લોન લેવા માંગતા હો તો આ રહી ટેન ગોલ્ડન ટીપ્સ

આમ તો ગુજરાતીમાં લોનને આપણે ઉંધેથી વાંચીએ તો તેનો મતલબ થાય છે ન લો, અને જે પ્રકારે Impossible શબ્દ જાતે કહે છે કે I m possible, તે રીતે જ લોન શબ્દ જાતે કહે છે કે ન લો, જો કે દરેક જરૂરિયાત માટે લોકો પાસે પૂરતા રૂપિયા હોત તો પછી વાત જ શું કરવી ? જો કે હકીકત એ છે કે આપણામાંથી મોટાભાગનાને પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે લોન લેવી પડે છે. બેંક અને એનબીએફસી આ તકનો લાભ ઉઠાવીને કન્ઝ્યૂમર્સને ઓછા વ્યાજદર, વેળાસર લોન મંજૂર કરવા અને સરળ પ્રક્રિયાની લલચામણી ઓફર્સથી ગ્રાહકોને આકર્ષે છે...

લોન આપતી આ ઈન્ડસ્ટ્રીમાં ટેક્નોલોજીએ ઘણો ફેરફાર આણ્યો છે. ઓનલાઈન એગ્રીગેટર્સ કસ્ટમર્સને સૌથી સસ્તી લોન શોધવામાં મદદ કરે છે, તો સામા પક્ષે બેંક પણ લોન એપ્રુવ કરવા અને તેને રિલીઝ કરવામાં થોડી મિનિટોનો જ સમય લે છે. એચડીએફસી બેંકની પર્સનલ લોન ફેસિલિટીને ફાઈનાન્સિયલ વર્લ્ડમાં ઉસેન બોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. પોતાના નેટ બેન્કિંગ કસ્ટમર્સને તેઓ માત્ર 10 મિનિટમાં લોન ફાળવી દે છે.ટેક્નોલોજીએ લોન ફાળવવાની પદ્ધતિ ભલે બદલી નાખી હોય, છતા લોન લેવામાં સાવધાની રાખવાની જે શીખામણ છે તે પોતાના સ્થાને યથાવત છે. જો તમને રૂપિયાની સખત જરૂરિયાત ન હોય તો પછી લોન લેવાનો કોઈ મતલબ નથી. અથવા તો ચૂકવવામાં આવતા ઈન્ટ્રેસ્ટ પર તમારે ટેક્સ બેનિફિટ લેવો હોય તો લોંગ ટર્મ લોન લેવી મહત્વનો નિર્ણય ગણાશે. ઘણા બધા મુદ્દાઓ વિચાર્યા બાદ અહીં 10 એવા મહત્વના પાસાની પસંદગી કરવામાં આવી છે, જે બાબતે તમારે લોન લેતા પહેલા થોડો વિચાર કરવો જોઈએ.

1. ચૂકવવાની ક્ષમતાથી વધુ લોન ન લેવી

આપણા વડવાઓ હંમેશા એક વાત કહેતા આવ્યા છે કે ચાદર હોય એટલી જ સોડ તાણવી, એક નિયમ એવું કહે છે કે કાર લોનની ઈએમઆઈ તમારી નેટ મંથલી ઈન્કમના 15 ટકા અને પર્સનલ લોનની ઈએમઆઈ 10 ટકાથી વધુ ન હોવી જોઈએ. ડીલ4લોંસ.કોમના ફાઉન્ડર ઋષિ મેહરાએ કહ્યું હતું કે દરેક પ્રકારની લોન ચૂકવવા માટે તમારો કુલ માસિક હપતો મંથલી ઈન્કમના 50 ટકાથી વધુ ન હોવો જોઈએ. બિઝનેસ વધારવા માટે બેંકોમાં હોડ ચાલી રહી છે, આ સ્થિતિમાં તમને લોન લેવી બહું સરળ પડી શકે છે. તેમ છતાં તમે લોન માત્ર એટલા માટે ન લો કે તે સરળતાથી મળે છે. લોન લેતા પહેલા એ નક્કી કરી લો કે લોન ટુ ઈન્કમ રેશિયો સહન કરવાની તમારામાં ક્ષમતા છે.

અહીં હૈદરાબાદના ફણિ કુમારનો કિસ્સો જાણી લો કે તેઓ જ્યારથી કામ કરી રહ્યા છે ત્યારથી તેઓ લોનનો હપતો ભરી રહ્યા છે. શરૂઆત આજથી છ વર્ષ પહેલા 5 લાખ રૂપિયાની બે પર્સનલ લોનથી થઈ હતી. તે સમયે તેઓ 18,000 રૂપિયાનો ઈએમઆઈ (તેમની ટેક હોમ સેલેરીના 40 ટકા) ચૂકવી રહ્યા હતાં. તે પછી 2012માં કુમારે 5.74 લાખ રૂપિયાની કાર લોન લઈ લીધી અને એ જ પ્રકારે તેમના કુલ માસિક હપતામાં 12,500 રૂપિયા જોડાઈ ગયા. ગયા વર્ષે તેમણે અન્ય લોન ચૂકવવા માટે 8 લાખ રૂપિયાની પર્સનલ લોન લઈ લીધી અને તે પછી અન્ય ખર્ચ પૂરા કરવા 4 લાખ રૂપિયાની એક ટોપ અપ લોન લીધી. હાલ તેઓ 49,000 રૂપિયાની ઈએમઆઈ ચૂકવી રહ્યા છે, જે તેમની નેટ ઈન્કમના 72 ટકા છે. હવે ઈન્કમનો મોટો હિસ્સો ઈએમઆઈમાં જવાથી કુમાર રિટાયરમેન્ટ સેવિંગ્સ કે અન્ય બચતનું વિચારી શકતા નથી. છ વર્ષ કામ કરવા છતાં કુમારની નેટવર્થ હજુ પણ નેગેટિવ ઝોનમાં છે. તો ધ્યાન રાખો આવી ભુલ તમે ના કરતાં.

2. સમયમર્યાદા બને તેટલી ઓછી રાખો

લગભગ તમામ મુખ્ય લેંડર્સ હોમ લોન મામલે વધુમાં વધુ 30 વર્ષની સમયમર્યાદા આપે છે. જેટલી લાંબી ટેનર હશે તમારો હપતો એટલો ઓછો હશે. આ વાતને ધ્યાનમાં રાખીને તમે 25થી 30 વર્ષ માટે લોન લેવા બાબતે વિચારી શકો છો. જો કે એ વાત યાદ રાખો કે લોનનુ ટેનર જેટલું ઓછું હશે તેટલું તે મારા માટે વધારે સારું ગણાશે. લોંગ ટર્મ લોનમાં ઈન્ટ્રેસ્ટ તરીકે વધુ રકમ ચૂકવવી પડે છે. 10 વર્ષની લોનમાં તમે લીધેલી રકમના 57 ટકા હિસ્સો વ્યાજ તરીકે ચૂકવવો પડે છે. 20 વર્ષની મુદત હોય તો તે આંકડો ઉછળીને સીધો 128 ટકા થઈ જાય છે. ઉદાહરણ તરીકે જો તમે 50 લાખ રૂપિયાની લોન 25 વર્ષ માટે લઈ રહ્યા છો તો તમે ઈન્ટ્રેસ્ટ તરીકે 83.5 લાખ રૂપિયા મતલબ કે મૂળ રકમના 167 ટકા વધુ ચૂકવશો. ફાઈનાન્સિયલ ટ્રેનર પી.વી. સુબ્રમણ્યમ એવી ચેતવણી આપે છે કે લોન લેવી એ હકીકતમાં નેગેટિવ કંપાઉન્ડીંગ છે. ટેનર જેટલું લાંબુ હોય ઈન્ટ્રેસ્ટ તરીકે એટલી વધુ રકમ તમારા ખિસ્સામાંથી જાય છે. જો કે ક્યારેક ક્યારેક લાંબુ ટેનર રાખવું જરૂરી પણ થઈ જાય છે. ઓછી આવક વાળો કોઈ વ્યક્તિ જો 10 વર્ષનું ટેનર લે તો બની શકે કે તેને જરૂરિયાત અનુસારની લોન ન મળી શકે, તો આ સ્થિતિમાં તેણે ટેનર વધારવું જ પડશે કે જેથી ઈએમઆઈ તેના ખિસ્સા અુસારની હોય.

3. રેગ્યુલર રિપેમેન્ટ નિર્ધારિત કરો

બાકી રકમ ચૂકવવામાં શિસ્ત રાખવાથી ફાયદો થાય છે, પછી ભલે તે ક્રેડિટ કાર્ડ બિલ જેવી શોર્ટ ટર્મ હોય કે પછી હોમ લોન જેવી લોંગ ટર્મ, કોઈ પેમેન્ટ મિસ ન કરવું જોઈએ. ઈએમઆઈ ચૂકવવામાં થયેલી ચૂક અથવા પેમેન્ટમાં મોડુ થવાથી તમારી ક્રેડિટ પ્રોફાઈલ પર એક ધબ્બો લાગી શકે છે અને અન્ય જરૂરિયાતો માટે લોન લેવામાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડી રહી છે. તેથી લોનના ઈએમઆઈ સમયસર ચૂકવો, પછી ભલે તમારે તેના માટે કોઈ ઈન્વેસ્ટમેન્ટ મિસ કરવું પડે. તમારે એ નક્કી કરવું જોઈએ કે કઈ બાકી રકમને પહેલા ચૂકવવી છે. ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ બાબતે સૌથી વધુ સતર્ક રહો. કારણકે જો તમે તેને યોગ્ય સમયે ન ચૂકવી શક્યા તો નોન પેમેન્ટ પેનલ્ટીની ચાબખો વાગી શકે અને બાકી રકમ પર વધુ વ્યાજ પણ ઠોકી દેવાશે. જો તમારી પાસે ક્રેડિટ કાર્ડનું સંપૂર્ણ બિલ ચૂકવવાની રકમ ન હોય તો ઓછામાં ઓછા 5 ટકા રકમ ચૂકવો અને બેલેન્સને રોલઓવર કરી દો, પણ તેને આદતમાં ફેરવાતા અટકાવો. કારણકે 24-36 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડે છે. દર મહિન ડ્યુ ડેટ ચૂકી જવાથી બચવા માટે તમારી બેંકને પહેલાથી જ ઈન્સ્ટ્રક્શન આપી દો કે જ્યારે પણ બિલ ડ્યૂ થાય તો તે ઓછામાં ઓછા 5 ટકારકમ પે કરી દે.

4. ખર્ચો કે ઈન્વેસ્ટ કરવા માટે લોન ન લો

ઈન્વેસ્ટમેન્ટનો એ પાયાનો સિદ્ધાંત છે કે ક્યારેય રકમ ઉધાર લઈને તેને ઈન્વેસ્ટ ન કરો. આ વાત તો દેવું કરીને ઘી પીવા જેવી છે. ફિક્સ્ડ ડિપોઝિટ અને બોન્ડ્સ જેવા વધુ સુરક્ષિત ઈન્વેસ્ટમેન્ટમાંથી એટલું રિટર્ન નથી મળતું, જેટલું તમારે લોન પર ચૂકવવું પડે છે. જે ઈન્વેસ્ટમેન્ટ જેવા કે શેરબજાર તેનાથી વધુ રિટર્ન આપે છે પણ તેમાં ઘણો ઉતાર-ચઢાવ હોય છે. જો શેરબજારમાં ઘટાડો થાય છે તો માત્ર લોસ જ નહીં થાય પણ ઈએમઆઈના ભારથી તમે બંધાયેલા હશો. એક સમય હતો કે જ્યારે રિયલ એસ્ટેટને કોસ્ટ ઈફેક્ટિવ ઈન્વેસ્ટમેન્ટ માનવામાં આવતું હતું, તે સમયે હાઉસીંગ લોન 7-8 ટકા પર મળતી હતી અને રિયલ એસ્ટેટની કિંમત વર્ષે 15-20 ટકાની ઝડપે વધી રહી હતી. તે સમેય સસ્તી લોન લઈને પ્રોપર્ટી ખરીદવી યોગ્ય ગણાતી હતી. પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હોમ લોન પર હવે 10 ટકાથી વધુ વ્યાજની ચૂકવણી કરવી પડે છે, તેની સામે પ્રોપર્ટીની કિંમતમાં મહામુશ્કેલીએ 4-5 ટકાનો વધારો થાય છે. કેટલાક વિસ્તારોમાં તો છેલ્લા 1-2 વર્ષમાં પ્રોપર્ટીની કિંમતોમાં ઘટાડો જ થયો છે.

આ પ્રકારે ડિસ્ક્રિશનરી એક્સપેંડિચર માટે પણ લોન ન લેવી જોઈએ, બની શકે છે કે ક્રેડિટ કાર્ડ કંપની તમને ટ્રાવેલ લોન માટે એસએમએસ મોકલી રહી હોય પણ ફરવા જવા કે અન્ય લાઈફસ્ટાઈલ ખર્ચ માટે બચત કરવાનુ સારું રહેશે. લોનસ્ટ્રીટ.ઈનના ફાઉન્ડર વિનિત જૈન કહે છે કે લકઝરી ઘડિયાળ કે હેંડબેગ ખરીદવા માટે પર્સનલ લોન લેવામાં કોઈ હોશિયારી નથી. જો તમે રજા પર જવા માંગતા હો અથવા સરસ મજાની પાર્ટી આપવા માંગતા હો કે પછી લકઝરી શોપિંગ કરવા માંગતા હો તો તેના માટે અત્યારથી બચત શરૂ કરવી જોઈએ.

5. મોટી લોન લેવા માટે ઈન્શ્યોરન્સ લો

જો તમે મોટી હોમ કે પછી કાર લોન લઈ રહ્યા હો તો તેના માટે ઈન્શ્યોરન્સ કવર પણ લઈ લેવું જોઈએ. લોનની રકમ જેટલી જ રકમની ટર્મ લોન પ્લાન કરો કે જેથી તમને કંઈ થઈ જાય તો પરિવાર પર તેનો ભાર ન આવે. જો તમારા આશ્રિતો લોનની ઈએમઆઈ ચૂકવી ન શકે તો લોન આપનારી સંસ્થા તમારી મિલકત પર કબજો કરી શકે છે. આમપણ જો લોન 50 લાખની હોય તો તેના માટે કંઈ વધુ પ્રિમિયમ ચૂકવવાનું રહેતું નથી. સામાન્ય પણ બેંક રિડ્યૂસિંગ કવર ધરાવતી ટર્મ પ્લાન લેવાનું દબાણ કસ્ટમર્સ પર નાખે છે. તેમાં બાકી રકમ જેટલું જ ઈન્શ્યોરન્સ ઓફર કરવામાં આવે છે. જો કે રેગ્યુલર ચર્મ પ્લાન લોનને કવર કરવા માટે તેનાથી ઘણા સારા ઓપ્શન પણ છે. લોન ચૂકવ્યા બાદ પણ એ પ્લાન ચાલૂ રહી શકે છે. રેગ્યુલર ટર્મ પ્લાનનો એક ફાયદો એ પણ છે કે જો તમે લોનને કોઈ અન્ય બેંકમાં શિફ્ટ કરો છો તો ત્યારે પણ એ ચાલુ રહી શકે છે. આ ઉપરાંત જે ઈન્શ્યોરન્સ પોલીસી લોન સાતે જોડાયેલી હોય તે મોટાભાગે સિંગલ પ્રિમિયમ વાળી હોય છે. તે રેગ્યુલર પેમેન્ટ પ્લાનની જેમ સસ્તી નથી હોતી. જો બેંક તમારા પર લોન સાથેલિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન લેવા માટે દબાણ નાખે છે તો તમે આ મામલો બેંકિંગ ઓમ્બડ્સમેન અને ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરની પાસે લઈ જઈ શકો છો.

6. સસ્તી લોનની શોધ ચાલુ રાખો

હોમ લોન ઘણા લાંબા સમય માટે લેવામાં આવે છે, તેથી લોન કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરીને એ બાબતે ભૂલવામાં કોઈ સમજદારી નથી. નવા રૂલ્સ માટે આંખ અને કાન ખુલ્લા રાખો, એની સાથે જ ઈન્ટ્રેસ્ટ રેટમાં આવતા ફેરફાર પર પણ તમારે નજર રાખવી જોઈએ. આરબીઆઈ બેઝ રેટ ફોર્મ્યુલામાં ફેરફાર કરવા જઈ રહી છે. તેનાથી તમારા બેંકના બેઝ રેટમાં પણ બદલાવ થશે. તમારે હંમેશા સસ્તી હોમ લોનની શોધ કરતા રહેવું જોઈએ, અને જો કોઈ બેંક તમારી બેંકથી ઓછા રેટ પર લોન ઓફર કરી રહી હોય તો તેની પાસે સ્વિચ કરી લેવું જોઈએ. જો કે એક વાતનું ધ્યાન રાખો કે લોન સ્વિચ કરવામાં ત્યારે જ સમજદારી ગણાશે કે જ્યારે બંનેના ઈન્ટ્રેસ્ટ રેટમાં ખાસ્સો ફરક હોય. એનું કારણ એ છે કે લોન સ્વિચ કરવામાં તમારે પ્રોસેસિંગ ચાર્જ પણ ચૂકવવો પડે છે. લોન સ્વિચ કરવામાં વધુ ફાયદો શરૂઆતના તબક્કામાં થાય છે. માની લો કે તમે 11.75 ટકાના દરે લોન લીધી છે અને બીજી બેંક તમને 9.9ટકાનો રેટ ઓફર કરે છે. જો આ લોન ચૂકવવામાં હજુ 18 વર્ષ બાકી હોય તો સ્વિચ કરવાથી 52 ઈએમઆઈ ઓછા થઈ શકે છે. પણ જો લોનની મર્યાદા માત્ર પાંચ જ વર્ષ બાકી હોય તો તમને માત્ર ત્રણ ઈએમઆઈનો ફાયદો થઈ શકે છે. આ જ વાત લોનના પ્રિ પેમેન્ટ પર પણ લાગુ પડે છે. તમે તેને જેટલી ઝડપી ચૂકવો તેટલું વધુ સારૂં ગણાશે. આરબીઆઈ દ્વારા હાઉસીંગ લોનના પ્રિ પેમેન્ટ માટે પેનલ્ટી લગાવવાની મંજૂરી આપી નથી. પણ અન્ય લોન પર તેઓ પેનલ્ટી લગાવી શકે છે.

7. ફાઈન પ્રિન્ટને સમજો

લોન ડોક્યુમેન્ટને વાંચવું એ લમણાંઝીંકનું કામ છે. તેમાં કાયદાકીય વાતોનો ઉલ્લેખ હોય છે અને તે ઘણું લાંબુ પણ હોય છે. આમ હોવા છતાં તમારે લોનની શરતોને ધ્યાનથી વાંચી લેવી જોઈએ. એમ કરવાથી તમે પાછળથી કોઈ મોટી મુસિબતમાં ફસાતા બચી શકો છો. બેંગલુરૂમાં રહેતા સુભાષ શેટ્ટીએ 1 લાખ રૂપિયાની પર્સનલ લોન માટે અપ્લાઈ કર્યુ, પણ તેમને મળ્યા માત્ર 91,800 રૂપિયા. બેંકે 5,152 રૂપિયા અપફ્રંટ ઈન્ટ્રેસ્ટ ચાર્જ તરીકે કાપી લીધા અને 3,047 રૂપિયાનું વાર્ષિક ઈન્શ્યોરન્સ પ્રિમિયમ પણ આપવું પડ્યું. શેટ્ટીએ કોઈપણ જાતની ફાઈન પ્રિન્ટ વાંચ્યા વિના લોન એગ્રીમેન્ટ સાઈન કરી લીધુ હતું. કેટલીક બેંક લોન એગ્રીમેન્ટમાં એવી શરતો નાકે છે કે જે ગ્રાહકો વિરૂદ્ધની હોય છે. જો તમને એગ્રીમેન્ટમાં લખેલી કોઈ વાત સમજાતી ન હોય તો ફાઈનાન્સિઅલ એડવાઈઝર અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ લો. તેની પાસેથી સમગ્ર વાતો સમજ્યા બાદ જ તમારે લોન એગ્રીમેન્ટ પર સાઈન કરવું જોઈએ.

8. મોંઘી લોનને સસ્તી લોનથી ચૂકવો

જો તમે ઘણી બધી લોન એકસાથે લઈ રાખી હોય તો એ તમામને એક સસ્તી લોનમાં ફેરવી શકો છો. ઉદાહરણ તરીકે જો તમે 18-20 ટકાના વાર્ષિક રેટ પર પર્સનલ લોન લોન લીધી છે તો તેને લાઈફ ઈન્સ્યોરન્સ પોલીસી પર સસ્તી લોન લઈને ચૂકવી શકાય છે. લોન અગેન્સ્ટ પ્રોપર્ટી વડે પણ મોંઘી લોન ચૂકવવામાં સમજદારી જ છે. તમારે મોંઘી લોન ચૂકવવા માટે ગોલ્ડ લોન અને લોન અગેન્સ્ટ બેંક ડિપોઝિટ પર પણ વિચાર કરવો જોઈએ. મોંઘી લોનને જેમ બને તેમ ઝડપથી ચૂકવવામાં જ સમજદારી છે. જો તમને વાર્ષિક પરફોર્મન્સ બોનસ મળતું હોય, ટેક્સ રિફન્ડના પૈસા તમારી પાસે આવતા હોય અથવા લાઈફ ઈન્શ્યોરન્સ પોલીસીની મેચોરિટીની મોટી રકમ હાથ પર આવે છે તો તેનો ઉપયોગ તે ચૂકવણી કરવા માટે કરી શકાય છે. ઘણીવાર ટેક્સ બેનિફિટને કારણે લોકો લોન ચૂકવવામાં આનાકાની કરે છે. જો કોઈ ઘર સેલ્ફ ઓક્યુપાઈડ હોય તો હોમ લોન પર ચૂકવાનારા 2 લાખ સુધીના વ્યાજ પર ટેક્સ છૂટ ક્લેમ કરી શકાય છે. જો ઘર ભાડે અપાયું હોય તો સમગ્ર ઈન્ટ્રેસ્ટ પર ટેક્સ છૂટ ક્લેમ કરી શકાય છે. જો કે માત્ર ટેક્સ બેનિફીટને કારણે લોનને લાંબી ખેચવામાં સમજદારી નથી. એ વાત સાચી છે કે ટેક્સ બેનિફીટને કારણે લોનની કોસ્ટ ઓછી થઈ જાય છે, પણ તે છતાં તમે એક એવો ખર્ચો ઉઠાવી રહ્યા છો કે જેનાથી તમે બચી શકો તેમ છો. જો તમારી પાસે જે પૈસા પડ્યા છે, તેનાથી લોન પર ચૂકવાતા વ્યાજ કરતાં વધુ રૂપિયા ન મળતા હોય તો તેનો ઉપયોગ લોનના પ્રિ-પેમેન્ટ કરવા માટે કરવો જોઈએ.

9. રિટાયરમેન્ટ ફંડ સાથે રમત ન કરો

આપણે બધા કેટલાક ફાઈનાન્સિઅલ ગોલ્સ બાબતે ભાવૂક હોઈએ છીએ, ખાસ કરીને જો તે બાળકો સાથે જોડાયેલા હોય. પેરેન્ટ્સ બાળકો પર લોનનો ભાર નાખવા નથી માંગતા ખાસ કરીને જો વાત ભણતરને માટે લેવાનારી લોનની હોય તો વાલીઓ તે મામલે સચેત રહે છે. બાળકનું ભવિષ્ય સુરક્ષિત રહે તે પહેલા વિચારવું જોઈએ, સાથે જ તમારે તમારા ભવિષ્ય બાબતે પણ વિચારવું જોઈએ. બાળકના અભ્યાસ માટે રિટાયરમેન્ટ ફંડનો ઉપયોગ યોગ્ય તો નથી જ. સ્ટુડન્ટ્સ પાસે એજ્યુકેશન લોન અને સ્કોલરશિપ જેવા ઓપ્શન હોય જ છે. તેના દ્વારા તેમની એજ્યુકેશન કોસ્ટ કવર કરી શકાય છે. પરંતુ રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે એવું કોઈ સાધન નથી હોતું. તમારું રિટાયરમેન્ટ બાળકોના અભ્યાસ જેટલું જ જરૂરી છે. કદાચ તેની એનાથી વધુ મહત્વ છે.

10. પત્ની અને પરિવારને લોન બાબતે માહિતી આપો

લોન લેતા પહેલા એ બાબતે પરિવારના સભ્યો સાથે વાત કરો. ખાસ કરીને પત્ની સાથે જરૂર કરો. કારણકે તેનાથી આખા પરિવારની ફાઈનાન્સિયલ પોઝિશન પર અસર પડે છે. પત્નીને લોન બાબતે જરૂરથી જણાવો. તેમને એ પણ જાણકારી હોવી જોઈએ કે તમે કોઈ લોન કેમ લો છો. જો તમે રૂપિયાના મામલે પત્નીને અંધારામાં રાખો છો તો તેનાથી તમારા પારિવારિક જીવન પર અસર પડી શકે છે. બની શકે છે કે તમારી પત્ની પાસે રૂપિયા હોય અને તમે લોન લેવાથી બચી જાઓ.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp