય છે. અને સાહિત્ય સંદર્ભના ગ્લેમરસ લિટરેચર ફેસ્ટિવલ્સ દલિત અત્યાચાર કે રાજ્યવ્યાપી આંદોલનો દરમિયાન સરકારે લીધેલા તુઘલકી નિર્ણયોની ચર્ચા તો ઠીક એ વિશે હરફ સુદ્ધાં નથી ઉચ્ચારાતો.

વળી, એવુંય ડંકાની ચોટે નહીં કહી શકાય કે, ગુજરાતીમાં કશું જ અદ્દભુત લખાતું નથી. ઓછું તો ઓછું, પણ જે કંઈ ઉત્તમ કામ થાય છે એ કામને લોકો સુધી પહોંચાડવા માટે પ્રોડક્ટ (હા, પ્રોડક્ટ!)ને જે ફિનિશિંગ, જે પેકેજિંગ અને જે માધ્યમોમાં પીરસાવી જોઈએ એ બાબતે લેખકો અને પ્રકાશકો અથવા વાચકો સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં જે કોઈ ઈનવોલ્વ હોય એ સૌએ ગંભીરતાથી વિચારવું રહ્યું. પરંપરાગત માધ્યમો કે પરંપરાગત પદ્ધતિઓને તિલાંજલિ આપીને નવા માધ્યમો અને નવી પદ્ધતિઓનો સ્વીકાર થાય તો અમસ્તુય બધુ લોકો સુધી પહોંચવાનું, લોકો એ વાંચવાના અને ગમે તો વખાણવાના પણપરંતુ આ માટે હવાડાએ નહીં, કૂવાએ તૈયારી દાખવવી રહી. અને પાડાને વાંકે પખાલીને ડામ આપવાની વૃત્તિ છોડવી રહી.

બાય ધ વે આ લેખમાં શરૂઆતમાં જે ડહાપણ કરાયું છે અને પછી જે દોઢડહાપણ કરાયું છે એ તરફ ધ્યાન ગયું? પહેલા જ ફકરામાં એવું સ્પષ્ટ કરાયું છે આપણે કશું મંતવ્ય નથી આપવું. અને એ લાઇન પછી અત્યાર સુધીની તમામ લાઈન્સમાં કોણે શું કરવું જોઈએ એનું ડહાપણ ડહોળવામાં આવ્યું છે. ખીખીખીઆ જ તો તકલીફ છે આપણા સૌની. આપણે પોતે કશું કરવું નથી, પણ બીજાએ શું કરવું જોઈએ એની સલાહ લોકોના કાઠલા ઝાલીને આપવી છે. સોરી

આજના આ દિવસે માતૃભાષા દિવસ કેમ ઉજવાય છે એ તરફ પણ આછડતી નજર કરવી રહી. યુનેસ્કોએ વર્ષ 1999થી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી શરૂ કરેલી, પરંતુ એના મૂળિયાં છેક 1947ના ભારત-પાકિસ્તાન વિભાજન સાથે જોડાયેલા છે. મહોમ્મદ અલી ઝીણા એન્ડ કંપનીએ ધર્મને આધારે ભાગલા તો પડાવ્યા, પરંતુ જે પ્રજા સાંસ્કૃતિક રીતે પૂરેપૂરી ભારતીય હતી એ પ્રજા આ અણધણ ગોઠવણમાં સુખી ન થઈ શકી. પાકિસ્તાનમાં આજે જે અશાંતિ છે એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક ધર્મને આધારે થયેલું વિભાજન જ જવાબદાર છે, જોકે પાકિસ્તાનની હાલની સ્થિતિની વાત અહીં અસ્થાને છે. આપણે વાત કરવાની હતી માતૃભાષા દિવસ સંદર્ભની.

બાંગ્લાદેશ છૂટું પડ્યું એ પહેલા એ પ્રદેશ પાકિસ્તાની હુકુમતનો ભાગ હતો અને એ પૂર્વ પાકિસ્તાનને નામે ઓળખાતો એ વિશે બધા માહિતગાર છે. પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચે ભૌગોલિક દૂરી તો હતી જ, પરંતુ ભાષા અને સંસ્કૃતિની બાબતે પણ એ બે ટુકડાઓ વચ્ચે અત્યંત વિરોધાભાસ હતો. માઈગ્રેર્સને બાદ કરતા પૂર્વ પાકિસ્તાનની મોટાભાગની પ્રજા બંગાળીભાષી હતી અને એમની લાઈફસ્ટાઈલ પણ પશ્ચિમ પાકિસ્તાનના લોકોથી સાવ જુદી હતી. બીજી તરફ પાકિસ્તાનનું સંપૂર્ણ સંચાલન કરાચી- પશ્ચિમ પાકિસ્તાનથી થતું અને પશ્ચિમ પાકિસ્તાનમાં ઉર્દૂને વધુ પ્રાધાન્ય અપાતું. આ કારણે જ ઉર્દૂને સમગ્ર પાકિસ્તાનની રાષ્ટ્રીય ભાષા જાહેર કરવામાં આવી અને રાજ્યનો બધો વ્યવહાર ઉર્દૂમાં શરૂ કરાયો. આ તો ઠીક પૂર્વ પાકિસ્તાનની સ્કૂલ-કોલેજોમાં પણ બંગાળીને હાંસિયામાં ધકેલીને ઉર્દૂના શિક્ષણ પર વધુ વજન અપાયું, જેને કારણે બોલચાલની ભાષાથી લઈ, સરકારી કાગળો, સાહિત્ય કે અન્ય અનેક બાબતોમાં બંગાળી ભાષા પર આધાર રાખતા પૂર્વ પાકિસ્તાનના લોકો મુશ્કેલીમાં મૂકાયા અને સમગ્ર પૂર્વ પાકિસ્તાનમાં ભયંકર અવ્યવસ્થા અને અરાજકતા સર્જાઈ.

આ બાબતને લઈને પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશમાં અનેક ઠેકાણે આંદોલનો શરૂ થયાં અને લોકોએ પાકિસ્તાની સરકારના શિંગડામાં શિંગડા ભેરવવાનું શરૂ કર્યું. આ સાથે જ પૂર્વ પાકિસ્તાનના સામાન્ય લોકો અને સરકાર વચ્ચે ઘર્ષણો શરૂ થયાં અને વર્ષ 1952 સુધીમાં તો આ ઘર્ષણ ચરમસીમાએ પહોંચ્યું. માત્ર ઉર્દૂ જ નહીં, પરંતુ બંગાળી ભાષાને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો અપાવવા માટે હવે પૂર્વ પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ મેદાને પડ્યા હતા, જેમાં ઢંકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મોખરે હતા.

પાછલા વર્ષોમાં પણ ઢાંકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અનેક પ્રદર્શનો કર્યા હતા, પરંતુ 1952 આવતા સુધીમાં ઢાંકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું આંદોલન ચરમસીમાએ પહોંચ્યું હતું. ફેબ્રુઆરી 1952મા વિદ્યાર્થીઓએ પાકિસ્તાનની સરકાર સામે ઉગ્ર દેખાવો કરેલા અને 21મી ફેબ્રુઆરીએ ઢાંકા યુનિવર્સિટીના કેમ્પ્સમાં વિરોધ પ્રર્શનનો કાર્યક્રમ રાખેલો. વિદ્યાર્થીઓની માગ અને એમની હરકતોથી ગિન્નાયેલી પાકિસ્તાન સરકારે 20 ફેબ્રુઆરી 1952ના દિવસે જ 144ની કલમ લાગું પાડી દીધી હતી. જોકે સરકારના આ પગલાને કારણે વિદ્યાર્થીઓ વધુ ગુસ્સે ભરાયા અને એમણે 21મી ફ્રેબ્રુઆરીએ ઈસ પાર યા ઉસ પારનો જંગ છેડી દીધો.

આ કારણે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ભિષણ ઘર્ષણ થયું અને પોલીસે ફાયરિંગ શરૂ કર્યું, જેમાં કેટલાક વિદ્યાર્થી નેતાઓ શહીદ થયા, જેને કારણે ઢાંકા શહેર નહીં, પણ સમગ્ર પૂર્વ પાકિસ્તાન ભળકે બળ્યું. જોકે પૂર્વ પાકિસ્તાનના લોકોની માતૃભાષાને રાષ્ટ્રીય ભાષા બનાવવાની લડાઈ ત્યાર પછી પણ ચાલતી જ રહી અને છેક 1956મા પાકિસ્તાનના બંધારણમાં સુધારો કરીને બંગાળીને પાકિસ્તાનની બીજી સત્તાવાર રાષ્ટ્રીય ભાષા તરીકે જાહેર કરવામાં આવી. પરંતુ 21 ફેબ્રુઆરી 1952ના રોજ માતૃભાષાના કાજે શહીદ થયેલા યુવાનોની યાદમાં બાંગ્લાદેશમાં આ દિવસને ભાષા આંદોલન દિવસઅથવા બંગાળી ભાષા આંદોલન દિવસતરીકે ઉજવવામાં આવતો હતો, જેને પાછળથી યુનેસ્કોએ પણ સ્વીકૃતિ આપી અને માતૃભાષાઓનું સંવર્ધન અને એના પ્રચારને ધ્યાનમાં રાખતા વિશ્વ સ્તરે આ દિવસની ઉજવણી શરૂ કરી. બાંગ્લાદેશમાં તો આજના દિવસે જાહેર રજા પણ હોય છે.  

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.