ગોવામાં ભારતીય બંધારણ બળજબરીથી લાદવામાં આવ્યું હતું, કોંગ્રેસના ઉમેદવારનો બફાટ

PC: indianexpress.com

દક્ષિણ ગોવા લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર વિરિએટો ફર્નાન્ડિસે સોમવારે દાવો કર્યો હતો કે, 1961માં પોર્ટુગીઝ શાસનથી આઝાદી મળ્યા પછી ગોવા પર ભારતીય બંધારણ 'લાદવામાં આવ્યું' હતું. CM પ્રમોદ સાવંતે ફર્નાન્ડિસની આ ટિપ્પણીઓને ભયાનક ગણાવી હતી અને કહ્યું હતું કે, કોંગ્રેસ લોકશાહી માટે ખતરો છે. ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે ફર્નાન્ડિસે કહ્યું કે, તત્કાલિન PM જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે, ગોવા પોતાનું ભાગ્ય જાતે નક્કી કરશે. ફર્નાન્ડિસે કહ્યું કે, પરંતુ આવું ન થયું. 1987માં ગોવા રાજ્ય બન્યું.

પોર્ટુગીઝ પાસપોર્ટની પસંદગી કરતા ગોવાવાસીઓ માટે બેવડી નાગરિકતાના સમર્થક ફર્નાન્ડિસે દક્ષિણ ગોવામાં આ વાત કહી. 2019ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતાં ફર્નાન્ડિસે કહ્યું કે, તેમણે ગાંધીને કહ્યું હતું કે, 'જ્યારે 1961માં ગોવાને આઝાદી મળી ત્યારે ભારતીય બંધારણ આપણા પર લાદવામાં આવ્યું હતું.'

ફર્નાન્ડિસ તે સમયે 'ગોઆન્ચો અવે'નો એક ભાગ હતા, એક NGO જે પોર્ટુગીઝ પાસપોર્ટ પસંદ કરનારા ગોવાવાસીઓ માટે બેવડી નાગરિકતા માટે દબાણ કરી રહી હતી. તેમણે સભાને કહ્યું, 'અમે (પણજી નજીક એક હોટલમાં ગાંધી સાથેની મુલાકાત દરમિયાન) ગાંધી સમક્ષ 12 માગણીઓ મૂકી હતી અને તેમાંથી એક બેવડી નાગરિકતા આપવા સંબંધિત હતી. ગાંધીએ મને પૂછ્યું કે, શું માંગ બંધારણીય છે. અમે કહ્યું, ના.

ફર્નાન્ડિસે કહ્યું કે, કોંગ્રેસના સાંસદ ગાંધીએ તેમને કહ્યું કે, જો માંગ બંધારણીય નથી તો તેના પર વિચાર કરવામાં આવશે નહીં. ફર્નાન્ડિસે કહ્યું, 'મેં તેમને સમજાવ્યું કે ભારતીય બંધારણ 26 જાન્યુઆરી, 1950ના રોજ અમલમાં આવ્યું હતું. 1961માં જ્યારે ગોવા પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયું, ત્યારે તમે (તત્કાલીન કેન્દ્ર સરકારનો ઉલ્લેખ કરીને) અમારા પર બંધારણ લાદ્યું. અમને આમાં સામેલ કરવામાં આવ્યા ન હતા.'

ફર્નાન્ડિસે કહ્યું કે, તેમને ગાંધીના પિતામહ (નેહરુ)નું ભાષણ યાદ છે, જેમાં તેમણે કહ્યું હતું કે, આઝાદી પછી ગોવા પોતાનું ભાગ્ય નક્કી કરશે, 'પરંતુ અમારું ભાગ્ય કોઈ બીજા દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.' CM સાવંતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કોંગ્રેસના ઉમેદવાર અને તેમની પાર્ટી પર નિશાન સાધ્યું.

BJP નેતા સાવંતે લખ્યું, 'હું દક્ષિણ ગોવાના કોંગ્રેસના ઉમેદવારની ટિપ્પણીથી ચોંકી ગયો છું, જેમણે દાવો કર્યો છે કે, ગોવાના લોકો પર ભારતીય બંધારણ બળપૂર્વક લાદવામાં આવ્યું હતું. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ દિલથી માનતા હતા કે, ગોવા ભારતનો અવિભાજ્ય ભાગ છે. કોંગ્રેસે ગોવાની મુક્તિમાં 14 વર્ષનો વિલંબ કર્યો. હવે તેમના ઉમેદવાર ભારતીય બંધારણને નબળું પાડવાની હિંમત કરે છે.' CM સાવંતે કહ્યું, 'કોંગ્રેસે તુરંત બ્રેક ઈન્ડિયાની રાજનીતિ બંધ કરવી જોઈએ. કોંગ્રેસ આપણા લોકતંત્ર માટે ખતરો છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp