Tata ભાડેથી આપી રહી છે 15 લાખની આ કાર, 36 મહિના ચલાવો પછી પરત કરો

PC: autodevot.com

ટાટા મોટર્સની 15 લાખથી વધુ કિંમતની આ કાર તમે હવે ભાડે પર લઇને ચલાવી શકો છો. જેને કંપની પોતે ભાડે પર ગ્રાહકોને આપી રહી છે. Tata Motorsએ પોતાની આ કાર માટે સબ્સક્રિપ્શન પ્લાન શરૂ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના પ્રકોપના કારણે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી ખૂબ પ્રભાવિત થઇ છે. જોકે, જુલાઇ મહિનામાં કારોના વેચાણમાં સુધારો જોવા મળ્યો છે. તેનાથી સંકેત મળી રહ્યા છે કે કારોનું વેચાણ ફરી પાટા પર આવી રહ્યું છે. તો બીજી તરફ વેચાણને ગતિ આપવા માટે કાર નિર્માતા કંપનીઓ ઘણી રીતની ઓફરો આપી રહી છે.

એવામાં ટાટા મોટર્સ તેની 15 લાખથી વધુ કિંમતની એક કારને ભાડે પર આપવાની સ્કીમ લઇને આવી છે. જાણ હોય તો ટાટા મોટર્સ તેની કારોની બિલ્ડ ક્વોલિટીને લઇ વધુ જાણીતી છે. તેની કારોને સુરક્ષાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવામાં ટાટાએ પોતાની એક ઈલેક્ટ્રિક કાર માટે સબ્સક્રિપ્શન પ્લાન શરૂ કર્યો છે. જેમાં ગ્રાહકો કારને ભાડેથી લઇ જઇ શકે છે.

ટાટા મોટર્સ પોતાની ઈલેક્ટ્રિક કાર Nexon EVને ગ્રાહકોને ભાડેથી ચલાવવા માટે આપી રહી છે. કંપનીનું કહેવું છે કે, આ તે ગ્રાહકો માટે ફાયદાકારક સ્કીમ છે જેઓ થોડા સમય માટે કોઇ શહેરમાં રહેશે અને તેમને કારની જરૂરત પડશે. પણ તેઓ ઓછા સમય માટે ગાડી ખરીદવા માગતા નથી. કંપનીએ હાલમાં 18 મહિના, 24 મહિના અને 36 મહિના માટે સબ્સક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીનું કહેવું છે કે, આ સબ્સક્રિપ્શન સ્કીમ હેઠળ ઈલેક્ટ્રિક કારોની પહોંચ વધશે. તેના માટા ટાટાએ ઓરિક્સ ઓટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસિસ લિમિટેડની સાથે ભાગીદારી કરી છે. દર મહિને ભાડા ઉપરાંત ગ્રાહકોએ કોઇ અન્ય ફી આપવાનો રહેશે નહીં. તેઓ કારને ચાર્જ કરે અને ચલાવે.

ટાટાની આ કાર એકવાર ફુલ ચાર્જ કરવા પર 312 કિલોમીટર સુધી ચાલી શકે છે. જેમાં 30.2kWhની લિથિયમ આયન બેટરી છે. તેની બેટરી 8 કલાકમાં ફુલ ચાર્જ થઇ જાય છે. જ્યારે ફાસ્ટ ચાર્જિંગ દ્વારા 60 મિનિટમાં 80 ટકા બેટરી ચાર્જ થઇ જાય છે. સ્પીડની વાત કરીએ તો Nexon EV માત્ર 9.9 સેકન્ડમાં 0-100 કિમી સ્પીડ પકડી શકે છે. Nexon EVની દિલ્હી એક્સશો રૂમ કિંમત 13.99 લાખ રૂપિયા છે. જ્યારે ઓન રોડ કિંમત 15,63,997 રૂપિયા છે. તો ટોપ મોડલની એક્સ શોરૂમ કિંમત 15.99 લાખ રૂપિયા છે.

જો ગ્રાહક 18 મહિના માટે Nexon EV કારને ભાડેથી લેવા માટે છે તો તેમણે દર મહિને 47,900 રૂપિયા પેમેન્ટ કરવું પડશે. 24 મહિનાના સબ્સક્રિપ્શન પ્લાનમાં દર મહિને 44,900 રૂપિયા ભાડેથી આપવાના રહેશે. જ્યારે 36 મહિના માટે સબ્સક્રિપ્શન પર દર મહિને 41,900 રૂપિયા ભાડુ આપવાનું રહેશે. સબ્સક્રિપ્શન ખતમ થયા પછી ગ્રાહક ક્યાં તો પોતાના પ્લાનને વધારી શકે છે કે કંપનીને ગાડી પરત કરી શકે છે.

ટાટા મોટર્સનું આ ખાસ સબ્સક્રિપ્શન પ્લાન હાલમાં દેશના 5 મોટા શહેરોમાં ઉપલબ્ધ છે. જેમાં દિલ્હી/NCR, મુંબઈ, પુણે, હૈદરાબાદ અને બેંગલોર સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp