કાર ચાલકે ઘર બહાર ઉભેલા દાદા-પૌત્રને કચડી માર્યા, મૃતદેહને પાવડાથી ભેગો કર્યો

PC: khabarchhe.com

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં ગત શનિવારે એક બેફામ કારે વીજ પોલને ધરાશાયી કરીને ઘરની બહાર ઉભા દાદા અને પૌત્રને પણ અડફેટે લઇ લીધા હતા. જેથી દાદા-પૌત્રના કરૂણ મોત થયા હતા. જ્યારે અન્ય એક મહેમાન પણ ઇજાગ્રસ્ત થઇ થયો હતો. આ ઘટનામાં કાર ચાલક ઇજાગ્રસ્ત થતા તેને પણ સારવાર અર્થે હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. બીજી તરફ કપુરાઇ ચોકડી પાસે કારની ટક્કરે કચડાયેલી મહિલાના મૃતદેહને પોલીસે પાવડા વડે ભેગો કરવો પડ્યો હતો.

વડોદરાના સમતા ફ્લેટ પાછળ સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઉર્વશી ડુપ્લેક્ષ પાસેથી અંકોડિયા ખાતે રહેતો નિશિત પટેલ તેની હુન્ડાઇ ક્રેટા કાર (GJ 06 LK 1303) બેફામ હંકારીને નીકળ્યો હતો. આ દરમિયાન નિશિત પટેલની કાર ઉર્વશી ડુપ્લેક્ષ પાસે આવેલ વીજ પોલ સાથે અથડાઇ ગઇ હતી. એટલું જ નહીં કાર ત્યાંથી આગળ ધસી જઇને ઘર બહાર ઉભા દાદા કાનજીભાઇ જોગારાણા અને પૌત્ર રાજવીર જોગારાણને ટક્કર મારી દીધી હતી. જેથી બંને ત્યાં જ લોહીલુહાણ હાલતમાં જ ઢળી પડ્યા હતા. તેમજ ઘર બહાર ઉભા મહેમાન રૂપાભાઇ ભરવાડને પણ ગંભીર ઇજા થઇ હતી.

અકસ્માતના થતા પરિવારજનો અને આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. પરિવારજનો 60 વર્ષના વૃદ્ઘ કાનજીભાઇને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા. જ્યારે બીજી તરફ અઢી વર્ષના રાજવીરને ગોત્રી હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું પણ મોત નીપજ્યું હતું. આમ બેફામ હંકારનાર કાર ચાલકે દાદા-પૌત્રના જીવ લઇ લીધા હતા. તેમજ એક મહેમાનને પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યોં હતો.

અકસ્માત એટલો ગોઝારો બન્યો હતો કે, કાર ચાલક નિશિત પટેલને પણ ઇજાઓ થઇ હતી. જેથી તેને પણ સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બાબતે મૃતક કાનજીભાઇના પુત્ર ભાયાભાઇ જોગરાણાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. વડોદરા નજીક કપુરાઇ પાસે નેશનલ હાઇવે પર આણંદની ઇન્દિરા કોલોનીમાં અરવિંદભાઇ અને તેમની માતા રમીલાબેન બારિયા વડોદરા કપુરાઇ પાસેના દિવાળીપુરા ગામે મરઘાનું ખાતર ભરવાની મજૂરી કામે આવ્યા હતા.

સાંજે સાડા સાત વાગ્યે ખાતર ભર્યા બાદ બંને આઇસર ટેમ્પોમાં બેસીને ઘરે જવા નીકળ્યા હતા, પરંતુ ઘરે જવાનું મોડું થતા અને બંનેને જમવાનું બાકી હોવાથી તેઓ કપુરાઇ બ્રિજ પર ઉતરી ગયા હતા. હાઇવે પર સાઇડ પર ટેમ્પો ઉભો રાખીને બંને રસ્તો ક્રોસ કરીને જઇ રહ્યા હતા. દરમિયાન અમદાવાદ-સુરત તરફના માર્ગે શ્રદ્ઘા પેટ્રોલ પંપ સામે કાર ચાલકે બંનેને અડફેટે લઇ લીધા હતા. જેમાં રમીલાબેન કાર નીચે કચડાઇ ગયા હતા અને તેનું ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે, મહિલાના શરીરના ટુકડા રસ્તા પર વિખેરાઇ ગયા હતા અને પાવડાથી તેના મૃતદેહના અંગો ભેગા કરવા પડ્યા હતા. પાણીગેટ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp