ગાંધીનગર પ્રકૃતિ ઉદ્યાનમાં આખરે 17 વર્ષ બાદ સાવજ જોડીની ડણક સંભળાશે

PC: tosshub.com

ગીરના સાવજની પાટનગર ગાંધીનગરમાં ડણક સંભળાશે રાજ્યના વન વિભાગ દ્વારા સિંહ અને સિહણની જોડીને ઇન્દ્રોડા પાર્ક ઉદ્યાનમાં રખાશે અને આ જોડી માટે ત્રણ તાલીમી કર્મચારીઓને તૈનાત રાખવામાં આવશે. ગુજરાતમાં સિંહની વસ્તી ગીરની અંદર વધી રહી છે, તો બીજી તરફ હદ બાબતે અંદરોઅંદર લડતા કેટલાક સાવજો ગીર અભયારણ્યની બહાર પોતાનું મુકામ બનાવી ચૂક્યા છે. જો કે છેલ્લા એક મહિનાથી ગીરની દલખાણીયા રેન્જમાં સિંહોના મૃત્યુની ઘટના ચર્ચાસ્પદ બની હતી અને સરકાર તેમજ વન્ય પ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે .ત્યારે સૌરાષ્ટ્રના ગૌરવ સમાન સાવજના અસ્તિત્વ માટે સરકાર પણ યોગ્ય રસ્તો વિચારી રહી છે અને ભવિષ્યમાં પણ સિંહોના મુદ્દે કોઈ તકલીફ ન થાય અને આવી કોઇ ઘટનાનું પુનરાવર્તન થાય નહીં તે માટે વનવિભાગ દ્વારા સુચારું આયોજન કરવામાં આવી રહ્યુ છે, ત્યારે પાટનગર ગાંધીનગરમાં આવેલા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની અંદર સિંહ કપલ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રકૃતિ ઉદ્યાનમાં અગાઉ પણ સિંહો રાખવા અંગે ની માગણી કરવામાં આવી હતી. જેમાંગને 17 વર્ષ બાદ આખરે પૂરી કરવામાં આવી રહી છે. ટૂંક જ સમયમાં જૂનાગઢના સક્કરબાગ ઝૂ ખાતેથી સિંહ અને સિંહણની સુંદર જોડી ગાંધીનગર લાવવામાં આવશે અને આ કામગીરી માટે તંત્ર દ્વારા લીલી ઝંડી મળી ગઈ છે. ત્યારે સિંહની જોડીને રાખવા માટે વિભાગ દ્વારા તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત સિંહની જોડીની દેખરેખ માટે ઇન્દ્રોડા પાર્કના 3 કેઝ કિપરને જુનાગઢ સક્કરબાગ ઝૂની અંદર ટ્રેનિંગ અર્થે મોકલી દેવામાં આવ્યા છે, જ્યાં આઠ વર્ષની સિંહણ અને દસ વર્ષના સિંહને કે જે ગાંધીનગર લાવવામાં આવશે તે જોડી અંગે તમામ પ્રકારની માહિતી પાર્કના તાલીમી કર્મચારીઓને આપવામાં આવશે. સાથે-સાથે આ જોડીની સાર સંભાળ માટે વેટરનરી ડૉક્ટરની સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જૂનાગઢ ખાતે સિંહ કપલની તાલીમ માટે ગયેલા પાર્કના તાલીમી કર્મચારીઓને સિંહ અને સિંહણની રહેણીકરણી તેના વર્તન અંગે પણ કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવશે. કારણ કે ગાંધીનગર લાવ્યા બાદ આ કપલની રખાવટમાં કોઈ કચાશ રહે નહીં. હાલમાં તો સિંહ જોડીના રખોપા કરવા માટે કેઝ કીપરોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં સિંહ અને સિંહણના જન્મ સ્થળ તેના માતા સહિત તેની બ્રિડનું પણ ડૉક્યુમેન્ટેશન કરવામાં આવશે અને તેના મેડિકલ ચેક-અપ બાદ આ કપલને ગાંધીનગર લાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 17 વર્ષ પછી દશેરાએ અથવા તો તેના પછીના દિવસોમાં જૂનાગઢની સિંહ જોડી ઈન્દ્રોડા પાર્કમાં જોવા મળશે પરિણામે નવા વર્ષથી ઇન્દ્રોડા પાર્કની મુલાકાતે આવતા મુલાકાતીઓ સિંહ દર્શન કરી શકશે અને ગીરના સાવજની ડણક ગાંધીનગરમાં સાંભળી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp