શાળાની ફી અંગે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત

PC: facebook.com/imBhupendrasinh

કોરોના વાયરસના કારણે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું છે. લોકડાઉનમાં રાજ્યની શાળા અને કોલેજોને બંધ રાખવામાં આવી છે પરંતુ બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યમાં લોકડાઉનના ચોથા તબક્કામ નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા વિસ્તારોમાં ધંધા અને ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યા છે પરંતુ રાજ્યમાં શાળા અને કોલેજો ક્યારે શરૂ થશે તે બાબતે કોઈ પણ પ્રકારની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. લોકડાઉનમાં શાળાઓની ફીને લઇને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રીના આ નિર્ણયથી લોકડાઉનમાં લોકોને ઘણી રાહત મળી રહેશે. કારણે કે, વાલીઓ પર પણ શાળા દ્વારા ચાલુ વર્ષની ફીની ઉઘરાણીને લઈને કોઈ પ્રેસર કરવામાં આવશે નહીં. લોકડાઉનમાં બે મહિના ધંધા-રોજગાર બંધ રહેતા વાલીઓ પણ બાળકોની શાળાની ફીને લઇને ચિંતિત બન્યા હતા.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, આ વર્ષની ફીમાં વધારો નહીં કરવાનો અને બધા સંચાલકો પણ આ બાબતે મંજૂર થયા છે. ચાલુ વર્ષની ફી ભરવાની પઠાણી ઉઘરાણી કરવાની નહીં. વાલી ચાલુ વર્ષથી ફી સપ્ટેમ્બર સુધીમાં ભરી શકે છે અને જે એક સાથે ફી લેતા હતા તેની જગ્યા પર ફી મંથલી લેવામાં આવે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, કેટલી અવધી પછી શાળા શરૂ કરી શકાશે તે અત્યારે કહી શકાય નહીં. પણ સર્વ સંમતિ લઈને શાળા શરૂ કરીશું. બાળકોના સ્વાસ્થ્યના ભોગે શાળાઓ શરૂ કરવામાં આવશે નહીં. બાળકોનું હિત, તેના વાલીનું મંતવ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવશે પરંતુ ક્યારે શાળાઓ શરૂ થશે તે કહેવું મુશ્કેલ છે. પહેલા ધોરણનું બાળક હોય કે, કોલેજનું બાળક હોય તેના સ્વાસ્થ્યનું હિત ધ્યાનમાં રાખીને પરિસ્થિતિની ચકાસણી કરીને, એકથી વધારે ચર્ચા કરીને અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન ધ્યાનમાં રાખીને નિર્ણય કરીશું.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉન વચ્ચે પણ કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને ફી ભરવા, પુસ્તકો કે, યુનિફોર્મ શાળામાંથી જ લેવા બાબતેના મેસેજ મોકલવામાં આવે છે. તો કેટલીક શાળાઓ દ્વારા તો નવું સત્ર શરૂ થયું નથી તે પહેલાથી જ વાલીઓ પાસેથી ફીની ઉઘરાણી શરૂ દેવામાં આવી છે. આ બાબતે વાલીઓ શિક્ષણ સચિવને પણ રજૂઆત કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp