SGCCIનું સીટમે 2024 પ્રદર્શન શનિવારથી શરૂ થશે, ઇમ્પોર્ટેડ એમ્બ્રોઇડરી મશીનો હશે

PC: Khabarchhe.com

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે તા. ર૦, ર૧ અને રર એપ્રિલ ર૦ર૪ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો – સીટમે ર૦ર૪’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશન ત્રણ દિવસ દરમ્યાન સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ કલાક સુધી ખુલ્લું રહેશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સુરત એ ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના MSME હબ તરીકે ઓળખાય છે ત્યારે આગામી દિવસોમાં ટેક્ષ્ટાઇલમાં વેલ્યુ એડીશન કરવા હેતુસર તેમજ સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવી રહયા છે. ટેક્ષ્ટાઇલમાં હાઇસ્પીડ મશીનરી થકી ઉત્પાદીત થતું કાપડ આવનારા દિવસોમાં બ્રાન્ડ બની રહેશે, જેને પગલે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે.

ડિજીટલ પ્રિન્ટીંગ અને એમ્બ્રોઇડરી મશીનરી થકી સુરતમાં રિયલ ફેબ્રિકની ઓળખ થશે. ભવિષ્યમાં ડિજીટલ પ્રિન્ટીંગની ડિમાન્ડ રહેવાની છે. ડિજીટલ પ્રિન્ટીંગમાં અત્યાધુનિક મશીનરીઓ થકી વેલ્યુ એડીશન કરી વેપારીઓ કાપડમાં સારુ માર્જીન મેળવી શકશે. માત્ર મેન્યુફેકચરર્સ જ નહીં પણ ટ્રેડર્સને પણ તેનો લાભ થાય તે દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે. પ્રદર્શનમાં ગારમેન્ટની મશીનરી પણ આ વર્ષે સામેલ કરવામાં આવી છે.

તદુપરાંત એકઝીબીશનમાં એમ્બ્રોઇડરી મશીનરીની નવી ટેકનોલોજીના હાઇસ્પીડ મશીન પ્રદર્શિત કરવામાં આવશે. જેથી સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટને વધુ વેગ મળી રહેશે. આ પ્રદર્શનથી સુરતમાં ટેક્ષ્ટાઇલ મશીનરીઓના જૂના ડીલરોને બુસ્ટઅપ તો મળશે જ પણ નવા ડીલરોને પણ પ્લેટફોર્મ મળી રહેશે. આથી સમગ્ર ટેક્ષ્ટાઇલ મશીનરી ઉદ્યોગને નવી દિશા મળી રહેશે.

સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને વધુ વેગ મળે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે ત્યારે આ પ્રદર્શનમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી માટેની અદ્યતન મશીનરી અને અન્ય ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ‘સીટમે– ર૦ર૪’ એક્ષ્પોના આયોજનમાં ચેમ્બર ઓફ કોમર્સની સાથે સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન જોડાયું છે. આ પ્રદર્શનના આયોજનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગની સાથે સંકળાયેલા લોકોએ જે ઉત્સાહ દાખવ્યો છે તે પ્રસંશનીય છે. આવનારા વર્ષોમાં આ ઉત્સાહ ઉત્તરોત્તર વધતો રહે તે જરૂરી છે. કારણ કે, એનાથી સુરતની અર્થ વ્યવસ્થા વધુ મજબૂત બની શકશે. આ પ્રદર્શન માટે ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી છે.

સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના પ્રમુખ સંજય ઝાએ જણાવ્યું હતું કે, દરેક ઈન્ડસ્ટ્રીના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સ્થાનિક, રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરે અસરકારક રજૂઆતો કરતી ચેમ્બર ઓફ કોમર્સ એ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે પ્રયાસ કરે છે. આથી ચેમ્બર ઓફ કોમર્સની સાથે મળીને આ એકઝીબીશનનું આયોજન કરવાનું નકકી કરાયું હતું. અગાઉ માર્ચ– ર૦ર૩ અને જાન્યુઆરી– ર૦ર૦માં સીટમે એકઝીબીશન યોજાયું હતું. જેને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે પણ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલની અત્યાધુનિક મશીનરીઓને પ્રદર્શિત કરવામાં આવશે.

ચેમ્બર ઓફ કોમર્સના ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ એકઝીબીશન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરસાણા ખાતે SIECC ડોમમાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના ૪૦ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. સુરત ઉપરાંત અમદાવાદ, અજમેર, આણંદ, અંકલેશ્વર, બલોત્રા, વર્ધમાન, બેલગામ, ભીવંડી, બિકાનેર, બોટાદ, ચંડીગઢ, કોઇમ્બતુર, દહાણુ રોડ, દિલ્હી, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, જેતપુર, જુનાગઢ, કલ્યાણ, ખંભાત, કોલકાતા, કોટા, મલાડ, માલેગાવ, મુંબઇ, મુઝફફરપુર, નવાપુર, પાનીપત, પૂણે, રાજકોટ, સિલવાસા, સુરેન્દ્રનગર, તમિલનાડુ, ઠાણે, તિરુપુર, ઉજ્જૈન, વડોદરા અને વારાણસી સહિત ભારતભરમાંથી બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp