સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ, ઠગો અને સરકારની માયાજાળ

PC: khabarchhe.com

સમૃદ્ધ જીવન મલ્ટી-સ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી લિ. અથવા સમૃદ્ધ જીવન ટ્રસ્ટ ઇન્ડિયા લિમિટેડ કો.ઓ સોસાયટીના સંચાલકોએ ગુજરાતભરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં રૂ. 500 કરોડનું નાણાકીય કૌભાંડ આચર્યું છે. સાડા પાંચ વર્ષે બે ઘણી રકમ કરી આપવાની લાલચ આપીને કેન્દ્ર સરકારનું બોર્ડ મારીને આ કંપની 5 વર્ષથી ગુજરાતના લોકોને લૂંટી રહી હતી. આ તમામ બાબતો ગુજરાત સરકાર અને ગૃહ રાજ્ય પ્રધાન જાડેજા જાણતાં હોવા છતાં લોકોની ધોળા દિવસે છેતરપીંડી થવા દીધી છે. ગુજરાતમાં 40 શાખાઓ ખોલી હતી. ગયા અઠવાડિયા ઉત્તર ગુજરાતમાં જ માત્ર રૂ. 80 કરોડનુ કૌભાંડ આચર્યું હોવાનું પોલીસે શોધી કાઢ્યું છે. સાડા પાંચ વર્ષે નાણાં બમણાં કરી આપવાની લાલચ આપી ગ્રાહકો પાસેથી નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં વધુ એક મની સરક્યુલેશન કૌભાંડ સામે આવ્યું છે. સમૃદ્ધ જીવન સંસ્થા દરેક જગ્યાએ કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય દ્વારા મંજૂર થયેલી એવું તેની કચેરીમાં લખવામાં આવતું હતું. જેના રજીસ્ટર્ડ નંબર તે પોતાના સાઇન બોર્ડમાં રાખતી હતી. ISO 9001 : 2008નું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. આમ ઠગ કંપનીએ ગુજરાતમાં છેતરપીંડી માટે માયાજાળ રચી હતી. એક કા તીનમાં રૂ. 1200 કરોડના સ્કેમના ઠગ અશોક જાડેજા કેસના 10 વર્ષ પછીનો આ મોટો કેસ છે.

ગુનો અટકાવવાના બદલે છેતરપીંડી પછી પગલાં લેવાની જાહેરાત

ગુજરાતમાં લેભાગુ કંપનીઓની મિલકતો ટાંચમાં લઈ હરાજી કરીને રોકાણકારોને નાણાં પરત અપાવવાનો સરકારે નિર્ણય કર્યો છે. 15 ઓગસ્ટ 2018ના દિવસે ગૃહ રાજ્ય પ્રધાન અખબારોમાં અને પત્રિકાઓમાં લોભામણી જાહેરાતો આપી રોકાણકારોના નાણાં પચાવી પાડવામાં આવે છે. આવી લેભાગુ કંપનીઓ રિઝર્વ બેંકની મંજૂરી લીધા વગર ટૂંકા ગાળામાં નાણાં ડબલ કરી આપવાના પ્રલોભનો આપીને નાગરિકોની માતબર રકમ પચાવી પાડી છે. નાણાં પાછા મળે તે માટે લૂંટારાઓની મિલકતો ટાંચમાં લઈ હરાજી કરી રોકાણકારોને નાણાં પાછા અપાવમાં આવશે. CID ક્રાઇમને નોડલ એજન્સી તરીકે નિમણૂંક કરી છે. જી.પી.આઇ.ડી. એક્ટ અન્વયે નાયબ કલેક્ટરના હોદ્દાથી નીચે ન હોય તેવા અધિકારોની સક્ષમ સત્તાધિકારી તરીકે નિમણૂક કરાઈ છે. સમગ્ર રાજ્ય માટે અમદાવાદ, વડોદરા, સુરત તથા રાજકોટ ખાતે ડેઝીગ્નેટેડ કોર્ટોની રચના કરી છે.

રૂપાણી સરકાર ભૂલકણી

મિલકત જપ્તી અંગે જીપીઆઇડી એક્ટ 2003મા અમલમાં મૂકવામાં આવ્યો હતો. જેમાં સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરવાનું સરકારી ભૂલી ગઈ હતી. 2017 સુધી કોર્ટની સ્થાપના થઈ ન હતી. સરકારને ધ્યાન આવ્યું કે કોર્ટ જ નથી જો કેસ ક્યાં ચાલશે, તેથી 14 જૂન, 2017ના દિવસે રૂપાણી સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને 1 ઓગસ્ટ, 2017થી સ્પેશિયલ કોર્ટ કાર્યરત કરવામાં આવી હતી. જેથી 14 વર્ષ બાદ સ્પે. કોર્ટની સ્થાપના બાદ મહાઠગોની મિલકત જપ્તીની કાર્યવાહી શક્ય બની છે. આમ 2002થી સરકાર કેવી ચાલે છે તે બહાર આવ્યું છે.

અઢી વર્ષમાં પાંચ લાખ લોકો ચૂંટાયા

CID ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા લેભાગુ કંપનીઓ વિરુદ્ધ વર્ષ 2016 થી મે-2018 સુધી 28 ગુના નોંધીને કુલ 4,62,687 રોકાણકારોના રૂા. 713 કરોડના નાણાં છેતરપીંડી થઈ હતી. જોકે આ રકમ ઘણી વધારે હોઈ શકે છે. આવી કંપનીઓ, પેઢીઓ અને વ્યક્તિઓની તપાસ કરીને 114 જેટલી મિલકતો ટાંચમાં લેવા 11 દરખાસ્ત કરાઈ છે.

સમૃદ્ધ એગ્રો કૌભાંડ

સમૃદ્ધ જીવન ટ્રસ્ટ ઇન્ડિયા લિમિટેડ, એગ્રો ઇન્ડિયા લિમિટેડ અને મલ્ટી પરપઝ કો.ઓ. સોસાયટીના નામે ખોલવામાં આવેલ બ્રાન્ચોમાં ગ્રાહકોમાંથી એજન્ટો બનાવી કરોડોનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. ગ્રાહકોને સાડા પાંચ વર્ષે નાણાં બમણાં કરી આપવાના અને નાણાં ન લેવા હોય તો એક હજાર ચોરસ સ્કવેર ફૂટ જમીન આપવાની લોભામણી જાહેરાતો કરી સમગ્ર ગુજરાતમાં ત્રણ વર્ષ અગાઉ બ્રાન્ચો ખોલી રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. જો કે નાણાંની પાકતી મુદત પહેલાં કો.ઓ સોસાયટીનુ ઉઠમણું કરી દીધું હતું. સમૃદ્ધના સંચાલકો મહેશ કિશન મોતેવર સહિત 15 સંચાલકોએ ગુજરાતમાં નવસારી અને વડોદરામાં કરોડો રૂપિયાની સંપત્તિ ખરીદી છે.

2003થી ગુજરાતમાં ધંધો

એગ્રિકલ્ચરના ધંધા સાથે સંકળાયેલી મહારાષ્ટ્રના પૂનાની આ સંસ્થાએ ગુજરાતમાં 2003મા પગ પેસારો કર્યો હતો. શરૂઆતમાં એગ્રીકલ્ચરનો બિઝનેસ કરી લોકોનો વિશ્વાસ સંપાદન કર્યા બાદમાં માત્ર સાડા પાંચ વર્ષમાં નાણાં બમણાં કરી આપવાની સ્કીમ મૂકી હતી. રાજ્યના અનેક શહેરોમાં 40 જેટલી બ્રાન્ચો ખોલી નાણાં ઉઘરાવ્યા હતા

2,200 કરોડનું દેશમાં કૌભાંડ

સમગ્ર ભારતમાં અંદાજે રૂ. 5,000 કરોડનું કૌભાંડ થયું છે. ગુજરાતમાં વર્ષ 2012થી માંડી ને વર્ષ 2016 સુધી પાંચ વર્ષથી14 ડિરેક્ટરો દ્વારા એજન્ટો નીમી ઓફિસો ખોલી અને લોકો પાસે થી અનલિમિટેડ રોકાણ અને ડબલ પરત કરવાની વિવિધ સ્કીમોના ઓથા હેઠળ રૂ.500 કરોડની છેતરપીંડી કરી હતી. ગુજરાત ખાતે જુદા જુદા શહેરોમાં ઓફીસો ચાલુ કરી આશરે 3000થી વધુ એજન્ટો બનાવ્યા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, દિલ્હી, બિહાર, આંધ્ર, ઓરિસ્સા, ગોવાનો સમાવેશ થાય છે.

રાજકોટમાં 1700 એજન્ટો

રાજકોટના 1700 એજન્ટોએ પણ પોતાનું રૂ. 44 કરોડનું રોકાણ કર્યું હતું. વડોદરાથી કંપનીના બે ડિરેક્ટર મહેન્દ્ર વસંત ગાડે અને સુનીતા કિરણ થોરાત કે જે મુળ મહારાષ્ટ્રના પુનાના છે. સમૃદ્ધ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટી પર્પઝ સોસાયટીના નામે સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓમાં રૂ.44 કરોડની રકમ છે. રાજકોટમાં 6,000 લોકો ભોગ બન્યા છે. જે મોટા ભાગે મધ્યમ વર્ગના બચતના નાણાં છે.

આશિષ ભાટીયા તપાસ કરે છે

CID વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં તપાસ થઈ રહી છે. ફીકસ ડીપોઝીટમાં રોકાણ પર સિનીયર સીટીઝનને 12 ટકા અને અન્યને 11.5 ટકા વ્યાજ આપવામાં આવે છે. 5 લાખથી 50 લાખ સુધીની બાંધી મૂદતની રકમ લોકો પાસેથી લીધી હતી. પોલીસના ફોન નંબર 0261-2464604, 9825220300 ઉપર સંપર્ક સાધી શકાય છે. આ કેસમાં CID 250 જેટલા ભોગ બનનારાઓના નિવેદન પણ લઈ ચૂકી છે.

દક્ષિણ ગુજરાતમાં રૂ.100 કરોડની ગોલમાલ

વલસાડમાં 20 શાખા દ્વારા પાંચ વર્ષમાં 5000 રોકાણકારો પાસેથી આશરે રૂ.100 કરોડનું ઉઘરાણું કરીને પૈસા પરત કર્યા વગર કંપની બંધ કરીને ચેરમેન અને ડાયરેકટર ફરાર થઇ ગયા હતા.

ગુજરાતમાં 13 ગુના

ગુજરાતમાં કુલ 13 ગુનાઓ નોંધાયા છે. સમૃદ્ધ જીવન કંપનીના ચેરમેન ડાયરેકટરો સહીત કુલ-20 શખ્શો વિરૂદ્ધ ફરિયાદ, 13થી વધુ આરોપીઓ ફરાર, 13 જેટલી ઓફિસોને તાળા મારી તમામ સંચાલકો નાસી છૂટ્યા છે. મહારાષ્ટ્રના ડિરેક્ટરો સુનિતા કિરણ થોરાત અને મહેન્દ્ર વસંત ગાડેની ધરપકડ કરી છે.

ન્યૂઝ ચેનલનો માલિક

કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલ સમૃદ્ધ જીવન મલ્ટી પર્પઝ કો.ઓ.સોસાયટી લિમિટેડના ડાયરેક્ટર મહેશ મોતિયારની ભૂતકાળમાં પણ કોઈ ગુન્હામાં ધરપકડ થઇ ચુકી છે. ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં પણ કૌભાંડ આચરનાર ડાયરેક્ટર મહેશ મોતિયારે બે ખાનગી ન્યુઝ ચેનલ ચાલુ કરી છે.

10 વર્ષે અશોક જાડેજા કેસમાં શું થયું?

2008માં એક કા તીન કરી આપવાના રૂ. 1,200 કરોડના અમદાવાદના છારા નગરના અશોક જાડેજાના કૌભાંડને દસ વર્ષ થયા છે. 32 કેસોમાં GPID (ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્વેસ્ટર્સ એક્ટ)એક્ટની કલમ લાગતી હોવાની અરજી CID ક્રાઇમ દ્વારા ગ્રામ્ય જ્યુડિશિયલ કોર્ટમાં ઓગસ્ટ 2018માં કરી છે. જેની કોઈ મિલકત જપ્ત કરાઈ નથી. જેમાં 11 રાજ્યોમાં આ કૌભાંડ થયું હતું. જેમાં દેશભરના તમામ કેસો અમદાવાદની અદાલતમાં ચલાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી સહિતની જગ્યાના કેસો અહીં આવ્યા નથી. હાલ 75 કેસો અહીં લાવી દેવાયા છે. અશોકના ઝડપાયેલા ત્રણ સાગરીતો સામે નવી ફરિયાદ CIDએ કરી છે.

(દિલીપ પટેલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp