સુરતમાં કોરોનાના કેસ વધતા હીરા ઉદ્યોગ બંધ, ફરી રત્નકલાકારોએ વતનની વાટ પકડી

PC: toiimg.com

રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોનાના કેસ અમદાવાદમાં સામે આવી રહ્યા છે. અમદાવાદ પછી સુરતનો નંબર આવે છે. હાલ સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને લઇને આરોગ્ય સચિવ ડૉક્ટર જયંતી રવિ સુરતની મુલાકાતે આવ્યા છે. સૌથી વધારે કોરોનાનું સંક્રમણ હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારોમાં ફેલાવવાના કારણે સુરતનો હીરા ઉદ્યોગ સાત દિવસ માટે બંધ કરવામા આવ્યો છે. કારખાનાઓ ફરીથી બંધ થવાના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રહેતા લોકોએ વતનની વાટ પકડી છે. તેઓ ખાનગી અને ST બસમાં વતન જવા રવાના થઇ રહ્યા છે.

રિપોર્ટ અનુસાર લોકડાઉન બાદ હીરા ઉધોગ શરૂ થવાના કારણે રત્નકલાકારો સુરતમાં કામ કરવા માટે પરત આવ્યા હતા પરંતુ સુરતના હીરા ઉદ્યોગ શરૂ થયાના ગણતરીના દિવસોમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાના કારણે તંત્ર દ્વારા ફરીથી હીરા ઉદ્યોગને માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરીને સાત દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. હીરા ઉદ્યોગ બંધ થઇ જવાના કારણે રત્નકલાકારોની આવક ફરીથી બંધ થઇ છે. તેવી પરિસ્થિતિમાં માથે દેવું થઇ જવાના ભયના કારણે રત્નકલાકારોએ પરીવારની સાથે ફરીથી ખાનગી અને ST બસ અથવા તો પોતાના પ્રાઈવેટ વાહનોમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની વાટ પકડી છે. મહત્ત્વની વાત છે કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી સુરત કામ માટે આવતા રત્નકલાકારો મોટા ભાગે સુરતના વરાછા અને કતારગામ વિસ્તારમાં રહે છે અને હાલ જે વધારે કેસ વધી રહ્યા છે તે કતારગામ વિસ્તારમાં વધી રહ્યા છે.

મહત્ત્વની વાત છે કે, સુરતના જ્યારે ડાયમંડ ઉદ્યોગને ખોલવા માટેની મંજૂરી મળી ત્યારે કારીગરોને કારખાનામાં સામાજિક અંતર સાથે અને માસ્ક પહેરીને કામ કરવાનું સુચન કરવામાં આવ્યું હતું પરંતુ કેટલાક હીરાના કારખાનામાં તંત્રના નિયમોનું ઉલ્લંઘન જોવા મળતા સંચાલકોને દંડ SMC દ્વારા ફટકારવામાં આવ્યો હતો. ત્યારબાદ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ડાયમંડ યુનિટોમાં કોરોનાના પોઝિટિવ કેસો સામે આવતા તંત્ર દ્વારા જેતે યુનિટના વિભાગને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રત્નકલાકરોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું અને છેલ્લા 21 દિવસમાં સમયમાં 600 કરતા વધુ રત્નકલાકારો કોરોનાની ઝપેટમાં આવતા ડાયમંડ ઉદ્યોગને સાત દિવસ માટે બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp